Ahmedabad

21 ઘરફોડ ચોરી, 3 વખત પાસા ભરનારો રીઢો ચોર ઝડપાયો, CCTV પણ સામે આવ્યા

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ LCB ઝોન 7 ટીમે સરખેજમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. નિકોલથી દિવ્યાંગ ઉર્ફે દિવેશ રાઠોડ (ઉંમર 38)ને ₹9,000 રોકડ સાથે પકડ્યો. આ રીઢો ગુનેગાર 3 વખત પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે અને 21 ચોરી તથા 2 પ્રોહિબિશન ગુના આચર્યા છે. શાહીબાગનો તેનો સાગરીત હિતેન્દ્ર ફરાર છે. પોલીસે CCTV ફૂટેજ પણ મેળવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

21 ઘરફોડ ચોરી, 3 વખત પાસા ભરનારો રીઢો ચોર ઝડપાયો, CCTV પણ સામે આવ્યા

Ahmedabad LCB Zone 7 Arrests Burglar : અમદાવાદ શહેરની એલ.સી.બી. ઝોન 7ની ટીમે મોટી સફળતા મેળવતા સરખેજ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અગાઉ ત્રણ-ત્રણ વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલા અને 21 જેટલી ઘરફોડ ચોરીઓ તેમજ બે પ્રોહિબિશનના ગુના આચરનાર રીઢા ગુનેગારને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. પોલીસે પકડેલા આ રીઢા ચોરના ચોરી કરતી વખતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નિકોલથી ધરપકડ

એલ.સી.બી. ઝોન 7ની ટીમે ચોક્કસ બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે રહેતા દિવ્યાંગ ઉર્ફે દિવેશ બળવંતભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 38) નામના શખ્સની અટકાયત કરી હતી. તેની કડક પૂછપરછ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 9 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં શાહીબાગ વિસ્તારમાં રહેતો તેનો સાગરીત હિતેન્દ્ર ઉર્ફે ટશન સિંધોલિયા હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

અમદાવાદ, ગાંધીનગર અને મોડાસામાં 23થી વધુ ગુના નોંધાયેલા

ઝડપાયેલો આરોપી અગાઉ 3 વખત પાસા હેઠળ જેલની સજા ભોગવી ચૂક્યો છે. તેની સામે અમદાવાદ શહેરના ઓઢવ, સરદાર નગર, સોલા હાઈકોર્ટ, કૃષ્ણનગર, બોડકદેવ, નરોડા, બાપુનગર, ઘાટલોડીયા, ચાંદખેડા, વસ્ત્રાપુર, નિકોલ, આનંદનગર તેમજ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત ગાંધીનગર સેક્ટર-1 અને અરવલ્લીના મોડાસા રૂરલમાં પણ તેની સામે કાયદાકીય કાનૂની કાર્યવાહી થયેલી છે.

ચોરી અને પ્રોહિબિશનના ગુનાઓ આચરવાની ટેવ

આ રીઢો ગુનેગાર બંધ મકાનોને લક્ષ્ય બનાવીને ઘરફોડ ચોરીઓ આચરવાની સાથે દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને પ્રોહિબિશનના ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો. LCB ઝોન 7 દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ ચોરીઓના ભેદ ઉકેલવા કાયદાકીય તપાસ લંબાવવામાં આવી છે.