Ahmedabad

અમદાવાદના 2 વિસ્તારમાં બનશે 700 સ્માર્ટ પાર્કિંગ: QR કોડથી થશે પેમેન્ટ, જાણો AMC સ્ટેન્ડિંગ કમિટીના અન્ય નિર્ણયો

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બુધવારે યોજાઈ હતી. જેમાં હાટકેશ્વર સ્મશાનગૃહના નવીનીકરણમાં પાણીની અડચણ અને ડિઝાઇનમાં ફેરફારને કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાનું ચેરમેને જણાવ્યું હતું. આ ઉપરાંત, શહેરમાં 20,000 વૃક્ષોનું વાવેતર અને મકરબામાં 200 અને સાયન્સ સિટી 500 સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ સ્થાપિત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના 2 વિસ્તારમાં બનશે 700 સ્માર્ટ પાર્કિંગ: QR કોડથી થશે પેમેન્ટ, જાણો AMC સ્ટેન્ડિંગ કમિટીના અન્ય નિર્ણયો
ફાઈલ તસવીર

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠક આજે બુધવારના રોજ યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરના વિકાસ, નાગરિકલક્ષી સુવિધાઓ તેમજ વિવિધ વહીવટી કામોને લગતી દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

હાટકેશ્વર સ્મશાનગૃહના નવીનીકરણમાં અડચણ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દરખાસ્તો અને વિકાસકામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા આઠ સ્મશાનગૃહોના નવીનીકરણની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે ચેરમેને જણાવ્યું હતું કે, હાટકેશ્વર સ્મશાનગૃહ ખાતે નવીનીકરણની કામગીરી દરમિયાન આશરે 10 ફૂટની ઊંડાઈએ પાણી આવી જતું હોવાથી બાંધકામની કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે. કામગીરી દરમિયાન ઉદ્ભવેલી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડ્રોઇંગ અને ડિઝાઇનમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે, જેના પરિણામે કામગીરીના સમયગાળામાં વધારો થયો છે. હાટકેશ્વર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇનમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. જોકે, આવી પરિસ્થિતિ સોઇલ ટેસ્ટિંગ દરમિયાન જ ધ્યાનમાં લેવામાં આવવી જરૂરી હતી. આ મુદ્દે કમિટીમાં ચર્ચા કરી સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી બાબતોને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.

સ્મશાનગૃહોના નવીનીકરણ વિલંબના કારણો અંગે ખુલાસો મંગાશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના તમામ આઠ સ્મશાનગૃહોના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પ્રદૂષણ સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખવા ઉપરાંત નાગરિકોને વધુ સુવિધા મળી રહે અને અવરજવર સરળ બને તે મુજબ જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. કમિટીમાં થયેલી ચર્ચા દરમિયાન આઠમાંથી બે સ્મશાનગૃહોને બાદ કરતાં અન્ય સ્મશાનગૃહોની કામગીરીમાં જ્યાં અપેક્ષિત પ્રગતિ જોવા મળી રહી નથી, ત્યાં કામગીરીમાં વિલંબના કારણો અંગે સંબંધિત કોન્ટ્રાક્ટરો/કન્સલ્ટન્ટો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ અંગે આગામી દિવસોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

20 હજાર વૃક્ષોનું વાવેતર કરવા આયોજન

'કેચ ફાઉન્ડેશન' દ્વારા AMC સાથે સંકલનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહેલા વૃક્ષારોપણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, કેચ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અમદાવાદ શહેરમાં વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ફાઉન્ડેશન દ્વારા આશરે 1 લાખ જેટલા વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી મોટાભાગના વૃક્ષોનું વાવેતર એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે, આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં AMC દ્વારા રોડ-સાઇડ તેમજ સેન્ટ્રલ વજમાં જાહેર સુખાકારીના ભાગરૂપે થિમેટિક પ્લાન્ટેશન કરવા 20 હજાર વૃક્ષોના વાવેતર માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

મકરબા વિસ્તારમાં આશરે 200 સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ સ્થાપિત થશે

શહેરમાં સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ વિકસાવવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ણાવ્યું હતું કે, સોબો સેન્ટર ખાતે સ્થાપિત સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમને પાર્કિંગની જરૂરિયાત અને સ્થળની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને વધુ ઉપયોગી અને અનુકૂળ સ્થળે ખસેડવામાં આવશે. એજન્સી દ્વારા આ સમગ્ર કામગીરી પોતાના ખર્ચે કરવામાં આવશે.આ કામગીરી માટે AMC દ્વારા એજન્સીને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવામાં આવી નથી અને સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમને અન્ય સ્થળે ખસેડવાનો સમગ્ર ખર્ચ એજન્સી દ્વારા જ ભોગવવામાં આવશે. આગામી સમયમાં મકરબા વિસ્તારમાં આશરે 200 સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, જે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. જ્યારે સાયન્સ સિટી વિસ્તારમાં આશરે 500 સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમમાં QR કોડ સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેના પરિણામે પાર્કિંગ ફીની વસુલાતની કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહેશે. આ વ્યવસ્થામાંથી પ્રાપ્ત થતી કુલ આવકમાંથી 80 ટકા હિસ્સો AMCને અને 20 ટકા હિસ્સો સંબંધિત એજન્સીને મળશે.