અમદાવાદ: ઓઢવ રિંગ રોડ પરથી MD ડ્રગ્સ સાથે 48 વર્ષીય શખસ ઝડપાયો, રાજસ્થાનના સાંચોરથી લાવ્યો હતો જથ્થો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એસ.પી. રિંગ રોડ પર અક્ષર પુરુષોત્તમનગર સોસાયટી નજીક કારમાં મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા કઠવાડાના યુવકને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી 10 ગ્રામ 265 મિલીગ્રામ MD ડ્રગ્સ, કાર, મોબાઈલ અને રોકડ સહિત કુલ 2.84 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં આરોપીએ પાનમસાલામાં ભેળવી તેમજ છૂટક વેચાણ કરવા માટે દાણીલીમડાના સાગરીત સાથે રાજસ્થાનના સાંચોર જઈ ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો
ઓઢવ પોલીસને બાતમી મળી હતી કે, એક શખસ કારમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને અક્ષર પુરુષોત્તમનગર સોસાયટી નજીક ડિલિવરી આપવા આવશે. આ બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ વોચ ગોઠવી કારમાં આવેલા 48 વર્ષીય જિતેન્દ્રકુમાર ડગ્ગાની અટકાયત કરી હતી. જે બાદ તપાસ કરતા તેની પાસાથી શંકાસ્પદ બ્રાઉન પાવડર મળી આવ્યો હતો. જે મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ફલિત થયું હતું. તેનું વજન 10 ગ્રામ 265 મિલીગ્રામ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, કાર સહિત કુલ 2.84 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા જિતેન્દ્ર ડગ્ગાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, 'મને પાનમસાલા સાથે MD ડ્રગ્સ લેવાની ટેવ છે અને હું વેચાણ પણ કરૂ છું. 22મી સપ્ટેમ્બરના રોજ હું દાણીલીમડાના અરબાઝ સાથે કાર લઈને રાજસ્થાનના સાંચોર પાસેના ખેરા ગામે ગયો હતો. ત્યાંથી મહેન્દ્રસિંહ બન્ના પાસેથી આ જથ્થો ખરીદ્યો હતો.'




