AUDA માં મકાન અપાવવાનું કહીને 11 લોકો સાથે 24.50 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AUDA House Allotment Cheating Scam : અમદાવાદ શહેરમાં લોકોને સસ્તા ભાવે મકાન અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવવાના કૌભાંડો અવારનવાર સામે આવતા હોય છે. તાજેતરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કેસ નોંધાયો છે, જેમાં રાજેશ ઉર્ફે રાજભા બાબુલલાલ રાઠોડ નામના શખ્સે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) નો ડિરેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને અનેક લોકોને ફસાવ્યા છે. આ ઠગે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ પ્રોફેશનલ નિયતિબહેન જૈન સહિત કુલ 11 લોકો સાથે રૂપિયા 24.50 લાખની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.
ફિલ્મોના પ્રમોશનથી વિશ્વાસ કેળવી શરૂ કરી છેતરપિંડી
ફરિયાદી નિયતિબહેન જૈન સાથે આ આરોપીની મુલાકાત ફિલ્મોના સોશિયલ મીડિયા પ્રમોશનના સિલસિલામાં થઈ હતી. આરોપીએ પોતાની પાસે ઘણી ગુજરાતી ફિલ્મો લાઇનઅપમાં હોવાનું જણાવીને નિયતિબહેનને સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે કામ કરવાની ઓફર આપી હતી. આ સમયગાળા દરમિયાન તેણે લોકોને અમદાવાદમાં AUDA ના મકાનો સહેલાઈથી અપાવી શકવા સક્ષમ હોવાનો દાવો કર્યો હતો. ફેબ્રુઆરી 2026 માં નિયતિબહેન અને તેના પતિ વસ્ત્રાપુર સ્થિત આરોપીના નિવાસ્થાને મળ્યા હતા, જ્યાં મકાન ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરતા આરોપીએ ટોકન પેટે રૂપિયા 1 લાખ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા પડાવ્યા હતા.
સ્વિસ બેંકમાં રૂપિયા 3,400 કરોડ હોવાનો ખોટો દાવો
પોતાની ઓળખ મજબૂત કરવા અને લોકોનો ભરોસો જીતવા માટે આરોપી રાઠોડે દાવો કર્યો હતો કે તે AUDA ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે અને આ પ્રક્રિયામાં કોઈ બ્રોકર સામેલ નથી. તેણે એક બનાવટી દસ્તાવેજ પણ બતાવ્યો હતો. જેમાં AUDA ના સભ્યોની યાદીમાં તેનું નામ સામેલ હોવાનું દર્શાવ્યું હતું. આટલું જ નહીં, પોતાની વિશ્વસનીયતા વધારવા માટે તેણે સ્વિસ બેંકમાં રૂપિયા 3,400 કરોડ હોવાનું દર્શાવતી નકલી બેંક સ્ટેટમેન્ટ પણ બતાવી હતી. આ વાતોમાં આવીને નિયતિબહેને પોતાના અન્ય પરિચિતોને પણ આ યોજનામાં જોડ્યા હતા.
ચેક બાઉન્સ થતાં ભાંડો ફૂટ્યો અને પોલીસ ફરિયાદ
આરોપીએ કુલ 11 લોકો પાસેથી રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા 24.50 લાખ પડાવી લીધા હતા. પરંતુ લાંબા સમય સુધી મકાન ન મળતા પીડિતોએ 1 ઓગસ્ટના રોજ એક કરાર નોટરાઇઝ્ડ કરાવ્યો હતો. જેમાં આરોપીએ 17 ઓગસ્ટ સુધીમાં નાણાં પરત આપવાનું કબૂલ્યું હતું. જો કે નાણાં પરત ન મળતા બાદમાં આરોપીએ પ્રશાંત ગાંધીની ફેવરમાં રૂપિયા 6.30 લાખનો ચેક આપ્યો હતો, જે બેંકમાં નાખતા બાઉન્સ થયો હતો. સમગ્ર મામલે ભાંડો ફૂટતા પીડિતોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને વધુ પીડિતો સામે આવવાની શક્યતા છે.




