Ahmedabad

કાયમી હોય કે હંગામી, તમામ બાંધકામ માટે હવે ફાયર સેફ્ટીના નિયમો કડક કરાયા

By GS Team
26 Oct 20263 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે નાગરિકોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા 23 ઓક્ટોબરે 'ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ સુધારા નિયમો 2026'ને મંજૂરી અપાઈ છે. હવે 15 મીટરથી ઊંચી ઇમારતો, 9 મીટરથી ઊંચી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, પેટ્રોલ પંપ અને 500 ચો.મી.થી વધુના કોમર્શિયલ બાંધકામો માટે ફાયર NOC ફરજિયાત બન્યું છે. ગરબા પંડાલો માટે પણ કડક નિયમો લાગુ પડશે. ઔદ્યોગિક એકમો માટે 1 એપ્રિલ 2027થી અમલ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાયમી હોય કે હંગામી, તમામ બાંધકામ માટે હવે ફાયર સેફ્ટીના નિયમો કડક કરાયા

Gujarat Tightens Fire Safety Rules: ગુજરાત સરકારે નાગરિકોની સુરક્ષા અને ઇમારતોની સેફ્ટી વધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા 23 ઓક્ટોબરે 'ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ સુધારા નિયમો 2026'ને મંજૂરી આપીને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવા નિયમો હેઠળ સમગ્ર ગુજરાતમાં જાહેર અવરજવર ધરાવતા કાયમી, પાકા બાંધકામ કે હંગામી વ્યવસ્થાના તમામ સ્થળો માટે ફાયર સેફ્ટીના કાયદા અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. આ સુધારાઓ બાદ રાજ્યમાં ભાગ્યે જ કોઈ એવું સ્થળ બચશે જેને ફાયર NOCમાંથી મુક્તિ મળી શકે.

ઇમારતો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોમર્શિયલ સ્પેસ માટેના નિયમો

નવા કાયદા મુજબ રાજ્યમાં 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ ઇમારતો અને 9 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી સ્કૂલ, કોલેજ કે શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાયર એન.ઓ.સી. લેવું કે રિન્યુ કરાવવું ફરજિયાત બન્યું છે. આ ઉપરાંત તમામ નાની-મોટી હોસ્પિટલો, હોટલો, પેટ્રોલ પંપો, મલ્ટિપ્લેક્સ તેમજ 500 ચોરસ મીટરથી વધુ બાંધકામ ધરાવતી હોટલો અને કોમર્શિયલ ઇમારતો માટે પણ ફાયર સેફ્ટી પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહેશે. રાજ્યના તમામ પેટ્રોલ પંપ અને મલ્ટીલેવલ કાર પાર્કિંગને પણ આ કડક નિયમો હેઠળ આવરી લેવાયા છે.

ગરબા અને હંગામી પંડાલો માટે પણ કડક જોગવાઈઓ

ગરબા, પ્રદર્શનો કે અન્ય કોઈપણ જાહેર કાર્યક્રમો માટે ઊભા કરવામાં આવતા કામચલાઉ પંડાલ અને કામચલાઉ સ્ટ્રક્ચર્સ માટે પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આવા હંગામી સ્થળો પર આગ ઓલવવાના સાધનો ચલાવી જાણે તેવા 2થી 3 ટ્રેન્ડ સિક્યોરિટી ગાર્ડ 24 કલાક તૈનાત રાખવા પડશે. જે કાર્યક્રમમાં 50થી વધુ લોકો એકઠા થતા હોય ત્યાં આયોજકોએ ફાયર વિભાગ સમક્ષ તમામ વિગતો રજૂ કરીને બાંહેધરીપત્ર આપવું પડશે. સાથે જ સ્થળ પર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ઓછામાં ઓછા 5 ફૂટ પહોળા અને ઊંચા રાખવાના રહેશે.

રિન્યુઅલ પ્રક્રિયા અને સેલ્ફ-ડેકલેરેશન

ફાયર સેફ્ટી સર્ટિફિકેટના રિન્યુઅલ માટેની અરજી સર્ટિફિકેટની મુદત પૂરી થવાના ઓછામાં ઓછા 60 દિવસ અગાઉ સબમિટ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ સિવાય, કોઈપણ બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સિસ્ટમ ચાલુ સ્થિતિમાં છે કે નહીં તેનો નિયમિત ઈન્સ્પેક્શન રિપોર્ટ કે સેલ્ફ-ડેકલેરેશન ગુજરાત ફાયરબ્રિગેડના પોર્ટલ પર સમયાંતરે અપલોડ કરવાનું રહેશે.

ઔદ્યોગિક એકમો માટે 1 એપ્રિલથી અમલ

ગુજરાત સરકારે ઔદ્યોગિક એકમો માટે પણ ફાયર સેફ્ટીના નવા નિયમો જાહેર કર્યા છે. ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમોમાં મશીનરી, વીજળી અને વિવિધ સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી આગ સામે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કડક કાયદા ઘડાયા છે. ઔદ્યોગિક એકમો માટે આ નવા નિયમોનો અમલ 1 એપ્રિલ 2027થી કરવામાં આવશે.

220 ફાયર સ્ટેશનો મારફતે અમલીકરણ પણ સ્ટાફ સામે સવાલ

નવા કાયદા અંતર્ગત ફાયર સેફ્ટી અને ઈમરજનસી એક્ઝિટ સહિતના તમામ સાર્વત્રિક નિયમોની અમલવારી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો સહિત જિલ્લા મથકોમાં આવેલા ગુજરાતના 220 ફાયર સ્ટેશનો મારફતે કરાશે. જોકે, એકતરફ કાયદાનો વ્યાપ અને કામગીરીનું ભારણ વધારાયું છે, ત્યારે બીજી તરફ 220 ફાયર સ્ટેશનોમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાની સમસ્યા વચ્ચે આ કડક નિયમોનું પાલન કેટલી સુદ્રઢતાથી થઈ શકશે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.