Ahmedabad

યુવાનોને રોજગારીના ફાંફા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ 3 વર્ષમાં 210 નિવૃત્તોને કામે રાખ્યા

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની ફોજ વચ્ચે AMCમાં નિવૃત્ત અધિકારીઓ-કર્મચારીઓને ફરી નોકરી અપાતા વિવાદ સર્જાયો છે. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 1000થી વધુ નિવૃત્તોને, જ્યારે રાજ્યભરમાં 10,000થી વધુને ફરી ગોઠવાયા છે. કોંગ્રેસે શ્વેતપત્રની માંગ કરી છે. નિયમિત કર્મચારીઓને અન્યાય અને મનફાવે તેમ વેતન નક્કી કરાતા સવાલો ઉઠ્યા છે. 3 IAS અધિકારીઓ પણ નિવૃત્તિ બાદ ફરજ પર રખાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુવાનોને રોજગારીના ફાંફા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ 3 વર્ષમાં 210 નિવૃત્તોને કામે રાખ્યા

AMC Retired Officers Controversy: ગુજરાતમાં એક તરફ શિક્ષિત બેરોજગાર યુવાનો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે અને દિવસેને દિવસે બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવા યુવાનોને રોજગારી આપવાના બદલે નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને જ ફરી નોકરી પર રાખવામાં આવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવા કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં જાણી જોઈને ઢીલ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં જ એકાદ હજાર નિવૃત્તોને ફરી નોકરી પર રખાયા છે, જ્યારે સમગ્ર ગુજરાતની મહાપાલિકાઓ, પાલિકાઓ, પંચાયતો, બોર્ડ-નિગમો અને સરકારી વિભાગોમાં આવા 10 હજારથી પણ વધુ નિવૃત્તોને ફરી ગોઠવી દેવામાં આવ્યા છે.

નિયમિત કર્મચારીઓને પ્રમોશન આપવાના બદલે મળતિયાઓનું સેટિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષમાં 210 નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને ફરી વખત નોકરી આપવામાં આવી છે. તેના માટે મલાઈદાર જગ્યાઓ સાચવી લેવાનો આયોજિત ખેલ ચાલી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ નીતિના કારણે ફક્ત બેરોજગાર યુવાનોને જ નહીં, પરંતુ ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમિત કર્મચારીઓને પણ પ્રમોશન મેળવવામાં ભારે અન્યાય થઈ રહ્યો છે. નિયમિત કર્મચારીઓને પ્રમોશન આપીને ખાલી પડતી જગ્યાઓ પર નવા યુવાનોની ભરતી કરવાના બદલે મોટાભાગના કિસ્સામાં મળતિયાઓનું સેટિંગ કરીને નિવૃત્તોને જ ફરી ગોઠવી દેવાય છે.

પ્રદેશ કોંગ્રેસના આક્ષેપ અને શ્વેતપત્ર જાહેર કરવાની માગણી

પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, કેટલાક કિસ્સામાં તો વર્ષ 2015માં નિવૃત્ત થયેલા અધિકારીઓ વર્ષ 2026 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાની કામગીરી ચાલુ રાખી રહ્યા છે! રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલે પારદર્શિતા લાવવા માટે શ્વેતપત્ર જાહેર કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.

કોઈ ચોક્કસ નિયમ કે માર્ગદર્શિકા વગર મનફાવે તેમ વેતન નક્કી કરાય છે

નિવૃત્ત કર્મચારીઓને ફરી નોકરી પર રાખતી વખતે તેમના પગાર ધોરણ અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. નિવૃત્તોને રાખતી વખતે ફિક્સ પગાર, 35 ટકા બેઝિક કે પછી 'પે માઇનસ પેન્શન' – એમ ત્રણ પૈકી મનફાવે તેવી પદ્ધતિ અનુસાર વેતન નક્કી કરવામાં આવે છે. આ માટે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા કે નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

મ્યુનિ.માં 3 IAS અધિકારીઓ પણ નિવૃત્તિ પછી ફરજ પર રખાયા

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પરંતુ 3 IAS અધિકારીઓને પણ નિવૃત્તિ બાદ લંબાવવામાં આવેલા સમયગાળા સાથે ફરજ પર રાખવામાં આવ્યા છે:

સી.આર. બરસાણ: ઓએસડી, સેન્ટ્રલ ઑફિસ (પ્રથમ મુદત: 14-06-2023થી 14-06-2024 અને બીજી મુદત: 15-06-2024થી 14-06-2025)

આર.એ. મેરજા: ડેપ્યુટી કમિશનર, સેન્ટ્રલ ઑફિસ (મુદત: 03-07-2023થી 02-07-2024)

એસ.એ. પટેલ: ડેપ્યુટી કમિશનર, સેન્ટ્રલ ઑફિસ (મુદત: 01-10-2023થી 09-10-2024)

કઈ-કઈ પોસ્ટ પર નિવૃત્તોને ફરી નોકરી અપાઈ?

નિવૃત્ત થયા બાદ પણ જે વિવિધ નાના-મોટા હોદ્દાઓ પર કર્મચારીઓ અને અધિકારીઓને પુનઃ નિયુક્તિ આપવામાં આવી છે તેમાં ઓએસડી, સિનિયર ક્લાર્ક, સેનેટરી ઈન્સપેક્ટર, સુપરવાઈઝર, આસિસ્ટન્ટ ઈજનેર, હેડ ક્લાર્ક, ટાઈપિસ્ટ, સ્ટેનોગ્રાફર, મજૂર, ઈલેક્ટ્રિશિયન, જુનિયર ક્લાર્ક, મુકાદમ, હેલ્થ સુપરવાઈઝર, લેબર ઑફિસર, પટ્ટાવાળા અને મેનેજર સહિતની વિવિધ કેડરનો સમાવેશ થાય છે.