Ahmedabad

નવરાત્રિ ડોમમાં વ્યક્તિદીઠ 1 ચો.મી. જગ્યા અને 2 ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત! અમદાવાદમાં કડક નિયમોની તૈયારી

By GS Team
17 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન 60થી વધુ AC ડોમવાળા પાર્ટી પ્લોટ થવાની સંભાવના છે. AMC ફાયર વિભાગે ખેલૈયાઓની સુરક્ષા માટે 30 મુદ્દાની કડક ફાયર સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરી છે. આયોજકોએ પંડાલની ક્ષમતા મુજબ પ્રવેશ આપવો પડશે અને 2 ઇમરજન્સી એક્ઝિટ રાખવા પડશે. માતાજીના દીવા પાસે રેતી અને તાલીમબદ્ધ સ્વયંસેવકો ફરજિયાત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ ડોમમાં વ્યક્તિદીઠ 1 ચો.મી. જગ્યા અને 2 ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત! અમદાવાદમાં કડક નિયમોની તૈયારી

Ahmedabad Navratri Fire Safety: અમદાવાદમાં આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન એરકન્ડિશન્ડ ડોમ ધરાવતા પ્રીમિયમ અને મિડ-લેવલ પાર્ટી પ્લોટ્સની સંખ્યામાં ગત વર્ષના 50ની સરખામણીએ આ વર્ષે 60થી વધુનો નોંધપાત્ર વધારો થવાની શક્યતા ધ્યાને આવતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા એક વિસ્તૃત જાહેરનામું તૈયાર કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. શહેરમાં એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મોટા પાયે ક્લોઝ્ડ સ્ટ્રક્ચર (ડોમ) ઊભા કરવાની તૈયારીઓ શરૂ થતાં ખેલૈયાઓ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા ફાયર વિભાગે પરમિશન, ઇમરજન્સી એક્ઝિટ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ અંગે કડક શરતો નક્કી કરી છે.

30 મુદ્દાની કડક ફાયર સેફ્ટી તૈયાર

નવરાત્રિ મહોત્સવ દરમિયાન લાખો ખેલૈયાઓ અને નાગરિકોની જાહેર સલામતી જળવાઈ રહે અને આગ-અકસ્માતની કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા તમામ ગરબા આયોજકો માટે 30 મુદ્દાની કડક ફાયર સેફ્ટી તૈયાર કરી છે. જેને અંગે હવે આવનારા દિવસોમાં નોટિસ બહાર પાડવામાં આવી છે. ગાઇડલાઇન્સ મુજબ આયોજકોએ પંડાલની ક્ષમતા અનુસાર જ પ્રવેશ આપવાનો રહેશે, જેમાં વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 સ્ક્વેર મીટર જગ્યા ફાળવવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, પંડાલમાં પરસ્પર સામે દિશામાં ઓછામાં ઓછા બે 'ઇમરજન્સી એક્ઝિટ' રાખવા સહિતના કડક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.

સ્ટેજ-પંડાલના પડદા-કાર્પેટ પર ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટ કરાવવું પડશે

ફાયર અધિકારીના જણાવ્યા મુજબ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટેજ બનાવતી વખતે સ્કૂલ, હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થોના ગોડાઉનથી પૂરતું અંતર રાખવું પડશે જેથી ફાયર ફાઇટર વાહનો સરળતાથી આવી શકે. ભઠ્ઠી, સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર કે હાઇટેન્શન-રેલવે લાઇન નીચે કે નજીક મંડપ બાંધી શકાશે નહીં અને સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરથી ઓછું અંતર ન હોવું જોઈએ. પંડાલમાં કોઈ ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહીં અને બહાર નીકળવાનો રસ્તો (ટ્રાવેલિંગ ડિસ્ટન્સ) 15 મીટરથી વધુ ન હોવો જોઈએ. સીટિંગ વ્યવસ્થામાં સીટની 10-10 બેઠક પછી ઓછામાં ઓછી 1.5 મીટર પહોળાઈનો પેસેજ રાખવો પડશે.

વીજ સલામતી મંડપમાં ઇલેક્ટ્રિક વાયરિંગ ભારતીય વીજળી અધિનિયમ મુજબ સરકારી માન્ય ઇજનેર પાસે ચકાસણી કરાવી ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ. શીટનું હોવું જોઈએ. મંડપમાં વપરાતા પડદા અને કાર્પેટ ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટથી સજ્જ હોવા જોઈએ. જો પંડાલમાં મોશન ફિલ્મ બતાવવાની સ્ક્રીન હોય તો તેના પર સેફ્ટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવી પડશે.

આગ સામે તાત્કાલિક સુરક્ષા માટે આયોજકોએ શું વ્યવસ્થા રાખવી પડશે?

•સાધનોની તૈનાતી: પ્રત્યેક 100 ચો.મી. વિસ્તાર દીઠ 2 નંગ ABC ફાયર એક્સ્ટિંગ્વિશર (6 કિગ્રા ક્ષમતા), 2 નંગ CO2 ફાયર એક્સ્ટિંગ્વિશર (4.5 કિગ્રા ક્ષમતા), 200 લીટર પાણી ભરેલું ઢાંકેલું ડ્રમ અને રેતી ભરેલી 2 ડોલ ફરજિયાત ઉપલબ્ધ રાખવાની રહેશે.
•પાણીનો પુરવઠો: ફ્લોર એરિયાના 0.35 લીટર/સ્ક્વેર મીટર કરતાં ઓછો ન હોવો જોઈએ.
•તાલીમબદ્ધ સ્ટાફ: ફાયર એક્સ્ટિંગ્વિશર ચલાવી શકે તેવા જાણકાર અને પ્રશિક્ષિત સ્વયંસેવકોને સમગ્ર ગરબા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખવા પડશે.
•માતાજીના દીવા પાસે રેતી: માતાજીની મૂર્તિ પાસે પ્રગટાવવામાં આવતા દીવા નીચે અચૂક રેતી રાખવાની રહેશે અને ત્યાં ઓછામાં ઓછા એક સ્વયંસેવક સતત હાજર રહેશે.
•પબ્લિક એડ્રેસ સિસ્ટમ: આપાતકાલીન સ્થિતિમાં જાહેરાત કરવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી ફરજિયાત છે.
•સિગ્નેજ: ઓટો ગ્લો મટીરિયલમાં "NO SMOKING ZONE", "Exit" અને "Emergency Exit" ના બોર્ડ લગાવવા પડશે.
•અન્ય મંજૂરીઓ: ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, ટ્રાફિક અને મ્યુનિસિપલ કોર્પોરેશનના લાયસન્સ-એનઓસી મેળવવાના રહેશે તથા ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ અને નેશનલ બિલ્ડિંગ કોડ પાર્ટ-4 મુજબ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે.