Ahmedabad

અમદાવાદમાં રૂ.11 લાખના ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની ધરપકડ: મહારાષ્ટ્ર કનેક્શન ખૂલ્યું

By GS Team
4 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની SOG ટીમે ગોમતીપુર પાસેથી 21.98 કિલો ગાંજો, જેની કિંમત રૂ. 10.99 લાખ છે, તે જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આશિષ પટેલ અને સોનલ યાદવ મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે ગાંજો લાવ્યા હતા. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, કુલ રૂ. 11.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ 3 આરોપીઓની સંડોવણી સામે આવતા તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રૂ.11 લાખના ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની ધરપકડ: મહારાષ્ટ્ર કનેક્શન ખૂલ્યું
IMAGE - IANS

Gomtipur Ganja Seizure: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમે ગોમતીપુર સ્થિત પત્રાવાલી મસ્જિદ નજીકથી રૂ. 10.99 લાખની કિંમતનો 21.98 કિલો ગાંજો જપ્ત કરીને બે લોકોની ધરપકડ કરી છે. 3 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં પોલીસે અમદાવાદના જ રહેવાસી એવા રિક્ષાચાલક આશિષ ઉર્ફે ભટ્ટો બળદેવભાઈ પટેલ (ઉંમર 36 વર્ષ) અને મજૂરી કામ કરતી સોનલબેન અજયભાઈ યાદવ (ઉંમર 28 વર્ષ)ની અટકાયત કરી છે. પોલીસે આ મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે અમદાવાદ લવાયો હતો ગાંજો

SOGના અધિકારીને 2 સપ્ટેમ્બરના રોજ ચોક્કસ બાતમી મળી હતી કે આશિષ અને સોનલ મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો ખરીદીને ટ્રેન મારફતે અમદાવાદ પરત આવી રહ્યા છે. આ માહિતીના આધારે SOGની ટીમે દરોડા માટે ખાસ ટીમ બનાવી હતી અને બે સ્વતંત્ર સાક્ષીઓને સાથે રાખીને ગોમતીપુર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન પત્રાવાલી મસ્જિદ નજીક બંને આરોપીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આશિષ પાસે એક ગુલાબી અને એક મોટો કાળો થેલો હતો, જ્યારે સોનલ પાસે બે બ્લૂ કલરના થેલા હતા.

FSL તપાસમાં ગાંજો હોવાની પુષ્ટિ: કુલ 11.05 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓની તલાશી લેતાં તેમના થેલામાંથી સેલોટેપથી પેક કરેલા અનેક પાર્સલ મળી આવ્યા હતા, જેમાંથી તીવ્ર ગંધ ધરાવતો બ્રાઉન રંગનો વનસ્પતિજન્ય પદાર્થ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા FSL અધિકારીએ પ્રાથમિક તપાસ બાદ આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ સાક્ષીઓની હાજરીમાં વજન કરવામાં આવતાં આશિષ પાસેથી 10.03 કિલો અને સોનલ પાસેથી બાકીનો જથ્થો મળીને બંને પાસેથી કુલ 21.98 કિલો ગાંજો કબજે કરાયો હતો, જેની બજાર કિંમત રૂ. 10.99 લાખ થાય છે. નશીલા પદાર્થ ઉપરાંત પોલીસે તેમની પાસેથી બે મોબાઈલ ફોન, ઓળખકાર્ડ, રૂ. 610 રોકડા અને એક હાથે લખેલી ચિઠ્ઠી પણ જપ્ત કરી છે. આમ, પોલીસે ગાંજા અને અન્ય સામાન મળીને કુલ રૂ. 11.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મહારાષ્ટ્રના સપ્લાયર અને કુબેરનગરના બુટલેગરની સંડોવણી સામે આવી

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રહેવાસી અશોક નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા. વધુમાં સામે આવ્યું છે કે આશિષ અગાઉ પણ અશોક પાસેથી ગાંજો લાવીને અમદાવાદના કુબેરનગરમાં રહેતા બોબી અને તેની માતા બબિતાબેન ઉર્ફે બબ્બોને આપતો હતો. આ વખતે પણ બોબી અને બબિતાએ જ આશિષને ગાંજો લાવવા મહારાષ્ટ્ર મોકલ્યો હતો. આશિષ સોનલને પોતાની સાથે લઈ ગયો હતો અને સિંધખેડા રેલવે સ્ટેશન બહારથી ગાંજો મેળવી ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યો હતો.

કમિશનની લાલચમાં કરી તસ્કરી: અન્ય ત્રણ આરોપીઓ સામે તપાસ શરૂ

આ માલ પહોંચાડવા બદલ આશિષને રૂ. 20,000નું કમિશન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જ્યારે અગાઉના ડિલિવરી કામ માટે તેને રૂ. 15,000નું કમિશન મળ્યું હતું. SOG પોલીસે આ કેસમાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર અશોક તથા તેને મંગાવનાર બોબી અને બબિતા ઉર્ફે બબ્બોને પણ આરોપી તરીકે દર્શાવ્યા છે. અમદાવાદમાં નશીલા પદાર્થો સપ્લાય કરવાના આ નેટવર્કમાં અન્ય કોની કોની ભૂમિકા છે તે અંગે પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.