હવે કરીશું શું?: જંગલમાં વરસાદ ન થતાં આખોય મચ્છર સમાજ આઘાતમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- મચ્છર સમાજનાં વડાં મચ્છરીબહેન મલેરિયલે સમાજને આઘાતમાંથી બહાર કાઢવા જંગલમાં કેવી રીતે ગંદકી શોધી કાઢવી તેની સલાહ આપી…
જંગલના હવામાન વિભાગના વડા ફ્રોગભાઈ ફોરકાસ્ટરે જંગલની વેધર પેટર્નનો નવેસરથી સ્ટડી કરીને ટૂંકો અહેવાલ આપ્યો, 'જંગલમાં આ વર્ષે વરસાદ ઓછો પડશે. ચોમાસુ પૂરું થવામાં છે ત્યારે ફરીથી અમારા એક્સપર્ટ્સ દેડકાંઓની ટીમે વાતાવરણનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ પડવો જોઈએ એટલો વરસાદ પણ પડયો નથી.'
દેડકા સમાજને જંગલની સરકારે વાર્ષિક વેધર રિપોર્ટની જવાબદારી સોંપી હતી. ફ્રોગભાઈ ફોરકાસ્ટર જંગલના હવામાન વિભાગના વડા હતા અને તેમની અંડરમાં અનેક દેડકાઓ ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તેમના અહેવાલ પર આખાય જંગલની નજર રહેતી. સોશિયલ મિડીયામાં ફ્રોગ ફોરકાસ્ટરનો રિપોર્ટ તુરંત વાયરલ થયો.
આ અહેવાલ જોઈને બળદોએ નિસાસા નાખ્યા, 'આ વર્ષે આપણી મહેનત પાણી વગર ધોવાઈ ગઈ.'
માછલી સમાજમાં નિરાશા વ્યાપી ગઈ: 'આપણે તો તાજું પાણી જ નહીં મળે. ઉનાળામાં સખત ખેંચ રહેવાની છે.'
ઘણા મોરલાઓએ સેડ ઈમોજી સાથે પોસ્ટ મૂકી, 'મેં તો કેટલું સરસ વરસાદી નૃત્યગીત તૈયાર કર્યું હતું. હાર્ડ લક!'
ગાય સમાજના વોટ્સએપ ગુ્રપમાં જ્ઞાાની ગાયબેને મેસેજ મૂક્યો, 'ખાવાના ફાંફાં તો હતાં જ, ત્યાં હવે પાણી માટે વલખાં મારવા પડશે.'
જંગલની સરકારના અધિકારીઓમાં જુદા લેવલની ચિંતા હતી. વહીવટી અધિકારી મગર માથાભારેએ તાકીદની અસરથી મીટિંગ બોલાવીને નીચેની કેડરના અધિકારીઓને આદેશ આપ્યો, 'જો વરસાદ ન થાય તો પણ મોન્સૂન પ્લાનિંગ માટે સરકારે જે બજેટ ફાળવ્યું છે એ કેવી રીતે વાપરવું તેનો રિપોર્ટ આપો.'
ફ્રોગ ફોરકાસ્ટરના રિપોર્ટ પછી દિવસો સુધી આ બધું ચાલતું રહ્યું. જુદા જુદા સમાજોને આવરીને ચિંતા વ્યક્ત થતી હતી. ઘણાં સમાજોએ પોતપોતાની રીતે એનાલિસિસ કર્યા. મચ્છર સમાજ વિશે એવો જ એક રિપોર્ટ થોડા દિવસ પછી આવ્યો. મચ્છર સમાજના ઓફિશિયલ સોશિયલ મિડીયા આઈડી 'ગણગણાટ'માં એક રીલ અપલોડ થઈ. સમાજના યુવા રીલમેકર ક્યુલેક્સ ક્રિએટરે રીલ બનાવી હતી. એક મિનિટ ૫૫ સેકન્ડની આ રીલમાં મચ્છરોની સ્થિતિ વર્ણવાઈ હતી. ખાબોચિયાની આસપાસ ગણગણાટ કરતાં મચ્છરો અને જંગલવાસીઓને કરડતી માદા મચ્છરોનાં દૃશ્યો સાથે વોઈસઓવરથી રીલ શરૂ થઈ: 'જંગલમાં ચોમાસું ખેંચાઈ ગયું છે. ચોમાસામાં રોગચાળો ફેલાવીને પ્રકૃતિનો નિયમ પાળવાની આપણી કરોડો વર્ષ જૂની પરંપરા આ વર્ષે જોખમમાં મૂકાઈ છે. આપણો સમાજ ચોમાસામાં જ વિસ્તરે છે, વિકસે છે. આ વર્ષે જાહેર ખાબોચિયાં અને જાહેર ગંદકીનો લાભ સમાજને મળશે નહીં તેથી જન્મદર નીચો રહે તેવી પૂરી શક્યતા છે.'
ચોમાસાજન્ય ગંદકીનું વાતાવરણ ન મળતાં ડિપ્રેસ્ડ દેખાતા મચ્છરોના ફૂટેજ સાથે વીડિયોમાં બતાવાયું, 'આ વર્ષે પહેલી વખત ખાબોચિયાં એક્સપ્લોર કરવા જનારા મચ્છરોનાં અરમાનો પર પાણી ફરી વળ્યું છે.'
સંગઠનના મહામંત્રી મોસ્કિટો મોગરોની બાઈટ આવી: 'દુકાળની પરિસ્થિતિથી જંગલમાં ચારેબાજુ ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. આપણો સમાજ પણ બહુ પ્રભાવિત થશે. આપણે સૌ હિંમતથી આ નબળા વર્ષનો સામનો કરીશું. વારે-તહેવારે જ્યારે તક મળે ને ગંદકી ફેલાય ત્યારે આપણે આપણું મિશન શરૂ રાખીશું, પરંતુ તે સિવાયના સમયમાં સૌ સલામત રહેજો.'
મચ્છરોને મારવા માટે દવાઓનો છંટકાવ થતો હોય એવા ફૂટેજ સાથે વીડિયો આગળ ચાલ્યો, 'સૌથી જૂના સજીવોમાં આપણી ગણતરી થાય છે. અનેક ષડયંત્રો રચાયા છતાં આપણે ટકી રહ્યા. દવાઓનો છંટકાવ કે મચ્છરો મારવાના લિક્વિડો પણ આપણું કંઈ બગાડી શક્યા નહીં. આપણા મચ્છર સમાજે આવા દવાઓના છંટકાવને પણ અવસર બનાવી દીધો. આજે તો આપણી માદાઓ આવી દવાઓની ફ્લેવરને એન્જોય કરે છે.'
જેની પૂર્વજ માદાઓ ઈજિપ્તના જંગલમાં તરખાટ મચાવીને વિખ્યાત થયેલી તેની વંશજ એડિસ ઈજિપ્તિ બોલતી સંભળાઈ: 'કોઈને અજીબ લાગે એવી વાત છે, પણ મને જંગલની સરકાર જે દવાનો છંટકાવ કરે છે એની સ્મેલ ખૂબ ગમે છે. આ વર્ષે હું એ સ્મેલ મિસ કરીશ અને હા ચિકનગુનિયા ફેલાવવાનું મિશન અટકી પડશે તેનું મને દુખ છે.'
ઉપપ્રમુખ મચ્છરભાઈ મંદવાડનાં મમ્મી મચ્છરીબહેન મંદવાડનું સમાજમાં મોટું નામ હતું. એક સમયે જંગલમાં ઠેર-ઠેર માંદગી ફેલાવી દીધી હોવાથી તેમના પરાક્રમ બદલ સમાજે 'મંદવાડ'નો માનવંતો ખિતાબ તેમને આપ્યો હતો. નેપોટિઝમના કારણે સમાજના સંગઠનમાં ઉપપ્રમુખ બનેલા મચ્છરભાઈ મંદવાડની ૧૦ સેકન્ડની ટૂંકી બાઈટ આવી, 'ખાનગી ખાબોચિયા અને ખાનગી ગંદકી સૌને પરવડશે નહીં. એમાં જીવનું જોખમ પણ રહે છે. વધારે તો નહીં કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે આ વર્ષે મચ્છર સમાજની માદાઓએ જીભના ચટાકાને કાબૂમાં રાખવા પડશે. બહેનોને મારી અપીલ છે કે ખાનગી ગંદકીમાં જઈને જીવ જોખમમાં ન મૂકે.'
રીલના ક્લોઝિંગમાં મચ્છર સમાજનાં વડાં મચ્છરીબહેન મલેરિયલે સમાજને ધરપત આપતા કહ્યું, 'આ વર્ષે આપણો સમાજ રોગચાળો ફેલાવી નથી શક્યો, દૂકાળ પડશે તો આપણા માટે સ્થિતિ વધારે ખરાબ થશે, પરંતુ હિંમત રાખો! તકની રાહ જુઓ!'
છેલ્લે છેલ્લે મચ્છરીબહેને વર્ષોના અનુભવે સૌથી મહત્ત્વની સલાહ આપી, 'આંખો ખુલ્લી રાખો, તમારી પાવરફુલ ગંધશક્તિને કામે લગાડો. જંગલમાં ગંદકી નથી એવું નથી. તમારે માત્ર એને શોધવાની છે.'




