અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં બનશે 800 સ્માર્ટ બસ સ્ટોપ: AMTS, BRTS અને મેટ્રોમાં એક જ ટિકિટથી મુસાફરી કરી શકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Public Transport Upgrade : આગામી કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029ને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જાહેર પરિવહન માળખાને આધુનિક બનાવવાનો મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ આગામી અઢીથી ત્રણ વર્ષમાં શહેરમાં 800 જેટલા અત્યાધુનિક સ્માર્ટ બસ સ્ટોપ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે AMTS, BRTS અને મેટ્રો રેલ સેવા માટે 'સિંગલ-વિન્ડો' એટલે કે એક જ કોમન ટિકિટિંગ સિસ્ટમ શરૂ કરવાનું પણ આયોજન છે.
શહેર અને ઔડા વિસ્તારના લાખો નાગરિકોને થશે ફાયદો
હાલના ઘણા બસ સ્ટોપ જૂના અને જર્જરિત થઈ ગયા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) સંચાલિત 800 મુખ્ય બસ સ્ટોપને અપગ્રેડ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 'બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર' (BOT) ધોરણે અમલમાં મૂકવામાં આવશે, જેમાં AMTS દ્વારા કોઈ સીધું મૂડીરોકાણ કરવામાં આવશે નહીં. આ સુવિધાનો લાભ અમદાવાદ શહેર ઉપરાંત ઔડા (AUDA) હદ વિસ્તારમાં રહેતા 7 લાખથી વધુ નાગરિકોને પણ મળશે.
સ્માર્ટ બસ સ્ટોપ પર કઈ-કઈ સુવિધાઓ મળશે?
- રિયલ-ટાઈમ માહિતી: દરેક સ્માર્ટ બસ શેલ્ટર પર GPS આધારિત ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવશે, જેના પર બસ આવવાનો અંદાજિત સમય (ETA) અને રૂટની વિગતો જોઈ શકાશે.
- આધુનિક સવલતો: સ્ટોપ પર રૂટ મેપ, સેન્સર આધારિત LED લાઈટિંગ અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા હશે. પસંદગીના બસ સ્ટોપ પર ફ્રી Wi-Fi અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સુવિધા પણ અપાશે.
- રિફ્રેશમેન્ટ અને ડ્રેનેજ: મુસાફરો માટે ચા-કોફી સહિતના રિફ્રેશમેન્ટની વ્યવસ્થા તેમજ ચોમાસામાં પાણી ભરાય નહીં તે માટે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરાશે.
- દિવ્યાંગો અને વૃદ્ધો માટે ખાસ સુવિધા: મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોની સરળતા માટે રેમ્પ અને વ્હીલચેર-ફ્રેન્ડલી જગ્યા રાખવામાં આવશે.
ઘરે બેઠાં બસનું લાઈવ લોકેશન અને સીટ બુકિંગ થશે
તંત્ર દ્વારા એક ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. આ એપની મદદથી મુસાફરો ઘરે બેઠાં બસનું લાઈવ લોકેશન જોઈ શકશે અને બસ પોતાના સ્ટોપ પર કેટલી વારમાં પહોંચશે તે જાણી શકશે. એટલું જ નહીં, એપ દ્વારા બસમાં સીટ રિઝર્વ કરવાની સુવિધા આપવાનો પણ પ્રસ્તાવ છે. આ ઉપરાંત, હાલમાં મુસાફરોને AMTS, BRTS અને મેટ્રો માટે અલગ-અલગ ટિકિટ લેવી પડે છે, તેના બદલે હવે એક જ ટિકિટ પર ત્રણેય સેવામાં મુસાફરી કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાશે.
પાયલટ પ્રોજેક્ટ બાદ હવે સમગ્ર શહેરમાં વિસ્તરણ
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ અમદાવાદમાં સિંધુ ભવન રોડ, આનંદનગરમાં સીમા હોલ પાસે, સી.જી. રોડ, સાયન્સ સિટીમાં શુકન મોલ અને ટીવી ટાવર સહિતના વિસ્તારોમાં તેમજ પૂર્વ અમદાવાદના 4 સ્થળોએ પાયલટ ધોરણે સ્માર્ટ બસ સ્ટોપ બનાવી દેવામાં આવ્યા છે. આ પાયલટ પ્રોજેક્ટના અનુભવોને ધ્યાનમાં રાખીને અમદાવાદની આકરી ગરમી અને ચોમાસાને અનુકૂળ મજબૂત છત ધરાવતા સ્માર્ટ સ્ટોપ સમગ્ર શહેરમાં તૈયાર કરાશે. આ સાથે જ મેટ્રો સ્ટેશનો, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને મુખ્ય બજારો સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે નવી ફીડર બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. બસ સ્ટોપની સફાઈ અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.




