Ahmedabad

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળઃ શટલના મુસાફરોને બળજબરીથી ઉતારાયા, જાણો ઓનલાઈન એપ્સના વિરોધનું કારણ

By GS Team
7 Sep 20265 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી 2 લાખ રિક્ષા-ટેક્સીના પૈડાં થંભી જશે. ઓનલાઈન બુકિંગ એપ્સ દ્વારા ઓછું વળતર મળતું હોવાના આક્ષેપ સાથે ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. CNGના ભાવ વધારા સામે કિલોમીટર દીઠ 8-10 રૂપિયા મળતા હોવાથી ચાલકો નારાજ છે. જો માગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. આ હડતાળથી સામાન્ય જનજીવન અને મુસાફરી પર મોટી અસર પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળઃ શટલના મુસાફરોને બળજબરીથી ઉતારાયા, જાણો ઓનલાઈન એપ્સના વિરોધનું કારણ

Ahmedabad Auto Taxi Strike: અમદાવાદમાં આજે (7 સપ્ટેમ્બર) રીક્ષા અને ટેક્સીની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં મોટાભાગના દરેક રુટ પર શટલ રિક્ષા ચાલુ જોવા મળી છે. તો ઓનલાઇન એપ દ્વારા બુકિંગ લઈને ચાલતી રિક્ષા અને ટેક્સીચાલકોએ હડતાળ રાખી છે. તેઓ શટલમાંથી આવતા પેસેન્જરને જબરદસ્તી રિક્ષામાંથી ઉતરાવી રહ્યા છે અને બેસવા પણ દેતા નથી. આ ઉપરાંત રેપિડો અને અન્ય બાઈક એપ્લિકેશનથી ટુવ્હીલ ચાલકોને પણ ઊભા રાખીને રાઇડ કેન્સલ કરાવી રહ્યા છે. રિક્ષા અને ટેક્સીચાલકોની માગ છે કે એમને પર કિલોમીટરે ઓછામાં ઓછું 20 રૂપિયા ભાડું ચૂકવામાં આવે. આ સાથે તેમનું કહેવું પણ છે કે ઓનલાઇન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશનને લીધે ધંધામાં 50 ટકા આવક ઓછી થઈ છે.

'ઓનલાઇન બાઇક સેવાઓ બંધ કરવામાં આવે'

રિક્ષાચાલક વિશાલ દંતાણીએ જણાવ્યું કે, 'અમે આ રિક્ષા હડતાળ એ માટે કરી રહ્યા છીએ કારણ કે ઓનલાઇન બાઈક રાઈડ તદ્દન ગેરકાયદે રીતે ચાલે છે. બીજી મોટી સમસ્યા એ છે કે જ્યાં રિક્ષાનું ભાડું 50 રૂપિયા બતાવતું હોય, ત્યાં આ બાઈક રાઈડમાં મુસાફરોને માત્ર 20 રૂપિયામાં લઈ જાય છે, જેના કારણે અમારે હડતાળ પર ઉતરવું પડે છે. અત્યારે અમુક રૂટો પર શટલ રિક્ષાઓ ચાલુ છે, પરંતુ અમારી આ હડતાળમાં બધાનો પૂરો સંપ અને સહકાર છે. જે પણ શટલ રિક્ષાઓ ચાલુ છે તેને અમે ઊભી રખાવીને ખાલી કરાવીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે તેઓ પણ હડતાળમાં અમારી સાથે જોડાય. અમારી સરકાર અને કંપનીઓ પાસે માંગણી માત્ર એટલી જ છે કે ઓનલાઇન બાઇક સેવાઓ બંધ કરવામાં આવે અને રિક્ષા માટે પ્રતિ કિલોમીટર 20 રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવે.'

અમદાવાદમાં રીક્ષા અને ટેક્સીચાલકની હડતાળ.jpg

રિક્ષાચાલક મંસૂરી અબ્દુલ મુનાફ ઇકબાલે જણાવ્યું કે, 'હું ઇસ્કોન સ્ટેન્ડ પરથી ઓટો રિક્ષા ચલાવું છું. અમને તકલીફ એ છે કે ઓનલાઇન એપ્સમાં પ્રતિ કિલોમીટર અમને 11 રૂપિયા, 12 રૂપિયા કે 13 રૂપિયા આપવામાં આવે છે, જેની જગ્યાએ જો 20 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું કરી આપવામાં આવે તો અમને ઓનલાઇન રિક્ષા ચલાવવામાં કોઈ તકલીફ નથી. બીજો મોટો પ્રશ્ન એ છે કે ઓનલાઇન બાઈક રાઈડ ચલાવનારા લોકો ગેરકાયદે રીતે વ્હાઇટ નંબર પ્લેટ પર વાહનો ચલાવે છે અને આરટીઓમાંથી પોતાની ગાડીઓનું ટેક્સી પાસિંગ પણ કરાવતા નથી. આ ગેરકાયદે પ્રવૃત્તિના લીધે અમને ઘણી તકલીફ થાય છે અને એટલે જ અમે આ હડતાળ રાખી છે. આ ઓનલાઈ બાઈક રાઈડ આવ્યા પછી અમારી આવકમાં લગભગ 50 ટકાનો ફેર પડ્યો છે. સરકાર અમારા તરફ કોઈ ધ્યાન આપતી નથી, ગેસનો ભાવો વધારે છે અને સરકારના નક્કી કરેલા મીટર પ્રમાણે અમને ભાડું મળતું નથી.'

હડતાળના દિવસે જ ઓનલાઈન કંપનીઓએ ભાડું 3થી 4 ગણું વધાર્યું!

ટેક્સીચાલક મોહમ્મદ શોએબે જણાવ્યું કે, 'અમારી મુખ્ય માંગણી ભાડા વધારાને લઈને છે. ગઈકાલના જ ભાડાનું ઉદાહરણ આપું તો, મારે 8 કિ.મી મુસાફરને લેવા જવાનું હતું અને 9 કિ.મી ડ્રોપ કરવા જવાનું હતું. મારી ગાડી છે અને આશરે 16થી 18 કિ.મીના પ્રવાસ માટે અમને કુલ ભાડું માત્ર 241 રૂપિયા આપવામાં આવ્યું હતું. આમાંથી પણ અમારે 200 રૂપિયા તો કમિશન તરીકે ચૂકવવાના હોય છે, જે અમારે પહેલી ટ્રીપ વખતે જ આપવાના રહે છે. ઘણી વખત અમે આખો દિવસ મહેનત કરીને માંડ 200થી 500 રૂપિયાનો જ ધંધો કરી શકીએ છીએ અને તેમાંથી પણ 200 રૂપિયા તો કંપની જ લઈ જાય છે, જેનાથી અમારો ગેસનો ખર્ચ પણ નીકળતો નથી. આ ઓનલાઇન સેવાઓના કારણે અમારી આવકમાં 60%થી 70% જેટલો ઘટાડો કે અસર જોવા મળી છે. આજના હડતાળના દિવસે એ જ કંપની મને 1700થી 1800 રૂપિયા આપી રહી છે. અત્યારે એરપોર્ટ ડ્રોપ કરવા માટે 16 કિ.મીના ભાડા તરીકે 952 રૂપિયા બતાવે છે, જ્યારે ગઈકાલે આ જ મુસાફરી માટે અમને માત્ર 350 રૂપિયા જ આપતા હતા. આ રીતે આજે કંપનીઓ 3થી 4 ગણું ભાડું વધારીને આપી રહી છે. અમારી માંગ છે કે કાયમી ધોરણે એવું વ્યાજબી ભાડું રાખવામાં આવે જેથી ડ્રાઇવર અને ગ્રાહક બંનેમાંથી કોઈને નુકસાન ન થાય અને ડ્રાઇવર પોતાનો ઘર-પરિવાર સારી રીતે ચલાવી શકે.'

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી આશરે 2 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે. ઓનલાઇન માધ્યમથી બુક થતી રિક્ષા અને ટેક્સી સેવાઓમાં ચાલકોને પૂરતું વળતર ન મળતું હોવાનો આક્ષેપ કરીને આ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ હડતાળના કારણે સામાન્ય જનજીવન અને મુસાફરી પર મોટી અસર પડવાની શક્યતા છે, જોકે રાહતની વાત એ છે કે સ્કૂલ રિક્ષા અને વાનની સેવાઓ યથાવત્ રહેશે તેવો દાવો યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે.

સમસ્યાનું મૂળ: ઓછું ભાડું અને મોંઘવારીનો માર

રિક્ષા અને ટેક્સી યુનિયનના જણાવ્યા અનુસાર, સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમ છતાં ઓનલાઇન ટેક્સી બુકિંગ એપ્લિકેશન જેવી કે ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સીના એગ્રિગેટર્સ સરકારી નીતિ-નિયમો મુજબ ચાલકોને યોગ્ય વળતર આપતા નથી. આ કેબ કંપનીઓ માર્કેટમાં એકબીજા સાથેની હરીફાઈમાં ખૂબ જ ઓછું ભાડું વસૂલે છે, જેમાંથી ડ્રાઇવરોને કિલોમીટર દીઠ માત્ર 8થી 10 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. મોંઘવારીના આ સમયમાં આટલી ઓછી કમાણીમાં ઘર ચલાવવું ડ્રાઇવરો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે.

માગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલન અને ઘેરાવની ચીમકી

હાલના તબક્કે આ આંદોલન મુખ્યત્વે અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ વિસ્તાર પૂરતું સીમિત છે. યુનિયનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ ચાર દિવસની હડતાળ બાદ પણ વળતર સહિતની તેઓની વાજબી માગણીઓ નહીં સંતોષાય અને કોઈ ચોક્કસ પગલાં લેવામાં નહીં આવે તો આ આંદોલનને સમગ્ર રાજ્યવ્યાપી બનાવવામાં આવશે. આ ઉપરાંત, યુનિયનો દ્વારા વિશાળ રેલી કાઢીને આરટીઓ (RTO) તથા ગાંધીનગર સ્થિત સંબંધિત સરકારી કચેરીઓનો ઘેરાવ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

મુસાફરોની મુશ્કેલીમાં થશે વધારો

સતત ચાર દિવસ સુધી રિક્ષા અને ટેક્સીની સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેવાના કારણે સામાન્ય નાગરિકો માટે મુસાફરી કરવી પડકારજનક બનશે. ખાસ કરીને રોજિંદા નોકરિયાતો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ ઉપરાંત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ઍરપૉર્ટ તરફ જતા-આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.