Ahmedabad

બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા, અમદાવાદ સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સ્તન કેન્સરના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ સિવિલમાં 17,682થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 41-50 વર્ષની મહિલાઓનું પ્રમાણ 32% છે. છેલ્લા 2 વર્ષમાં 11.50% કેસ વધ્યા છે. દર 12માંથી 1 ગુજરાતી મહિલાને બ્રેસ્ટ કેન્સરનું જોખમ છે. વહેલું નિદાન જ બચાવનો ઉપાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રેસ્ટ કેન્સરના કેસ બે વર્ષમાં 12% વધી ગયા, અમદાવાદ સિવિલમાં 10 વર્ષમાં 17,600થી વધુ કેસ
IMAGE - ENVATO

Breast Cancer Cases Rise in Gujarat: દર વર્ષે 18 ઓગસ્ટના રોજ 'વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રીસર્ચ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સામે આવેલા આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના 17,682થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. આ પૈકી સૌથી વધુ 32% કેસ 41થી 50 વર્ષની વયજૂથની મહિલાઓમાં જોવા મળ્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં જ બ્રેસ્ટ કેન્સરના કેસોમાં 11.50%નો વધારો નોંધાયો છે.

વિશ્વ, ભારત અને ગુજરાતમાં કેન્સરનું ભારણ

ગ્લોબોકેનના અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે કેન્સરના અંદાજે 1.99 કરોડથી વધુ નવા કેસ નોંધાય છે, જેની સામે ભારતમાં વાર્ષિક અંદાજે 14.13 લાખ નવા કેસ સામે આવે છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના અંદાજ મુજબ ગુજરાતમાં વર્ષ 2024 સુધીમાં કેન્સરના કુલ કેસોની સંખ્યા વધીને 77,205 સુધી પહોંચી હતી. ગુજરાતમાં મહિલાઓમાં થતા તમામ પ્રકારના કેન્સરમાં સ્તન કેન્સર 31.20% સાથે મોખરે છે. અમદાવાદના 'પોપ્યુલેશન બેઝ્ડ કેન્સર રજિસ્ટ્રી'ના ડેટા મુજબ 0થી 74 વર્ષની વયજૂથ ધરાવતી દર 12માંથી 1 મહિલાને કેન્સર થવાનું જોખમ રહેલું છે.

સિવિલ કેન્સર હોસ્પિટલના વાર્ષિક આંકડા અને દર્દીઓની સ્થિતિ

'ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ'ના અહેવાલ અનુસાર, વર્ષ 2025માં સ્તન કેન્સરના 1541 નવા કેસો નોંધાયા હતા. જેમાં 41થી 50 વર્ષની વયજૂથના 469 કેસ અને 51થી 60 વર્ષની વયજૂથની મહિલાઓના 436 કેસ સામે આવ્યા છે. વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલા કુલ 26,812 કેન્સરના દર્દીઓમાંથી 17,665 દર્દીઓ ગુજરાતના હતા, જ્યારે 9147 દર્દીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા દેશના અન્ય રાજ્યોમાંથી સારવાર અર્થે આવ્યા હતા.

સિવિલની કેન્સર હોસ્પિટલમાં બ્રેસ્ટ કેન્સરના કેસ


વર્ષ
કેસ
2019
1766
2020
957
2021
1403
2022
1466
2023
1382
2024
1476
2025
1541

વર્ષ 2015થી 2025 વચ્ચે વયજૂથ અનુસાર નોંધાયેલા કેસ

વયજૂથ
કેસ
20થી ઓછી
11
21થી 30
603
31થી 40
3099
41થી 50
5730
51થી 60
4771
60થી વધુ
3468

ગુજરાતમાં પુરુષો અને મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ

પુરુષો

કેન્સર
પ્રમાણ
મોંઢું
21.50%
જીભ
11.50%
ફેફસાં
8.10%
જઠર
5.20%
પ્રોસ્ટેટ
3.50%

મહિલાઓ

કેન્સર
પ્રમાણ
બ્રેસ્ટ
31.20%
સર્વિક્સ
9.20%
ઓવરી
5.60%
મોંઢું
5.60%
જીભ
4.40%

બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અને તબીબોની સલાહ

બ્રેસ્ટ કેન્સરના મુખ્ય લક્ષણોમાં સ્તનમાં નવી ગાંઠ કે કઠણપણું આવવું, સ્તનના કદ કે આકારમાં અચાનક બદલાવ થવો, બગલમાં ગાંઠ કે સોજો આવવો, ચામડી જાડી થવી અને સ્તન આસપાસ સતત દુખાવો થવો સામેલ છે.

તબીબોના મતે 40 વર્ષથી વધુ વયની મહિલાઓએ નિયમિતપણે બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રિનિંગ કરાવવું જોઈએ. જો કોઈ નવી ગાંઠ કે અસામાન્ય ફેરફાર જણાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ગાંઠમાં દુખાવો ન થતો હોય તો પણ તપાસ કરાવવી હિતાવહ છે, કારણ કે વહેલું નિદાન એ જ કેન્સર સામેની લડાઈમાં સૌથી મોટું શસ્ત્ર છે.