Ahmedabad

અમદાવાદમાં રાત્રે 11 વાગ્યા પછી રસ્તા પર 'મોતની રેસ'! 5 વર્ષમાં ડમ્પર-ટ્રકો નીચે 270 લોકો કચડાયા

By GS Team
25 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ભારે વાહનોના કારણે છેલ્લા 5 વર્ષમાં 521 અકસ્માત થયા છે, જેમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા અને 182 ઘાયલ થયા છે. ડમ્પરથી 241 અકસ્માતમાં 131 મોત થયા છે. રાત્રે 11 વાગ્યા પછી ડ્રાઇવરો વધુ ફેરાની લાલચમાં બેફામ ગતિથી વાહન ચલાવે છે. બ્લાઇન્ડ સ્પોટ, સાઇડ ગાર્ડનો અભાવ અને સ્પીડ ગવર્નર સાથે ચેડાં પણ અકસ્માતનું કારણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રાત્રે 11 વાગ્યા પછી રસ્તા પર 'મોતની રેસ'! 5 વર્ષમાં ડમ્પર-ટ્રકો નીચે 270 લોકો કચડાયા

Ahmedabad Heavy Vehicle Crashes: અમદાવાદમાં ભારે વાહનોની બેફામ ગતિ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ટ્રાફિક પોલીસના સત્તાવાર આંકડાઓ અનુસાર, વર્ષ 2021થી જુલાઈ 2026 સુધીના સમયગાળામાં શહેરમાં ભારે કોમર્શિયલ વાહનોને કારણે કુલ 521 માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ ભયાનક અકસ્માતોમાં 270 નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 182 લોકો કાયમ માટે અપંગ કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. શહેરમાં વધી રહેલા બાંધકામ અને ટ્રાન્સપોર્ટેશન નેટવર્કને કારણે ડમ્પર, માલવાહક ટ્રકો અને સિમેન્ટ મિક્સર જેવા ભારે વાહનો મુખ્ય માર્ગો પર લોકો માટે મોટો ખતરો બની ગયા છે.

રેતી અને માટીના ડમ્પર સૌથી વધુઘાતક સાબિત થયા

વિવિધ ભારે વાહનોમાં રેતી અને માટી વહન કરતા ડમ્પરો સૌથી વધુ જીવલેણ સાબિત થયા છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં માત્ર ડમ્પર સંબંધી 241 અકસ્માતો નોંધાયા છે, જેમાં 131 લોકોના મોત થયા છે જ્યારે 82 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ડમ્પર સાથે થતા અકસ્માતોમાંથી અડધાથી વધુ અકસ્માતો જીવલેણ સાબિત થયા છે, જેમાં વર્ષ 2023માં એક જ વર્ષમાં સૌથી વધુ 37 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત, માલવાહક ટ્રકો દ્વારા 212 અકસ્માતોમાં 106 લોકોના મોત થયા છે અને આરએમસી (RMC) રેડી-મિક્સ કોંક્રીટના મિક્સરોએ 68 અકસ્માતો સર્જીને 33 લોકોનો ભોગ લીધો છે.

આ પણ વાંચો: સરકારી બસોને 'મોતનું લાઈસન્સ'! AMTS-BRTS ના પાપે 138 ઘરો ઉજડ્યા, કોન્ટ્રાક્ટરો પર મહેરબાની કેમ?

'નો-એન્ટ્રી' પૂરી થતાં જ રાત્રે બેફામ દોડે છે ભારે વાહનો

ટ્રાફિક વિભાગના ડેટા મુજબ રાત્રે 11:00 વાગ્યે નો-એન્ટ્રીના નિયમો પૂરા થતાં જ ભારે વાહનોના ચાલકો મુખ્ય માર્ગો પર સ્પીડ લીમીટનું ઉલ્લંઘન કરીને બેફામ વાહનો ચલાવે છે. એસ.પી. રિંગ રોડ અને એસ.જી. હાઇવે જેવા વ્યસ્ત માર્ગો પર મોડી રાતથી સવાર સુધી ભારે માલવાહક વાહનોની અવરજવર રહે છે. કોન્ટ્રાક્ટરો ડ્રાઇવરોને મૂળ પગાર ઉપરાંત દરેક ફેરા દીઠ કમિશન આપે છે, જેથી સવારના ટ્રાફિક પ્રતિબંધો શરૂ થાય તે પહેલા વધુમાં વધુ ફેરા પૂરા કરવાની લાલચમાં ડ્રાઇવરો સિગ્નલ તોડે છે અને ઓવરસ્પિડિંગ કરે છે. રાત્રે સતત ગાડી ચલાવવાના કારણે ડ્રાઇવરોને ઊંઘનું જોખમ રહે છે અને સવારના સમયે અકસ્માતો સર્જાય છે.

વાહનોની ખામીઓ અને સુરક્ષા કવચનો અભાવ પણ અકસ્માતોનું કારણ

માર્ગ સુરક્ષા વિશ્લેષકોના મતે વાહનોની રચનામાં કેટલીક ગંભીર ખામીઓ પણ મૃત્યુઆંક વધારવામાં જવાબદાર છે:

  • ડ્રાઇવર માટે વ્હીકલ બ્લાઇન્ડ સ્પોટ: ડમ્પર અને કોંક્રીટ મિક્સરની ઊંચી કેબિનના કારણે ડ્રાઇવરની આગળ કે ડાબી બાજુ 10થી 15 ફૂટના ઘેરાવામાં ચાલતા ટુવ્હીલર કે રાહદારીઓ દેખાતા નથી.
  • સાઈડ ગાર્ડનો અભાવ: મોટાભાગના ડમ્પરો યોગ્ય સેફ્ટી ગાર્ડ વગર દોડે છે, જેથી બાઇક સવાર લપસીને સીધા વાહનના ટાયર નીચે આવી જાય છે.
  • સ્પીડ ગવર્નર સાથે ચેડાં: આરટીઓ (RTO) પાસિંગ વખતે સ્પીડ ગવર્નર લગાડવામાં આવે છે, પરંતુ બાદમાં લોકલ મિકેનિકો દ્વારા તેની વાયરિંગ કાપી નાખવામાં આવે છે.

કડક કાર્યવાહી અને સુરક્ષા માટે નિષ્ણાતોના સૂચનો

આ ગંભીર સમસ્યાને રોકવા માટે સુરક્ષા નિષ્ણાતોએ કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લેવાની ભલામણ કરી છે.

  • તમામ ડમ્પર અને ભારે વાહનોમાં પ્રોક્સિમિટી સેન્સર અને બ્લાઇન્ડ-સ્પોટ મિરર ફરજિયાત કરવા અને નિયમ ન પાળનારના આરટીઓ પાસિંગ રદ કરવા.
  • રાત્રિના ચેકિંગ દરમિયાન સ્પીડ ગવર્નરની ચકાસણી કરવી અને વાહન માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવી.
  • એસ.પી. રિંગ રોડ અને એસ.જી. હાઇવે પર રાત્રિના સમયે ડ્રાઇવરોના બ્રેથ એનાલાઇઝર અને ડ્રાઇવિંગ અવર્સનું ચેકિંગ કરવું.
  • ઓવરલોડ કે લાયસન્સ વગરના ડ્રાઇવરો દ્વારા અકસ્માત થાય ત્યારે બિલ્ડરો અને વાહન માલિકો સામે પણ ગુનો નોંધવો.
  • બાઇક સવારો વાહનની નીચે સ્લીપ ન થઈ જાય તે માટે કોમર્શિયલ કાફલામાં મજબૂત સાઈડ અને રિયર ગાર્ડ (SUPD) લગાવવા અનિવાર્ય કરવા.