અમદાવાદ: વાસણામાંથી AMC કર્મચારીઓનો સ્વાંગ રચી 7 લાખના કોપર કેબલ ચોરતી ગેંગના 4 આરોપી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Copper Cable Theft: અમદાવાદના વાસણા વિસ્તારમાં ચોરીની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કર્મચારીઓનો સ્વાંગ રચીને BSNLના અંડરગ્રાઉન્ડ ડક્ટમાંથી 7 લાખ રૂપિયાની કિંમતના કોપર કેબલની ચોરી કરતી ટોળકીનો વાસણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરાર અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
AMC કર્મચારી બની BSNL ના સિક્યોરિટી ગાર્ડને બેસાડી દીધો
મળતી માહિતી અનુસાર, 15મી ઓગસ્ટની મોડી રાત્રે વાસણા વિસ્તારમાં કેટલાક શખ્સો AMC ના રેડિયમ જેકેટ પહેરીને અને જરૂરી સાધનો સાથે પહોંચ્યા હતા. તેણે પોતાની ઓળખ AMCના કર્મચારીઓ તરીકે આપી BSNLના સિક્યોરિટી ગાર્ડને એક બાજુ બેસાડી દીધો હતો. ત્યારબાદ ટોળકીના સભ્યોએ ક્રેનની મદદથી બિન્દાસ્ત રીતે BSNLના ડક્ટ ખોલવાનું કામ શરૂ કર્યું હતું.
ટ્રાફિક મેનેજમેન્ટનો દેખાવ કરી 7 લાખના કેબલ કાઢ્યા
આરોપીઓએ આસપાસના લોકોને કે વાહનચાલકોને સહેજ પણ શંકા ન જાય તે માટે ભારે ચાલાકી વાપરી હતી. AMC કર્મચારી જેવા જ રેડિયમ જેકેટ અને નાઇટ લાઇટ્સ સાથે રાખીને કામગીરી શરૂ કરી હતી. રોડ પર ટ્રાફિક મેનેજમેન્ટ કરતા હોવાનો દેખાવ કરીને મોડી રાત્રે ક્રેન વડે ડક્ટમાંથી અંદાજે 7 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયર કાઢી ચોરી આચરી હતી.
BSNL સ્ટાફને શંકા જતાં પોલીસ ત્રાટકી
BSNLના સ્ટાફને સમગ્ર કામગીરી અંગે શંકા જતાં તેણે સ્થળ પર પહોંચી દૂરથી વોચ ગોઠવી હતી અને તુરંત વાસણા પોલીસને જાણ કરી હતી. પોલીસની ગાડી આવતી જોઈ કેટલાક શખસો અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે કોર્ડન કરીને રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જિતેષ યાદવ અને રાહુલ ભરવાડને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ટોળકીએ અગાઉ શહેરના અન્ય વિસ્તારોમાં આ જ રીતે ચોરી આચરી છે કે કેમ અને ફરાર સાગરીતો ક્યાં છુપાયા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









