મિલકત ખરીદનારાને રાહત: NRI પ્રોપર્ટી ડીલ બની વધુ સરળ, 1 ઓક્ટોબરથી નવો નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NRI Property Purchase: બિન નિવાસી ભારતીય (NRI) પાસેથી મિલકત ખરીદનારાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટા રાહતરૂપ પગલાંની જાહેરાત કરવામાં આવી છે. હવેથી NRI પાસેથી મિલકત ખરીદનારાઓએ અલગથી ટાન-ટીડીએસ (TAN-TDS) એકાઉન્ટ નંબર લેવાની ફરજ પડશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા એક પરિપત્ર બહાર પાડીને આ નવી જોગવાઈને આગામી પહેલી ઓક્ટોબરથી અમલમાં લાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારથી મિલકત ખરીદ્યા પછીની પ્રક્રિયાઓ અને કાગળની જફામાં મોટો ઘટાડો થશે.
ફોર્મ નંબર 161 અને 144નું થયું મર્જિંગ
આ નવી વ્યવસ્થા અંતર્ગત, ફોર્મ નંબર 16માં નોન-રેસિડન્ટને લગતી માહિતી આપવા માટેનું વિશેષ કોલમ ઉમેરી દેવામાં આવ્યું છે. આ સાથે જ સુધારેલું ફોર્મ નંબર 16 પણ બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ બિન નિવાસી ભારતીય માટે ફોર્મ નંબર 144 અમલમાં હતું, જ્યારે ભારતીય રહેવાસીઓ માટે ફોર્મ નંબર 16 વપરાતું હતું. હવે સરકાર દ્વારા આ બંને ફોર્મ્સને મર્જ કરીને એક જ કરી દેવામાં આવ્યા છે. આ ફોર્મ અસ્તિત્વમાં આવવાથી મિલકત ખરીદનારે ટીડીએસ નંબર અલગથી મેળવવાની જરૂર રહેતી નથી.
જૂની અને નવી વ્યવસ્થા વચ્ચેનો તફાવત
જૂની પદ્ધતિ મુજબ, જો કોઈ વ્યક્તિ રૂ. 50 લાખથી વધુના મૂલ્યની મિલકત ભારતના કોઈ નિવાસી પાસેથી ખરીદી કરતી હોય, તો તેણે ચૂકવવામાં આવતા પેમેન્ટ પર 1 ટકાના દરે ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) કપાવવો પડતો હતો. જો વેચનાર બિનનિવાસી ભારતીય (NRI) હોય, તો તેવા સંજોગોમાં કરાયેલા પેમેન્ટમાંથી 12.5 ટકાના દરે TDS કાપવાનો રહેતો હતો. આ માટે ટીડીએસનું અલગથી ફોર્મ ભરવું પડતું હતું અને ચલણ પણ જમા કરાવવું પડતું હતું.
નવા સુધારેલા ફોર્મમાં જ હવે નિવાસી અને બિનનિવાસી બંનેની વિગતો સરળતાથી ભરી શકાશે. અગાઉ અલગથી એકાઉન્ટ નંબર તેમજ અલગ ફોર્મ ભરવાની અને TAN નંબર ઉપરાંત ફોર્મ 16માં ટીડીએસ સર્ટિફિકેટ આપવાની જે જટિલ પ્રક્રિયા હતી, તેમાં હવે રાહત મળશે. જોકે ભારતના નિવાસી પાસેથી મિલકત ખરીદનારને અગાઉ પણ TAN નંબર લેવાની જરૂર પડતી નહોતી.
પહેલી ઓક્ટોબરથી નવો નિયમ અમલી બનશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ નવું ફોર્મ દાખલ કરીને બિનનિવાસીઓ પાસેથી મિલકત ખરીદ્યા પછી નાગરિકોને વેઠવી પડતી મુશ્કેલીઓ અને કાગળની ઝંઝટમાં ભારે ઘટાડો કરી દીધો છે. આગામી પહેલી ઓક્ટોબરથી આ સંપૂર્ણ નવી વ્યવસ્થા દેશભરમાં અમલમાં આવી જશે.




