Ahmedabad

અમદાવાદ: થલતેજમાં ડમ્પરની અડફેટે માતાની સામે 12 વર્ષની દીકરીનું મોત, અગાઉ પણ બે લોકોનો ભોગ લીધો હતો

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના થલતેજમાં શાળાએથી પરત ફરતી 12 વર્ષીય બાળકીને ડમ્પરે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું છે. માતા સાથે એક્ટિવા પર જતી બાળકીને બેફામ ડમ્પરે ટક્કર મારતા માતાની નજર સામે દીકરીનું મોત થયું. અકસ્માત સર્જનાર ડમ્પરે ભૂતકાળમાં પણ 2 લોકોનો ભોગ લીધો હતો. SG 1 ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: થલતેજમાં ડમ્પરની અડફેટે માતાની સામે 12 વર્ષની દીકરીનું મોત, અગાઉ પણ બે લોકોનો ભોગ લીધો હતો
AI તસવીર

Ahmedabad News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં શાળાએથી પરત ફરતી વખતે 12 વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બાળકી પોતાની માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહી હતી, તે જ સમયે એક બેફામ આવતા ડમ્પરે તેમના વાહનને અડફેટે લીધું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં માતાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમની નજર સમક્ષ જ તેમની વહાલસોયી દીકરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માત સર્જનાર ડમ્પર (GJ 24 X 5130) અંગે એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે તેણે ભૂતકાળમાં અન્ય એક દુર્ઘટનામાં બે લોકોનો ભોગ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ એસ.જી. 1 ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી લીધી હતી. હાલમાં પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં અકસ્માતની સંખ્યા ચિંતાજનક

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એનાલિટિકલ સ્ટડી ઓફ રોડ એક્સિડન્ટ્સ ઇન ગુજરાત-2024ના અહેવાલમાં જાહેર કરાયો હતો જેમાં અકસ્માતના પ્રમાણને લઈને ચિંતાજનક ચિત્ર રજૂ કરાયું હતું. રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં સમગ્ર ગુજરાતમાં કુલ 15,588 માર્ગ અકસ્માત થયા હતા જેમાં 7,717 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ સિવાય કુલ 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા જે પૈકી 9,301 લોકો તો ઈજાગ્રસ્ત થતાં અપંગતાનો ભોગ બન્યા હતા. આ રિપોર્ટ પરથી એવા તારણ બહાર આવ્યા છે કે, ગુજરાતમાં રોજ સરેરાશ 20 લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે.

ઓવર સ્પીડ બની અકસ્માતોનું મુખ્ય કારણ

અહેવાલના ચોંકાવનારા વિશ્લેષણ મુજબ, ગુજરાતના માર્ગો પર રોજ સરેરાશ 40 અકસ્માતો સર્જાય છે અને દરરોજ 20 લોકો મૃત્યુ પામે છે. અકસ્માતો પાછળનું સૌથી મુખ્ય અને મોટું કારણ વાહનોની ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે. નિયત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવવાની લ્હાયમાં નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બની રહ્યા છે.