ભાજપના ધારાસભ્યએ સૂચવેલું કામ હાથમાં લેતા AMCને દોઢ વર્ષ લાગ્યું, સામાન્ય પ્રજાના તો શું હાલ હશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC World Heritage City Trust: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સ્માર્ટ તંત્ર અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા નાગરિકોની રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવવાના મોટા મોટા દાવા કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે. ખુદ ભાજપના જ ધારાસભ્યએ લેખિતમાં આપેલી રજૂઆત પર કામ શરૂ કરવામાં મ્યુનિસિપલ તંત્રને છેક દોઢ વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો છે. આ ઘટના બાદ હવે એ સવાલ ચર્ચામાં આવ્યો છે કે જ્યારે સત્તાધારી પક્ષના પ્રતિનિધિના કામોમાં આટલો વિલંબ થતો હોય, ત્યારે સામાન્ય જનતાની ફરિયાદોનો ઉકેલ કેટલા સમયે આવતો હશે?
દરિયાપુર દરવાજાની માત્ર સ્થળ મુલાકાત લેવાઈ, કામ શરૂ થવા અંગે અનિશ્ચિતતા
અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર દરવાજા સહિતના સ્મારકો પોતાના મૂળ સ્વરૂપમાં જળવાઈ રહે અને તેમનો યોગ્ય વિકાસ થાય તે માટે દરિયાપુરના ધારાસભ્ય દ્વારા 12 મે, 2025ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ પત્ર લખાયાના દોઢ વર્ષ બાદ નાયબ કમિશનરે સ્થળ મુલાકાત લઈને કામગીરીનું પ્રાથમિક આયોજન કર્યું છે. સ્થળ મુલાકાત તો લેવાઈ ગઈ છે પણ વાસ્તવિક કામ ક્યારે શરૂ થશે તે અંગે હજુ સુધી કોઈ સમયસીમા નક્કી થઈ શકી નથી.
શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મંજૂર થવામાં 3 વર્ષનો વિલંબ
તંત્રના આ વિલંબ અંગે દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈને મ્યુનિસિપલ તંત્રનો બચાવ કરતા સ્પષ્ટતા કરી હતી કે, ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટેની સરકારી પ્રક્રિયા થોડી જટિલ અને લાંબી હોય છે. આ માટે પહેલા વડોદરા અને ત્યારબાદ દિલ્હીથી મંજૂરીઓ મેળવવી પડતી હોવાથી કામમાં વિલંબ થયો છે. તાજેતરમાં શરૂ થયેલા શાહપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રજૂઆત તેમણે વર્ષ 2023માં કરી હતી, પરંતુ શાહપુર દરવાજો નજીક હોવાથી વિવિધ મંજૂરીઓ મેળવવામાં 3 વર્ષ જેટલો સમય નીકળી ગયો હતો.
જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર—ત્રણેય સ્તરે ભાજપનું શાસન હોવા છતાં આવી વિકાસલક્ષી કામગીરીમાં આટલો મોટો વિલંબ કેટલો વ્યાજબી ગણાય, તે અંગે હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.




