Ahmedabad

2 વર્ષમાં રૂપિયા 3 ગણા કરવાની લાલચે અમદાવાદના નિકોલમાં 1 કરોડની છેતરપિંડી

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નિકોલમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 100 લોકો સાથે 1.27 કરોડની ઠગાઈનો પર્દાફાશ થયો છે. 'ડિસીપ્લીન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ'ના સંચાલકો વિરાટ પરમાર, અલ્કેશપુરી ગોસ્વામી, ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણે 2 વર્ષમાં પૈસા બેથી ત્રણ ગણા કરવાની લાલચ આપી હતી. નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2 વર્ષમાં રૂપિયા 3 ગણા કરવાની લાલચે અમદાવાદના નિકોલમાં 1 કરોડની છેતરપિંડી

Ahmedabad Investment Fraud: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગના નામે માસિક 2થી 2.5 ટકાના ઊંચા વળતર તેમજ માત્ર 2 વર્ષમાં રકમ બેથી ત્રણ ગણી કરી આપવાની લાલચ આપી આશરે 100 જેટલા લોકો સાથે 1.27 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નિકોલમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારીની ફરિયાદના આધારે પોલીસે 'ડિસીપ્લીન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ' કંપનીના સંચાલકો સહિત ચાર શખસો સામે કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

2 વર્ષમાં પૈસા ત્રણ ગણા કરવાની લાલચ આપી જાળ પાથરી

મળતી માહિતી અનુસાર, નિકોલમાં રહેતા અને પ્રોપ્રાઇટરશિપમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા 37 વર્ષીય રજનીકાંત રામાણી અને અન્ય રોકાણકારોને વિરાટ પરમાર અને તેના ભાગીદાર અલ્કેશપુરી ગોસ્વામીએ પોતાની કંપની 'ડિસીપ્લીન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ'માં રોકાણ કરવા લાલચ આપી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે તે શેરબજારના ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O)માં ટ્રેડિંગ કરીને રાષ્ટ્રીયકૃત બૅંકો કરતા ઘણું વધુ એટલે કે માસિક 2થી 2.5 ટકા વળતર આપશે અને 2 વર્ષમાં રકમ ડબલથી ત્રિબલ કરી આપશે.

આ વિશ્વાસમાં આવીને ફરિયાદી રજનીકાંત રામાણીએ ડિસેમ્બર 2025માં પોતાની ફર્મના ખાતામાંથી 10 લાખ રૂપિયા રોક્યા હતા. તેની જોઈને સગા-સંબંધીઓ અને અન્ય 100 જેટલા લોકોએ મળીને કુલ 1.27 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

શરૂઆતમાં વળતર ચૂકવ્યા બાદ સેટઅપ ગોઠવી રકમ સગેવગે કરી

શરૂઆતમાં આરોપીઓએ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે થોડું વળતર ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ અચાનક વળતર આપવાનું બંધ કરી દીધું હતું. માર્ચ 2026માં જ્યારે રોકાણકારોએ પોતાના નાણાં પરત માગ્યા ત્યારે આરોપી વિરાટ પરમાર અને અલ્કેશપુરીએ જણાવ્યું હતું કે, 'આ તમામ રકમ તેમણે પોતાના મળતિયા આરોપીઓ ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણના અલગ-અલગ બૅંક એકાઉન્ટમાં ટ્રેડિંગ માટે ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારબાદ ભાર્ગવ અને ધર્મેશે ટ્રેડિંગમાં તમામ રૂપિયા ડૂબી ગયા હોવાનું બહાનું ધરીને ફેબ્રુઆરી 2026થી ચૂકવણી સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી.'

ચાર આરોપીઓ સામે ગુનો દાખલ

આરોપીઓએ રોકાણકારોની મહામહેનતની મૂડી પોતાના અંગત બૅંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી સગેવગે કરી દીધી હોવાનું સ્પષ્ટ થતાં, ભોગ બનનારાઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. નિકોલ પોલીસે ચારેય આરોપી વિરાટ પરમાર, અલ્કેશપુરી ગોસ્વામી, ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.