અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસ માટે હડતાળનું એલાન, માગ પૂરી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Auto-Taxi Strike: અમદાવાદમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સીએનજીના ભાવમાં સતત વધારો થતાં ગેસનો ભાવ હાલ 94 રૂપિયાની આસમાની સપાટીએ પહોંચી ગયો છે. ઇંધણના ભાવવધારાની સીધી અસર જાહેર પરિવહન પર પડી છે અને રિક્ષા-ટેક્સીના ભાડામાં વધારો થયો છે. પરંતુ આ ભાવવધારા સામે રિક્ષા અને ટેક્સી ચાલકોને પૂરતું ભાડું કે વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે અમદાવાદના 25 હજારથી વધુ ટેક્સીચાલકો અને દોઢ લાખથી વધુ રિક્ષાચાલકો આગામી 7થી 10 સપ્ટેમ્બર સુધી ચાર દિવસની હડતાલ પર ઉતરવાના છે.
ઓનલાઈન એપ્સની હરીફાઈમાં ડ્રાઈવરોનું શોષણ
રિક્ષા-ટેક્સી યુનિયનના જણાવ્યા અનુસાર, ઓનલાઈન ટેક્સી બૂકિંગ એપ્લિકેશન્સ જેવી કે ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સીના એગ્રીગેટર્સ સરકારી નીતિ નિયમો મુજબ ડ્રાઈવરોને પૂરતું વળતર આપતા નથી. કંપનીઓ વચ્ચેની અંદરોઅંદરની હરીફાઈમાં ખૂબ ઓછું ભાડું વસૂલ કરવામાં આવે છે, જેમાંથી ડ્રાઈવરને કિલોમીટર દીઠ માત્ર 8થી 10 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. આટલી ઓછી કમાણીમાં ડ્રાઈવરો માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહીનો અભાવ
ચાલકોનો બીજો મોટો વિરોધ એ છે કે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી વ્હાઈટ નંબર પ્લેટ ધરાવતી, એટલે કે ખાનગી વપરાશ માટેની બાઈક અને મોપેડ ટેક્સીઓ નિયમો તોડીને બેફામપણે દોડી રહી છે. આ ખાનગી વાહનોના કારણે કાયદેસરની રિક્ષા અને ટેક્સીઓને પૂરતા મુસાફરો મળતા નથી. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે ચાલકોએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. હાલ આ આંદોલન અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ પૂરતું સીમિત છે, પરંતુ જો ચાર દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની અને આરટીઓ (RTO) તેમજ ગાંધીનગરની સરકારી કચેરીઓનો ઘેરાવ કરી રેલી કાઢવાની ચીમકી આપવામાં આવી છે.
ગુજરાતમાં ઓનલાઈન ટેક્સી માટે કોઈ ભાડું નક્કી જ નથી
અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયનના પ્રમુખ વનરાજદાન ગઢવીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ચાલતી ઓનલાઈન ટેક્સીઓ માટે સરકારે કોઈ ચોક્કસ ભાડું નક્કી કર્યું જ નથી. વર્ષ 2023માં વાહન વ્યવહાર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને માત્ર મીટરમાં ચાલતી ટેક્સીના ભાડા નક્કી કરાયા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે અમદાવાદમાં દોડતી મોટાભાગની ટેક્સીઓ મીટર વગર જ ચાલે છે, જેના કારણે ઓનલાઈન ટેક્સીના દરો અંગે અનિશ્ચિતતા અને ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.




