Ahmedabad

અમદાવાદમાં માવા અને નકલી સોસ બાદ હવે ખાદ્ય તેલની તપાસ, દિવાળી પહેલાં ફરસાણના જાણીતા બે એકમ સીલ

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં દિવાળી પૂર્વે ફૂડ વિભાગે ઝુંબેશ તેજ કરી છે. સરખેજના સૌરાષ્ટ્ર ભજીયા ઍન્ડ ગાંઠિયા અને માધુપુરાના ગાયત્રી ચવાણા માર્ટને સીલ કરાયા છે. FSSAI લાયસન્સ વિના ધંધો, કારીગરો દ્વારા સ્વચ્છતાના નિયમોનો ભંગ અને વધુ TPC ધરાવતા તેલના ઉપયોગ બદલ કાર્યવાહી થઈ. વિભાગે તમામ એકમોને નિયમો પાળવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં માવા અને નકલી સોસ બાદ હવે ખાદ્ય તેલની તપાસ, દિવાળી પહેલાં ફરસાણના જાણીતા બે એકમ સીલ

Ahmedabad Food Department Raid: દિવાળીના તહેવાર પહેલાં શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભેળસેળને લઈને કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તાજેતરમાં માવાનો જથ્થો અટકાવવા અને મોટી માત્રામાં નકલી ટોમેટો સોસનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી બાદ હવે ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તેલની ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતાં બે એકમોને સીલ કરવામાં આવ્યાં છે. સરખેજના ઉજાલા સર્કલ પાસે આવેલા સૌરાષ્ટ્ર ભજીયા ઍન્ડ ગાંઠિયા અને માધુપુરામાં ગંજ બજારની સામે આવેલી ગાયત્રી ચવાણા માર્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

FSSAIનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો

કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગની ટીમે બંને એકમોમાં તપાસ કરતાં FSSAIનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો થતો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત એકમોમાં કામ કરતા કારીગરો ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમો મુજબ કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરતા ન હતા. સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટેની જોગવાઈઓનું પણ પાલન થતું ન હોવાનું તપાસમાં જણાયું હતું.

image.png

સરખેજના એકમમાં તેલનો TPC 25 ટકાથી વધુ જોવા મળ્યું

સરખેજના ઉજાલા સર્કલ પાસે આવેલા સૌરાષ્ટ્ર ભજીયા એન્ડ ગાંઠિયા એકમની તપાસમાં ફરસાણ તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલનો TPC 25 ટકાથી વધુ હોવાનું સામે આવ્યું હતું. ખાદ્ય પદાર્થો તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા તપાસમાં આ એકમમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આ ઉપરાંત વપરાશ બાદ વધેલા તેલના યોગ્ય નિકાલ માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી સાથે કરાર પણ કરવામાં આવ્યો ન હતો. એકમમાં FSSAIનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન ન હોવા ઉપરાંત કારીગરો દ્વારા સ્વચ્છતાનાં જરૂરી સાધનોનો ઉપયોગ થતો ન હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું.

માધુપુરામાં લાઇસન્સ વગર ચવાણાનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું

માધુપુરામાં ગંજ બજારની સામે આવેલી ગાયત્રી ચવાણા માર્ટની તપાસમાં પણ FSSAIનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો થતો હોવાનું જણાયું હતું. અહીં કામ કરતા કારીગરો કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરતા નહોતા. ઉપરાંત FSSAIની શેડ્યૂલ-4 મુજબ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટેના નિયમોનું પાલન થતું ન હોવાથી એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

image.png

ખાદ્ય એકમોને સ્વચ્છતા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા ફૂડ વિભાગે અપીલ કરી

કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે શહેરના તમામ મીઠાઈ અને ફરસાણ ઉત્પાદકો, પેકેજ્ડ ફૂડ ઉત્પાદકો તથા અન્ય ખાદ્ય ધંધાકીય એકમોને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને સંગ્રહ માટે સ્વચ્છ વાતાવરણ જાળવવા, ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા જાળવવા તેમજ કારીગરો પાસે કેપ, એપ્રન, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરાવવા સૂચના આપવામાં આવી છે.

50 કિલોથી વધુ તેલનો વપરાશ કરતા એકમોએ તેના નિકાલ કરતી એજન્સી સાથે કરાર કરવાનું રહેશે

આ ઉપરાંત પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનું પેકેજિંગ અને લેબલિંગ પ્રવર્તમાન નિયમો મુજબ કરવા જણાવાયું છે. દરરોજ 50 કિલોથી વધુ ખાદ્ય તેલનો વપરાશ કરતા એકમોએ વપરાયેલા તેલના યોગ્ય નિકાલ માટે માન્યતા પ્રાપ્ત એજન્સી સાથે કરાર કરીને તેનો અમલ કરવો જરૂરી છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા એકમોમાં તપાસ ચાલુ રાખવામાં આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 તથા તેના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડ અને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.