હવે એક વર્ષ પહેલાં રાંધેલો ખોરાક પણ વાસી નથી! અમદાવાદમાં ફ્રોઝન ફૂડની માગ 3 ગણી વધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Frozen Food Health Risks: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ફ્રોઝન ફૂડનો વપરાશ ચિંતાજનક દરે વધી રહ્યો છે. 'સવારનું રાંધેલું સાંજે ન ખવાય' તેવી વડીલોની જૂની કહેવત સામે હવે હોટેલ, રેસ્ટોરાં અને કેફેમાં મળતા 60%થી 65% સ્ટાર્ટર્સ (જેવા કે સ્પ્રિંગ રોલ, વેજ કબાબ, ચીઝ શોટ્સ) એક-એક વર્ષ પહેલાં રાંધેલા ફ્રોઝન ફૂડ જ હોય છે. વિવિધ વાનગીઓને કાચી-પાકી રાંધીને માઇનસ 18°Cથી માઇનસ 22°Cના તાપમાનમાં થીજવવામાં આવે છે અને તે 1.5 વર્ષ સુધી વાસી ગણાતી નથી. છેલ્લા 4-5 વર્ષમાં અમદાવાદમાં ફ્રોઝન પરાઠા, નાન, સમોસા, ફ્રેન્ચ ફ્રાઇસ અને સ્પ્રિંગ રોલની માંગ 3 ગણી વધી ગઈ છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં ફ્રોઝન ફૂડનું માર્કેટ ₹2500 કરોડથી વધુનું થઈ ચૂક્યું છે.
બજારનો વિસ્તાર, નિકાસ અને જેન-ઝીમાં ક્રેઝ
બદલાતી જીવનશૈલી વચ્ચે ખાસ કરીને જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થીઓ, યુવાનો અને નોકરિયાત દંપતીઓમાં રેડી-ટુ-કૂક અને રેડી-ટુ-ઈટ ખોરાકની લોકપ્રિયતા વધી છે. અમદાવાદમાં 5 વર્ષ પહેલાં જ્યાં ફ્રોઝન ફૂડની એક કંપની માત્ર 200 દુકાનોમાં સપ્લાય કરતી હતી, તે આંકડો આજે વધીને 450થી 500 દુકાનો તથા સુપર માર્કેટ્સ સુધી પહોંચ્યો છે. છૂટક સ્ટોર્સમાં મહિને 100-125 પેકેટના વેચાણ સામે હવે 500-600 પેકેટ વેચાઈ રહ્યા છે. શહેરમાં ક્વિક કોમર્સ (10 મિનિટ ડિલિવરી)ના કારણે દર મહિને 2 લાખથી વધુ પેકેટનું વેચાણ થઈ રહ્યું છે. આ સિવાય ગુજરાતમાંથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં પણ ફ્રોઝન ફૂડની મોટા પાયે નિકાસ થાય છે.
કોલ્ડ ચેઇનમાં ખામી અને ગુણવત્તા બગડવાનું જોખમ
વાનગીઓને -18°Cથી -22°C તાપમાને ફ્રીઝ કરીને શેલ્ફ લાઈફ વધારતી વખતે પોષક તત્વો જળવાઈ રહેવાનો દાવો કરાય છે, પરંતુ ફેક્ટરીથી ગ્રાહક સુધી પહોંચવામાં યોગ્ય કોલ્ડ ચેઇન જળવાતી નથી. ડિસ્ટ્રિબ્યુટર, હોલસેલર અને ડાર્ક સ્ટોરમાં જો ફ્રોઝન આઇટમ 1 કલાક પણ ડીપ ફ્રીઝર બહાર રહે, તો તેમાં બેક્ટેરિયા પેદા થાય છે. એકવાર ફ્રીઝર બહાર નીકળ્યા પછી તેને ફરીથી પહેલાં જેવું ફ્રીઝ કરી શકાતું નથી. બીજી બાજુ, રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાઓના ફૂડ વિભાગના ચોપડે 'ફ્રોઝન ફૂડ' શબ્દ જ નથી! ફૂડ વિભાગ માત્ર ડેરીઓમાં દૂધ-પનીરના સેમ્પલ લઈને સંતોષ માને છે અને ફ્રોઝન ફૂડનું કોઈ ચેકિંગ કરતું નથી.
આરોગ્ય પર ખતરો: ફૂડ પોઈઝનિંગ, ફેટી લિવર અને હૃદયરોગ
અમદાવાદના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. અભિનવ જૈનના જણાવ્યા મુજબ, ફ્રોઝન ફૂડને વારંવાર ફ્રીઝ અને અનફ્રીઝ કરવાથી તેમાં 'સેલ્મોનેલા' અને 'લિસ્ટેરિયા' જેવા ઘાતક બેક્ટેરિયા પેદા થાય છે, જે ફૂડ પોઈઝનિંગ અને પેટમાં ઇન્ફેક્શન લાવે છે. આ ઉપરાંત, આ પ્રોડક્ટ્સમાં રહેલા 'ટ્રાન્સફેટ' (હાનિકારક ચરબી)ના કારણે કોલેસ્ટ્રોલ, ફેટી લિવર અને હૃદયની બીમારીઓનો ખતરો રહે છે. અમેરિકા જેવા દેશોમાં ટ્રાન્સફેટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે ભારતમાં ખોરાકમાં 2% ટ્રાન્સફેટ વાપરવાની છૂટ છે.
બાળકો માટે ફ્રોઝન ફૂડ ધીમું ઝેર: નાની ઉંમરે હાયપરટેન્શન અને મેદસ્વિતા
ઘણા વાલીઓ બાળકોના સ્કૂલ લંચબોક્સમાં ફ્રોઝન સમોસા, પરાઠા, નગેટ્સ કે ફ્રેન્ચ ફ્રાઇસ ગરમ કરીને આપે છે. પીડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ વૈભવ શાહના મતે, આ ખોરાકમાં આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ્સ, ઈમલ્સિફાયર્સ અને બિનઆરોગ્યપ્રદ ચરબી હોય છે, જે આંતરડાના ઉપયોગી બેક્ટેરિયાનો નાશ કરે છે. બાળકોને આખા દિવસમાં 1.5થી 2 ગ્રામ મીઠાની જરૂર હોય છે, જેની સામે 250 ગ્રામના ફ્રોઝન પેકેટમાં જ 1.5 ગ્રામ સોડિયમ હોય છે. પરિણામે નાની ઉંમરે જ બાળકોમાં હાયપરટેન્શન (હાઈ બીપી) અને મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.




