અમદાવાદમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા બાંધકામ સાઈટ સહિત 16 એકમ સીલ, 349ને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Mosquito Breeding Crackdown : અમદાવાદ શહેરમાં ખાસ કરીને ચોમાસાના વરસાદી માહોલ બાદ મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે, જેના કારણે નાગરિકોમાં આરોગ્યની ચિંતા ઊભી થઈ છે. આ ગંભીર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 7 બાંધકામ સાઇટ સહિત કુલ 16 એકમ તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવ્યા છે.
સરકારી બાંધકામ સાઇટ અને ઝોનવાર તપાસ
આ વિશેષ કાર્યવાહી હેઠળ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન તેમજ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ખાસ સરકારી કામ કરી રહેલી ડીએચપી કન્સ્ટ્રક્શન સાઇટ સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. શહેરમાં મચ્છરોના વધી રહેલા ઉપદ્રવને ડામવા માટે આરોગ્ય વિભાગે સાતેય ઝોનમાં કુલ 1016 બાંધકામ સાઇટોની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી, જેમાંથી 211 સ્થળો પર મચ્છરનું બ્રીડિંગ સક્રિય હાલતમાં મળી આવ્યું હતું.
લાખો રૂપિયાનો દંડ અને નોટિસ ફટકારાઈ
નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનાર કુલ 349 બાંધકામ સાઇટોને આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ કસૂરવાર સાઇટો પાસેથી દંડ પેટે કુલ 10.11 લાખ રૂપિયાની રકમ વસૂલ કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, શહેરના પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ વિભાગોમાં મચ્છરોના બ્રીડિંગ સૌથી વધુ પ્રમાણમાં મળી આવ્યા છે, જે વહીવટી તંત્ર માટે મોટી ચેતવણી સમાન છે.
મહત્ત્વની બાબત અને વકરી રહેલો રોગચાળો
આ સમગ્ર મામલે સૌથી મહત્ત્વની બાબત એ છે કે મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ પ્રકારની દંડ અને સીલ કરવાની કાર્યવાહી કરવા છતાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. તંત્ર ભલે પોતાના સરકારી ચોપડે ગમે તેવા રાહતજનક આંકડાઓ રજૂ કરતું હોય, પરંતુ શહેરના નાના-મોટા ખાનગી દવાખાનાઓમાં બીમાર દર્દીઓની ઉમટેલી લાંબી કતારો સ્પષ્ટ સાબિત કરે છે કે રોગચાળો ખરેખર બેકાબૂ બની ચૂક્યો છે.
કાગળ પર ચાલતી ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી
શહેરમાં રોગચાળાની આ ભયાનક સ્થિતિ સર્જાવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ફોગિંગ અને જાહેર સ્થળોએ દવાઓ છાંટવાની કામગીરી વાસ્તવિક જમીની સ્તર પર થવાને બદલે માત્ર કાગળ પર જ ચાલી રહી છે. સામાન્ય જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે થઈ રહેલા આ ચેડાં અટકાવવા માટે મ્યુનિસિપલ તંત્રએ માત્ર કાગળ પર નહીં પરંતુ પ્રત્યક્ષ જમીન પર ઉતરીને સઘન પગલાં લેવું હવે અત્યંત અનિવાર્ય બન્યું છે.












