અમદાવાદ: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત, જવાબદાર કોણ? PIએ કહ્યું- ઈન્ચાર્જ સ્ટેશન ડાયરી નોંધવા ગયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આવેલા ઇલેક્ટ્રિક રૂમમાં ઉત્તર પ્રદેશના 38 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક જામનગરથી પોતાના વતન જવા નીકળ્યો હતો, પરંતુ આર્થિક મૂંઝવણ અને માનસિક તણાવ વચ્ચે તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છેકે, સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે? પોલીસ પર ગંભીર સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ પીઆઈએ જણાવ્યું કે, 'ઈન્ચાર્જ સ્ટેશન ડાયરી નોંધવા ગયા હતા. આ દરમિયાન યુવક ઈલેક્ટ્રિક રૂમમાં ગયો હતો.'
યુવક ઇલેક્ટ્રિક રૂમમાં ગયો હતો અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
શહેરકોટડા પોલીસ દ્વારા આપેલી માહિતી અનુસાર, મોડી રાતે કંટ્રોલ રૂમ તરફથી શહેરકોટડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનને મેસેજ મળ્યો હતો કે અસારવા રેલવે સ્ટેશન નજીક એક વ્યક્તિ મદદ માંગી રહ્યો છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના પલિયા ગામના વતની 39 વર્ષીય રાજુ રામનક્ષત્ર જાટવ મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન રાજુએ જણાવ્યું હતું કે 'હું છેલ્લા ત્રણ મહિનાથી જામનગરના મોટી ખવડી ખાતે મજૂરી કામ કરતો હતો. નોકરીમાંથી છૂટા કરાતાં હું વતન જવા માટે નીકળ્યા અને અસારવા સ્ટેશને ઉતર્યા હતો.'
નોકરી છૂટી જવાથી રાજુને ભારે માનસિક તણાવમાં જણાતા હતા. ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તેનું કાઉન્સિલિંગ કરી તેના પરિવારજનો સાથે ફોન પર વાત કરાવી હતી. સ્વજનોએ સવારે ઓનલાઈન નાણાં મોકલવાનું આશ્વાસન આપ્યું હતું. રાત્રે બહાર વરસાદ ચાલુ હોવાથી અને રોકાવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી રાજુએ સવાર સુધી પોલીસ સ્ટેશનના વેઇટિંગ એરિયામાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે (15મી સપ્ટેમ્બર) સવારે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ એક આઘાતજનક ઘટના બની. ફરજ પરના અધિકારીની શિફ્ટ પૂરી થયા બાદ જોવામાં આવ્યું કે પોલીસ સ્ટેશનના ઈલેક્ટ્રીક રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. વારંવાર અવાજ આપવા છતાં દરવાજો ન ખુલતાં બારીમાંથી તપાસ કરવામાં આવી હતી, જ્યાં રાજુ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતો.
આ ઘટના સામે આવતાં જ તાત્કાલિક ધોરણે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને ડિવિઝનલ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું હતું અને પેનલ ડોક્ટર દ્વારા વીડિયોગ્રાફી સાથે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં આ અંગે પોલીસ દ્વારા આગળની તપાસ ચાલી રહી છે.
શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઇએ શું કહ્યું?
આ મામલે શહેર કોટડાપોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે, 'રાજુ જાટવને પોલીસ સ્ટેશન લાવીને ગ્રાઉન્ડ ફ્લોર પર બેસાડવામાં આવ્યો હતો. એ પછી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પરિવાર સાથે પણ ફોન પર વાત કરાવવામાં આવી હતી. જે બાદ ઇન્ચાર્જ ઉપરના ફ્લોર પર સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા માટે ગયા હતા. ત્યારે યુવક ત્યાં નીચે બેઠો હતો. યુવક ચાલીને ઇલેક્ટ્રીક રૂમમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. વહેલી સવાર સુધી તેણે દરવાજો ન ખોલતા દરવાજો તોડાવીને અંદર જતા તેણે આપઘાત કરેલો જોવા મળ્યો હતો. યુવક ચાલીને ઇલેક્ટ્રીક રૂમમાં જતો હોય તેવું સીસીટીવી ફૂટેજ ચેક કરતા જોવા મળ્યું હતું. યુવકે આપઘાત કર્યો તે અંગે તેના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.'




