Ahmedabad

અમદાવાદ પૂર્વમાં 24 દિવસમાં 38 લોકોના અકાળે મોત, 27 એ ગળે ફાંસો ખાધો, જાણો કયા વિસ્તારમાં કેટલા અપમૃત્યુના બનાવ

By GS Team
25 Oct 20262 mins read
TukuTouch Logo
પૂર્વ અમદાવાદમાં છેલ્લા 24 દિવસમાં 38 લોકોના અકાળે મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે. વટવામાં 5, રામોલમાં 4, નારોલમાં 4 સહિત વિવિધ વિસ્તારોમાં આ ઘટનાઓ બની છે. જેમાં 27 લોકોએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, જ્યારે અન્ય લોકો કામ દરમિયાન થયેલા અકસ્માતો અને બેદરકારીનો ભોગ બન્યા છે. આ ઘટનાઓ સુરક્ષા અને સંવેદનશીલતાની જરૂરિયાત દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પૂર્વમાં 24 દિવસમાં 38 લોકોના અકાળે મોત, 27 એ ગળે ફાંસો ખાધો, જાણો કયા વિસ્તારમાં કેટલા અપમૃત્યુના બનાવ

Unnatural Deaths In East Ahmedabad: પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ અચાનક વિદાય લે ત્યારે પાછળ રહી ગયેલા સ્વજનો માટે આખી જિંદગી બદલાઈ જાય છે. ઘરમાં કોઈની રાહ જોવાતી હોય, પરિવારની જવાબદારીઓ નિભાવવાની હોય અને ભવિષ્ય માટેના સપનાં જોવાતા હોય ત્યાં અચાનક મૃત્યુ આખા પરિવારને હચમચાવી દે છે. પૂર્વ અમદાવાદમાં છેલ્લા 24 દિવસમાં 38 લોકોના અકાળે મૃત્યુના બનાવોએ અનેક પરિવારજનોનો આધાર છીનવાયો છે.

વટવામાં પાંચ, રામોલમાં ચાર અને બાપુનગર, અમરાઈવાડી, નારોલ અને વટવા જીઆઈડીસીમાં ત્રણ-ત્રણ બનાવો નોંધાયા

પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 24 દિવસમાં 38 લોકોના અકાળે મૃત્યુના બનાવો સામે આવ્યા છે. જેમાં સગીરાથી માંડીને યુવકો અને આધેડ વયના કુલ 27 લોકોએ માત્ર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી છે. અપમૃત્યુના બનાવોમાં વટવામાં સૌથી વધુ પાંચ, રામોલમાં ચાર, બાપુનગર, અમરાઈવાડી, નારોલ અને વટવા જીઆઈડીસીમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ એકથી બે મૃત્યુના બનાવો સામે આવ્યા છે. આ બનાવોમાં માત્ર ગળાફાંસો જ નહીં પરંતુ કામ દરમિયાન થયેલા અકસ્માતોમાં પણ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઓઢવમાં કંપનીમાં કામ કરતી વેળાએ મશીનમાં શર્ટ ફસાઈ જતાં યુવકનું મૃત્યુ થયું હતું. શાહીબાગમાં ટ્રક પરથી, નિકોલમાં બાંધકામની સાઈટના ચોથા માળેથી અને વટવા જીઆઈડીસીમાં શેડ પર કામ કરતી વખતે ઊંચાઈ પરથી નીચે પડતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે વટવામાં પાણીની ટાંકી પરથી નીચે પડતાં યુવકનું, નારોલમાં વીજ કરંટ લાગતાં યુવકનું અને પાણીની ટાંકીમાં પડી જતાં પાંચ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. એક ક્ષણની બેદરકારી કેસમયસર મદદ ન મળવાનું પરિણામ કેટલું ગંભીર બની શકે છે એ આ ઘટનાઓથી જાણવા મળે છે. કામદારોની સુરક્ષા, બાળકો માટે સલામત વાતાવરણ અને માનસિક મુશ્કેલીમાં મુકાયેલા લોકોને સમયસર સહારો આપવો જરૂરી છે. દરેક મૃત્યુ પાછળના કારણો તપાસથી જ સ્પષ્ટ થઈ શકે પરંતુ આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા સુરક્ષા અને સંવેદનશીલતા બંને જરૂરી છે.

ક્યા વિસ્તારમાં કેટલા અપમૃત્યુના બનાવ?

સૌથી વધુ વટવામાં 5, રામોલમાં 4, નારોલમાં 4, બાપુનગરમાં 3, અમરાઈવાડીમાં 3, વટવા જીઆઈડીસીમાં 3, ઓઢવમાં 2, શહેરકોટડામાં 2, બહેરામપુરામાં 2 જ્યારે ઈસનપુર, નરોડા, ગોમતીપુર, શાહીબાગ, નિકોલ, રખિયાલ, ખોખરા, દાણીલીમડા, સરદારનગર અને મેઘાણીનગરમાં એક-એક અપમૃત્યુના બનાવો સામે આવ્યાં છે.