લંડનના ATC સિસ્ટમમાં ટેકનિકલ ખામી, અમદાવાદના મુસાફરો સહિત 246થી વધુ મુસાફરો ઝ્યુરિકમાં ફસાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

London ATC Outage: લંડનમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીની અસર આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પર પડી છે. યુકેના એરપોર્ટ્સ પરથી આવતી-જતી સેંકડો ફ્લાઈટ્સનું શેડ્યૂલ ખોરવાયું છે અને કેટલીક ફ્લાઈટ્સ રદ કરવી પડી રહી છે. આ ટેકનિકલ ખામીનો ભોગ મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની AI-131 ફ્લાઈટ પણ બની હતી. ફ્લાઈટને લંડનના બદલે ઝ્યુરિક ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ ફ્લાઈટમાં અમદાવાદના અનેક મુસાફરો સહિત 246થી વધુ મુસાફરો સવાર હતા. મુસાફરો મંગળવારે સવારે જ એરપોર્ટ પહોંચી ગયા હતા અને ફ્લાઈટ બપોરે આશરે 1.30 વાગ્યે લંડન માટે રવાના થઈ હતી. જોકે લંડનમાં ATC સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટને લંડન લઈ જવાને બદલે ઝ્યુરિક ડાયવર્ટ કરવામાં આવી હતી.

ઝ્યુરિક પહોંચ્યા બાદ પણ મુશ્કેલી યથાવત્
ફ્લાઈટ ઝ્યુરિક એરપોર્ટ પર લેન્ડ થયા બાદ શરૂઆતમાં મુસાફરોને વિમાનની અંદર જ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્લાઈટ રદ કરવામાં આવી અને તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારીને ઝ્યુરિક એરપોર્ટ પર લઈ જવાયા હતા.
ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર સંજય સૂર્યબલીએ જણાવ્યું કે ફ્લાઈટ હજુ ઝ્યુરિક એરપોર્ટ પર જ છે અને બપોરે 2 વાગ્યા બાદ નવી માહિતી આપવામાં આવશે. એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે લાંબી રાહ જોવી પડતી હોવાથી મુસાફરોની મુશ્કેલી વધી હતી અને કેટલાક મુસાફરોએ એરપોર્ટની બેન્ચ તેમજ જમીન પર સૂઈને રાત પસાર કરી હતી.

એર ઈન્ડિયા માટે નવી મુશ્કેલી
એર ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી ઓપરેશનલ અને અન્ય પડકારોનો સામનો કરી રહી છે. ત્યારે લંડનના ATCમાં આવેલી આ ટેકનિકલ ખામીથી આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની કામગીરીને વધુ અસર થઈ છે. AI-131માં અમદાવાદ સહિતના મુસાફરોને લંડન પહોંચવાના બદલે ઝ્યુરિકમાં લાંબી રાહ જોવી પડી છે. હવે મુસાફરોને આગળ લંડન કેવી રીતે પહોંચાડવામાં આવશે અને નવી ફ્લાઈટ ક્યારે મળશે તે અંગેની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.




