Ahmedabad

અમદાવાદના સરખેજમાં અરેરાટીભરી ઘટના: ઉજાલા સર્કલ પાસે ખુલ્લા ખેતરમાંથી મળી આવ્યો નવજાત શિશુનો મૃતદેહ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજમાં ઉજાલા સર્કલ પાસે ખુલ્લા ખેતરમાંથી કાળા થેલામાં ત્યજી દેવાયેલું તાજા જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. 10 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાની આસપાસ શ્રમજીવીના બાળકોને આ મૃતદેહ દેખાતા પોલીસને જાણ કરાઈ હતી. સરખેજ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજ તપાસી રહી છે. નિષ્ઠુર વ્યક્તિ પાપ છુપાવવા બાળકને તરછોડી ફરાર થઈ હોવાનું અનુમાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના સરખેજમાં અરેરાટીભરી ઘટના: ઉજાલા સર્કલ પાસે ખુલ્લા ખેતરમાંથી મળી આવ્યો નવજાત શિશુનો મૃતદેહ

Ahmedabad Sarkhej Newborn Baby Case : અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઉજાલા સર્કલ પાસે એક ખુલ્લા ખેતરમાંથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં ત્યજી દેવાયેલી હાલતમાં તાજા જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજાણી અને નિષ્ઠુર વ્યક્તિ પોતાના પાપને છુપાવવા અથવા અન્ય અગમ્ય કારણોસર આ માસૂમ બાળકને જીવતું કે મૃત હાલતમાં અહીં ફેંકીને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આ અમાનવીય ઘટના અંગે નજીકમાં જ ઝૂંપડું બાંધીને રહેતા એક શ્રમજીવી યુવાને પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

શ્રમજીવીના બાળકોની નજરે પડ્યું માસૂમ બાળક

ઘટનાની વિગતો મુજબ, સરખેજમાં ઉજાલા સર્કલ પાસે ખુલ્લા ખેતરમાં ઝૂંપડું બાંધીને રહીને મજૂરીકામ કરતા 36 વર્ષીય ધુડાભાઇ લાલજીભાઈ ચૌહાણે આ મામલે પોલીસને જાણ કરી હતી. ગત 10 ઓક્ટોબરના રોજ સાંજે આશરે 6 થી 6:15 વાગ્યાના સુમારે તેમના નાના બાળકો ઝૂંપડાથી થોડે દૂર ખુલ્લી જગ્યામાં ગયા હતા. તે દરમિયાન બાળકોની નજર કાળા રંગની પ્લાસ્ટિકની થેલી પર પડી હતી, જેમાં એક તાજું જન્મેલું બાળક ચોકડીવાળા બરમુંડામાં લપેટાયેલી હાલતમાં પડેલું હતું. બાળકોએ તુરંત જ પોતાના પિતાને આ અંગેની જાણ કરી હતી.

પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી

બાળકને આ હાલતમાં જોતા જ યુવાને ત્વરિત 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી. થોડીવારમાં જ સરખેજ પોલીસ સ્ટેશનનો કાફલો અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ના મેડિકલ સ્ટાફ દ્વારા આ ત્યજી દેવાયેલા નવજાત શિશુની તપાસ કરવામાં આવતા તે તાજો જન્મેલો છોકરો હોવાનું અને તેનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું જણાયું હતું. આ અતિસંવેદનશીલ મામલે સરખેજ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને આકૃત કૃત્ય કરનાર વ્યક્તિને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.