ગુજરાતની 19.2% વસતી તમાકુની બંધાણી, ઓરલ કેન્સરનો ખતરો, સ્થિતિ ચિંતાજનક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tobacco Use Alarms in Gujarat: આર્થિક રીતે સમૃદ્ધ ગુજરાત સ્વાસ્થ્યના મોરચે એક ચિંતાજનક પરિસ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે. ભારત સરકારના તાજેતરના અહેવાલનુસાર, રાજ્યમાં 19.2 ટકા લોકો માત્ર તમાકુના ગંભીર બંધાણી બની ચૂક્યા છે. આંચકાજનક બાબત એ છે કે, પંજાબ, દિલ્હી, ગોવા અને આંધ્ર પ્રદેશ જેવા અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં તમાકુનો વપરાશ વધુ છે, જે દર્શાવે છે કે રાજ્યમાં વ્યસનનું પ્રમાણ કેટલી હદે વકર્યું છે. તમાકુના વધતાં વપરાશને પગલે રાજ્ય પર ઓરલ કેન્સર (મોઢાનું કેન્સર)નો ખતરો મંડાયો છે.
45-65 વર્ષના લોકો તમાકુ વધુ બંધાણી
રિપોર્ટના ચોંકાવનારા આંકડા મુજબ, 15 વર્ષથી વધુ ઉંમરના યુવાનોથી લઈને વડીલો આ જીવલેણ વ્યસનનો ભોગ બન્યા છે. તેમાં પણ ખાસ કરીને 45થી 65 વર્ષની વયજૂથના લોકોમાં તમાકુનું વ્યસન સૌથી વધુ જોવા મળ્યું છે. ઘરના મોભી ગણાતા આ વયના લોકો જો ગંભીર બીમારીઓનો ભોગ બને, તો તેની સીધી અસર સમગ્ર પરિવારના આર્થિક અને સામાજિક માળખા પર પડે છે. આ ઉપરાંત રિપોર્ટમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, ગુજરાતમાં તમાકુ ઉપરાંત બીડી-સિગારેટનો ઉપયોગ કરનારા લોકોની ટકાવારી 25.1 રહી છે.
ગુજરાતમાં બીડી અને સિગારેટ પીનારાઓની સંખ્યામાં તો વધારો થયો જ છે, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે અહીં ગુટખા અને મિશ્રિત તમાકુ ખાનારાઓનું પ્રમાણ સૌથી વધુ છે. તેની સરખામણીએ સિગાર અને છીંકણીનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે. આ પ્રકારની ચાવવાની તમાકુ સીધી મોંના સંપર્કમાં આવતી હોવાથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે.
તમાકુ અને ગુટખાના આ આડેધડ વપરાશનું પરિણામ હવે ગુજરાતના હોસ્પિટલોમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં મોંના કેન્સરનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. કેન્સર હોસ્પિટલોમાં આવતા ઓરલ કેન્સરના દર્દીઓમાં મોટાભાગના કેસો ગુટખા અને તમાકુના સેવનના કારણે જ હોવાનું સામે આવ્યું છે. પ્રારંભિક લક્ષણોને અવગણવાના કારણે આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. સયમ રહેતા જાગૃતિ નહીં લાવવામાં આવે તો, રાજ્યની યુવા પેઢી કેન્સર જેવા અસાધ્ય રોગની ગર્તામાં ધકેલાઈ જશે.




