અમદાવાદ: CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવકે ઝંપલાવી મોત વહાલું કર્યું, એક અઠવાડિયામાં બીજી ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના નેશનલ હાઈવે નંબર-8 પર આવેલા સીટીએમ (CTM) ચાર રસ્તા નજીકના ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી આજે (છઠ્ઠી ઓક્ટોબર) સવારે યુવકે અગમ્ય કારણોસર નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ અંગે રામોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
વાહનોની અવરજવર વચ્ચે ઓવરબ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું
મળતી માહિતી અનુસાર, સવારના સમયે ઓવરબ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી, આ દરમિયાન યુવકે અચાનક બ્રિજ પરથી નીચે ઝંપલાવ્યું હતું. ટ્રાફિક વચ્ચે યુવકને નીચે પટકાતો જોઈને વાહનચાલકો અને રાહદારીઓ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ રામોલ પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર એકઠા થયેલા લોકોના ટોળાને દૂર કરી યુવકને સારવાર અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ઝંપલાવનાર યુવકની ઓળખ અંગેની વિગતો હજુ સુધી સામે આવી શકી નથી.
સુરક્ષા જાળી ટૂંકી હોવાથી અકસ્માતોનો સિલસિલો યથાવત્
બનાવને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર અનેક સ્થળોએ સુરક્ષા જાળીની ઊંચાઈ ખૂબ જ ટૂંકી છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર સર્જાય છે. છેલ્લા એક અઠવાડિયામાં જ બ્રિજ પરથી ઝંપલાવવાની કે નીચે પડવાની આ બીજી ઘટના બની છે. આ અગાઉ પણ આ ઓવરબ્રિજ પરથી નીચે પડવાના 10થી વધુ બનાવો રામોલ અને આસપાસના પોલીસ મથકોમાં નોંધાઈ ચૂક્યા છે.
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે ઓવરબ્રિજ પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડબલ ડેકર બ્રિજ પર સુરક્ષા જાળીની ઊંચાઈ વધારવામાં આવે અને જરૂરી જગ્યાઓએ વધુ મજબૂત ફેન્સિંગ કરવામાં આવે, તો આવા ગંભીર અને જાનલેવા બનાવોને અટકાવી શકાય છે.




