Ahmedabad

દિવાળીમાં ઇમરજન્સી કેસોમાં 29% વધારાનું અનુમાન, 108 એમ્બ્યુલન્સ રહેશે હાઇ એલર્ટ, સ્ટાફની રજાઓ રદ

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં દિવાળી પર્વ દરમિયાન 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા ઇમરજન્સી કેસોમાં મોટો ઉછાળો આવવાની આગાહી કરાઈ છે. 08 થી 11 નવેમ્બર, 2026 દરમિયાન 6,000થી વધુ કેસ નોંધાવાની શક્યતા છે. રોડ અકસ્માત, દાઝવાના અને શારીરિક હુમલાના કેસોમાં નોંધપાત્ર વધારો થશે. 108 તંત્ર 1,494 એમ્બ્યુલન્સ સાથે સજ્જ છે. નાગરિકોને સાવચેતી રાખવા અને ઇમરજન્સીમાં 108 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીમાં ઇમરજન્સી કેસોમાં 29% વધારાનું અનુમાન, 108 એમ્બ્યુલન્સ રહેશે હાઇ એલર્ટ, સ્ટાફની રજાઓ રદ

Emergency Cases : ગુજરાતમાં દિવાળી પર્વ દરમિયાન ઇમરજન્સી મેડિકલ કેસોમાં સામાન્ય દિવસોની સરખામણીએ મોટો ઉછાળો આવવાની આગાહી 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા કરવામાં આવી છે. ભૂતકાળના ડેટા અને ટ્રેન્ડ્સના આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, સામાન્ય દિવસોની સરેરાશ 5,248 ઇમરજન્સી સામે દિવાળી 08 નવેમ્બરના રોજ 16.44 ટકા વધારા સાથે 6,111 કેસ, નૂતન વર્ષ 10 નવેમ્બર, 2026ના રોજ 29.12 ટકા વધારા સાથે 6,776 કેસ તથા ભાઈબીજ 11 નવેમ્બર, 2026ના રોજ 22.96 ટકા વધારા સાથે 6,453 ઇમરજન્સી ઘટનાઓ નોંધાઈ શકે છે. તહેવારોમાં નાગરિકોને ઝડપી તબીબી સહાય સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં 1,494 એમ્બ્યુલન્સના કાફલા સાથે 108 તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

રોડ અકસ્માત અને દાઝવાના બનાવોમાં ભારે વધારો થવાની શક્યતા

ડેટા અનુસાર સામાન્ય દિવસોમાં સરેરાશ 646 વાહન અકસ્માતના કેસ સામે દિવાળીના દિવસે 1,216 (88.24 ટકા વધારો), નૂતન વર્ષના દિવસે 1,556 (140.87 ટકા વધારો) અને ભાઈબીજે 1,016 (57.28 ટકા વધારો) કેસ નોંધાવાનો અંદાજ છે. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલર અકસ્માતો રહેવાની શક્યતા છે. બીજી તરફ, સામાન્ય દિવસોમાં 11 કેસ સામે દિવાળીના દિવસે દાઝવાના (બર્ન્સ) કેસો 563.64 ટકા વધીને 73 સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત શારીરિક હુમલાના કેસો સામાન્ય દિવસોના 204 સામે દિવાળીએ વધીને 567 (177.94 ટકા વધારો) અને નૂતન વર્ષે 570 થવાની આગાહી છે.

રાજ્યના 14 જિલ્લાઓમાં સૌથી વધુ કેસ નોંધાવાની વકી

108 દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સુરત, વડોદરા અને વલસાડ જિલ્લાઓમાં સામાન્ય કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધુ કેસ જોવા મળી શકે છે. સમયગાળાની દ્રષ્ટિએ બપોરે 12:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી પીક અવર્સ રહેશે, જેમાં ખાસ કરીને દિવાળીની રાત્રે 08:00 થી 11:00 વાગ્યા દરમિયાન તેમજ મોડી રાત્રે 12:00 થી વહેલી સવારે 05:00 વાગ્યા સુધી ઇમરજન્સીનું પ્રમાણ ઊંચું રહેવાની સંભાવના છે.

108 ની સજ્જતા: ઝીરો લીવ પોલિસી અને 12 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ

સંભવિત વધારાને પહોંચી વળવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC) ખાતે સ્ટાફ માટે 'ઝીરો લીવ' અને સાપ્તાહિક રજાના નિયંત્રણ સાથે ડ્યૂટી રોસ્ટર લાગુ કરવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં ફિલ્ડ સ્ટાફ તૈનાત કરાયો છે અને તમામ એમ્બ્યુલન્સનું પ્રી-સર્વિસિંગ તેમજ દવાઓનો વધારાનો જથ્થો ઉપલબ્ધ રખાયો છે. હાલ 108નો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 12 મિનિટ અને 53 સેકન્ડ છે. નાગરિકો સહાય માટે 108 ઉપરાંત ડાયલ-112 જનરક્ષક સેવા પર પણ સંપર્ક કરી શકે છે.

108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ, ગુજરાતના ચીફ ઓપરેટિંગ ઓફિસરે (COO) જણાવ્યું કે, તહેવારો આનંદ અને એકતાનો સંદેશ આપે છે, પરંતુ સાવચેતી પણ એટલી જ જરૂરી છે. વાહન ચલાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે અને ખાદ્યપદાર્થોના સેવનમાં નાગરિકો સાવચેતી રાખે. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 પર કોલ કરવો.