Ahmedabad

VIDEO| અમદાવાદ: દિવાળીની અનોખી પરંપરા! ધંધા-રોજગારમાં બરકત માટે સિંધી સમાજ કરે છે 'હટડી' પૂજા

By GS Team
2 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડામાં દિવાળી પૂર્વે માટીની 'હટડી'નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સિંધી સમાજ પોતાની સાંસ્કૃતિક પરંપરા મુજબ ધનતેરસ અને દિવાળીએ ઘરમાં માટીની હટડી લાવી પૂજા કરે છે. 'હટડી' એ વ્યાપાર અને સમૃદ્ધિનું પ્રતીક છે, જેમાં દીવો પ્રગટાવી લક્ષ્મીજીની પૂજા કરાય છે. સિંધી પરિવારોમાં દરેક પુરુષ સભ્યના નામની અલગ હટડી રાખવામાં આવે છે. 2 મહિનાની મહેનત બાદ પણ કારીગરોને ₹30-₹40માં વેચાતી હટડીનું ઓછું વળતર મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: દિવાળીની અનોખી પરંપરા! ધંધા-રોજગારમાં બરકત માટે સિંધી સમાજ કરે છે 'હટડી' પૂજા

Ahmedabad Sindhi Community Diwali Hatdi Puja Tradition: સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં ઘરો અને બજારોમાં માટીના કોડિયા તેમજ દીવાઓનું ચલણ વિશેષ જોવા મળતું હોય છે. પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં આ દિવસોમાં માટીની ‘હટડી’નું વિશેષ અને ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ દેશભરનો સિંધી સમાજ માટીના કોડિયાની સાથે પોતાની સાંસ્કૃતિક પરંપરા મુજબ દિવાળી પર માટીની હટડીથી પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ માને છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, ધનતેરસ અને દિવાળીના દિવસે સિંધી સમાજના લોકો ઘરમાં માટીની હટડી લાવીને તેમાં દીવો પ્રગટાવી કે ભગવાનની મૂર્તિ મૂકીને વિધિવત પૂજા-અર્ચના કરે છે.

શું છે ‘હટડી’ અને તેની ખાસિયત?

સિંધી ભાષામાં 'હટ' એટલે કે દુકાન અથવા વ્યાપારનું સ્થાન. હટડી એ માટી, લાકડા અથવા સ્ટીલમાંથી બનાવેલું એક નાનું ઘર કે દુકાન જેવું માળખું હોય છે, જે વ્યાપાર અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરાગત હટડીઓ વાંસની લાકડીઓ અને માટીના ઉપયોગથી ખાસ ઢંગથી બનાવવામાં આવે છે. તેના નીચેના ભાગમાં દીવો કે કોઈ ફોટો મૂકવા માટે કોડિયા જેવી વ્યવસ્થા હોય છે, જેને ફરતે વાંસની લાકડીઓ ભરાવવામાં આવે છે. તેની ઉપર માટીથી અર્ધચંદ્રાકાર આકાર આપવામાં આવે છે, જેના પર દીવો પ્રગટાવવા માટે માટીની નાની દીવી લગાવવામાં આવે છે. ત્યારબાદ તેને રંગબેરંગી કલરથી સજાવીને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે.

ઘરમાં પુરુષ સભ્યોના નામની અલગ હટડી અને પૂજા વિધિ

સિંધી પરિવારમાં જેટલા પણ પુરુષ સભ્યો (નાના બાળકથી લઈને વડીલો સુધી) હોય, તે દરેકના નામની અલગ-અલગ હટડી રાખવાની પરંપરા છે. ઘરમાં જેમ વંશ વધે કે નવા પુત્રનો જન્મ થાય, તેમ હટડીની સંખ્યા વધારવામાં આવે છે. દિવાળીના દિવસે આ હટડીની મધ્યમાં માતા લક્ષ્મીજીની નાની મૂર્તિ કે છબી સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ હટડીની અંદર દીવો પ્રગટાવીને ધૂપ-દીપ અને મીઠાઈ અર્પણ કરી પૂજા કરવામાં આવે છે.

"લક્ષ્મી આઈ, દાનત વાઈ"

આ પૂજા દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી ચાલતી હોય છે. સિંધી સમાજ મુખ્યત્ત્વે વ્યાપાર પ્રધાન હોવાથી, દિવાળીની રાત્રે લક્ષ્મીજી પાસે ધંધા-રોજગારમાં બરકત અને સુખ-શાંતિની પ્રાર્થના કરાય છે. પૂજા પૂરી થયા પછી સિક્કાઓને કાચા દૂધથી ધોઈને દાંત અડાડવાની અને "લક્ષ્મી આઈ, દાનત વાઈ" (લક્ષ્મીજી પધાર્યા અને દરિદ્રતા દૂર થઈ) બોલવાની પણ સુંદર પરંપરા છે.

2 મહિનાની સખત મહેનત અને બજારની સ્થિતિ

આ સુંદર હટડીઓ તૈયાર કરવા માટે નરોડા વિસ્તારના શ્રમિકો છેલ્લા 2 મહિનાથી રાત-દિવસ અથાક મહેનત કરી રહ્યા છે. માટીને આકાર આપવાથી લઈને તેને રંગવાની પ્રક્રિયા આ કારીગરો દ્વારા કરવામાં આવે છે. આ હટડીઓ મોટે ભાગે અમદાવાદના કુબેરનગર, સરદારનગર, મેમ્કો, જૂના વાડજ, મોટેરા અને સૌરાબજી કંપાઉન્ડ જેવા સિંધી વસતિ ધરાવતા વિસ્તારોમાં વેચાય છે. જોકે, 2 મહિનાની કાળી મજુરી છતાં બજારમાં આ હટડીઓ માત્ર ₹30 થી ₹40 જેવી સાધારણ કિંમતે વેચાતી હોવાથી કારીગરોને યોગ્ય મહેનતાણું મળતું ન હોવાની વેદના પણ સામે આવી રહી છે.