તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજનો 99મા વર્ષમાં મંગળ પ્રવેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Guru Vandana Mahotsav: શ્રી પરમ આણંદ જૈન સંઘ (વીતરાગ સોસાયટી, પાલડી)માં ચાતુર્માસ અર્થે બિરાજમાન આગમ નિષ્ણાત, તપાગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજના 99મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે 2 ઓક્ટોબર, શુક્રવારના રોજ અમદાવાદમાં ગુરુવંદના મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજનગર ઉપરાંત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુરુવંદના માટે ઉમટી પડ્યા હતા.
તપાગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ પૂજ્ય શ્રી યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સમુદાયના પ.પૂ. વચનસિદ્ધ ગચ્છાધિપતિ આચાર્ય સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય છે. અંતર્મુખી સ્વભાવ ધરાવતા પૂજ્ય ગુરુદેવે 50થી વધુ ધાર્મિક અને તાત્વિક ગ્રંથોનું લેખન કર્યું છે. તેઓ દૈનિક 17થી 18 કલાક જાપમગ્ન રહે છે. તેમણે સંયમ જીવન દરમિયાન 10 કરોડથી વધુ નવકાર મંત્ર અને 10 લાખથી વધુ લોગસ્સ સૂત્રના જાપ કર્યા છે. તેમના વરદહસ્તે અનેક દીક્ષાઓ, પદવીઓ, અંજનશલાકા, પ્રતિષ્ઠા અને છરીપાલિત સંઘ જેવાં અનેક જિનશાસનના પ્રભાવક કાર્યો સંપન્ન થયાં છે. 99 વર્ષની વયે પણ તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ છે અને તેઓ નવું જ્ઞાન મેળવવાની ઉત્કંઠા ધરાવે છે.
પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજનું મૂળ વતન બારડોલી છે. પૂજ્યશ્રીના સંયમ જીવનના 78 વર્ષ અને આચાર્ય પદવીના 52 વર્ષ પૂર્ણ થયાં છે. ભગવાન મહાવીરની મૂળ પાટ પરંપરામાં તેઓ ચોથા તપાગચ્છાધિપતિ તરીકે બિરાજમાન છે. તેઓ દીક્ષા પર્યાય, આચાર્ય પદવી અને વય મર્યાદા- એ ત્રણેય દ્રષ્ટિએ પૂર્વ તપાગચ્છાધિપતિઓમાં અગ્રેસર સ્થાન ધરાવે છે.
અમદાવાદના પાલડી, અંજલિ ચાર રસ્તા પાસે આવેલી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સુબોધસાગરસૂરીશ્વરજી લાઈબ્રેરીમાં શુક્રવારે સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન આ ઉજવણી થઈ હતી. આ પ્રસંગે રાજનગરમાં બિરાજમાન અનેક આચાર્ય ભગવંતો, ગુરુભગવંતો, શ્રમણ-શ્રમણી વૃંદ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીના 99મા વર્ષના પ્રવેશના વધામણાં કર્યા હતા.




