પીવાય છે તો વેચાય છે! ગુજરાતમાં 40 લાખ નશાખોરોને ચરસ-ગાંજા કે ડ્રગ્સ વગર નથી ચાલતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Drug Abuse: ગુજરાતમાં 'પીવાય છે તો વેચાય છે' જેવા માર્કેટના માગ અને પુરવઠાના સામાન્ય નિયમ હેઠળ નશાખોરીનો કારોબાર ધમધમી રહ્યો છે. રાજ્યમાં અંદાજે 40 લાખ એવા નશાખોરો છે જેમને દરરોજ દારૂ, ચરસ, ગાંજો, ભાંગ, અફીણ, સિન્થેટિક ડ્રગ્સ કે પીડાશામક દવાની જરૂર પડે છે.
ગુજરાતમાં નશાખોરીની ગંભીર સ્થિતિ
જોકે સત્તાવાર આંકડા જાહેર થતા નથી, પરંતુ 7 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં 10% એટલે કે 70 લાખ લોકો વારેતહેવારે નશો કરે છે, જેમાંથી નિયમિત નશો કરનારાઓની સંખ્યા 40 લાખ જેટલી છે. કોરોના મહામારી પછી દેશી નશાની સાથે સાથે સિન્થેટિક ડ્રગ્સ અને નશીલી દવાઓની માગમાં બમણો વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર કરોડોનું ડ્રગ્સ પકડાયાના આંકડા રજૂ કરે છે, પરંતુ નશાખોરોની સંખ્યા ઘટાડવા માટેના જનજાગૃતિના પ્રયાસોના આંકડા સરકારી ચોપડે કેદ છે.
નશાખોરીના ચોંકાવનારા આંકડા અને મહિલાઓ પર અસરો
રાજ્યભરમાં 20 લાખ લોકો દારૂના બંધાણી છે, જ્યારે બાકીના 20 લાખ લોકો અન્ય નશાના રસ્તે ચડી ગયા છે. ગુજરાતમાં 18 લાખ પુરુષોમાંથી 8 લાખ પુરુષો ચરસ કે અફીણનો અને 3 લાખ પુરુષો ગાંજા કે ભાંગનો નશો કરે છે. રાજ્ય સભામાં રજૂ કરાયેલા 'નેશનલ સબસ્ટેન્સ યુઝ સર્વે 2023' મુજબ, ગુજરાતમાં સૌથી વધુ 9 લાખ લોકો પીડાશામક (પેઇનકિલર કે સેડેટિવ્સ) દવાઓનો નશો કરે છે. આ સિવાય 2 લાખથી વધુ મહિલાઓ પણ ગાંજો, ભાંગ કે પીડાશામક દવાની લતે ચડી ચૂકી છે.
સિન્થેટિક ડ્રગ્સનું વધતું દૂષણ
વર્તમાન બિનસત્તાવાર અહેવાલો અનુસાર, 1 લાખથી વધુ યુવક-યુવતીઓ સિન્થેટિક ડ્રગ્સ તેમજ નશીલી દવાની ગંભીર આદત ધરાવે છે. દેશભરમાં દારૂ પીનારા 16 કરોડ, ચરસ-ગાંજાના 3.01 કરોડ અને હેરોઇન-સ્મેકનો નશો કરનારા 1.18 કરોડ લોકો છે, પરંતુ ગુજરાત રાજ્ય કક્ષાએ આવી કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરાતી નથી. વધુમાં, કેન્દ્રના નિયમ મુજબ દર 1 લાખની વસતિએ 174 પોલીસકર્મી હોવા જોઈએ, તેની સામે ગુજરાતમાં માત્ર 117 પોલીસ જ છે, જેનાથી નશાબંધીનો કડક અમલ કરાવવામાં મુશ્કેલી પડે છે.
5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ જપ્ત: નશા મુક્ત કેટલા થયા તેનો ડેટા ગાયબ
ગુજરાત પોલીસ અને એનસીબીએ છેલ્લા પાંચ વર્ષમાં 13,600 કરોડ રૂપિયાની કિંમતનો 1.39 લાખ કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક પર પ્રહાર કર્યાનો દાવો ડીજીપીએ કર્યો છે. આ પાંચ વર્ષમાં 3,700થી વધુ ગુના નોંધીને 5,348 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે, પોલીસની ડ્રગ્સ પકડવાની કામગીરી સામે આ સમયગાળા દરમિયાન કેટલા યુવક-યુવતીઓ નશા મુક્ત થયા તેનો કોઈ જ ડેટા કે વિગત જવાબદાર વિભાગો પાસે નથી, જેના કારણે નશા મુક્તિ માટે સંકલિત કામગીરીની જરૂરિયાત ઊભી થઈ છે.
ડી-એડિક્શન સેન્ટર્સ અને હોસ્પિટલોમાં ખાનગી ડૉક્ટરોનો કારોબાર
રાજ્યમાં નશાખોરીનું પ્રમાણ ડામવા માટે સરકારે દરેક જિલ્લામાં ડી-એડિક્શન સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે રાજ્યના 34 જિલ્લાઓમાં 15 બેડ ધરાવતા ડી-એડિક્શન સેન્ટર કાર્યરત કરાયા છે અને કોઈપણ પ્રકારનો નશો છોડાવવા માટે રૂ. 41 કરોડની ફાળવણી કરાઈ છે. બીજી તરફ, નશો છોડાવવાના નામે ખાનગી રિ-હેબ ડૉક્ટર્સ પણ સક્રિય થયા છે. આશરે 100 જેટલા ખાનગી રિ-હેબ ડૉક્ટર્સ દર્દીઓ પાસેથી તોસ્તાન ફી વસૂલીને નશા મુક્તિના નામે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે.
સાત દિવસમાં તમામ જિલ્લા-શહેરોમાં 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' શરૂ કરવા આદેશ
ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં આગામી સાત દિવસમાં 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' શરૂ કરવા આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ અમદાવાદ અને સુરતમાં 2-2 તેમજ વડોદરા અને રાજકોટમાં 1-1 યુનિટ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ 1-1 વિશેષ યુનિટ રચાશે. દરેક યુનિટમાં 1 પીઆઈ, 1 પીએસઆઈ, 2 એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ અને 4 કોન્સ્ટેબલ મળીને કુલ 8 સભ્યોની ખાસ ટીમ રહેશે, જેમને અલગ વાહન અને ડ્રાઇવર અપાશે. આ ટીમને અન્ય કોઈ સરકારી કે કાયદાકીય કામગીરી સોંપવામાં નહીં આવે અને તેઓ માત્ર ડ્રગ્સ પેડલરો તથા ડ્રગ્સના વેચાણ માટેના હોટસ્પોટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.




