વાઘ વિકરાળ શાન દીપડાને ઉઠાવી ગયોઃ બંજર-ગંજરમાં હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- ભૂખ હડતાલ કરતા શાન દીપડા માટે રાજા સિંહે ઓપરેશન શાન પાર પાડી દીધું, પણ તેનાથી દાવ ઉલ્ટો પડયો. આંદોલન વિખેરાઈ જવાને બદલે વધારે ભડક્યું
'શાન સર હમારી શાન હૈ…'
'શાન સર હમારી જાન હૈ…'
શાન દીપડાને વાઘ વિકરાળ ખભે ઊંચકીને ઉઠાવી ગયો પછી બંજર-ગંજરના મેદાનમાં સૂત્રોચ્ચાર શરૂ થયો. જ્યાં સુધી શાન દીપડો ભૂખ્યો-તરસ્યો ટળવળતો હતો ત્યાં સુધી ભૂખ હડતાલથી એની શું સ્થિતિ થઈ છે એ જાણવાની ફિકર ન કરનારા પ્રદર્શનકારીઓ પણ હવે શાન દીપડાની તરફેણમાં ઘાંટા પાડીને સૂત્રોચ્ચારો કરતા હતા.
'નહીં ઝુકેંગે નહીં ઝુકેંગે…' કોકરોચ કચવાટિયો ઉશ્કેરાટથી બોલ્યો.
'સિંહ કે સામને નહીં ઝુકેંગે…' બંજર-ગંજરના મેદાનમાં ભારે સૂત્રોચ્ચારો શરૂ થયા.
અત્યાર સુધી જાત-ભાતનું ઝાપટી રહેલા કોકરોચ કચવાટિયાએ અચાનક જાહેરાત કરીઃ 'આજથી હું ભૂખ હડતાલ કરીશ. આપણે રાજા સિંહના દરબાર સુધી માર્ચ કાઢીશું. શિક્ષણમંત્રી કાચિંડા કાંટાવાલાનું રાજીનામું નહીં આવે ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે. શાન દીપડા સરને વાઘ વિકરાળ બંજર-ગંજરમાં મૂકી નહીં જાય ત્યાં સુધી આપણે અહીં જ રહીશું.'
કોકરોચ પાર્ટીના સ્થાપક પ્રમુખ કોકરોચ કચવાટિયાની આ જાહેરાતથી જંગલના વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી ગયા. શાન દીપડાને વાઘ ઉપાડી ગયો તેનો વિડીયો વાયરલ થયો. 'જંગલ ન્યૂઝ' સહિતની ચેનલોમાં અને સોશિયલ મિડીયામાં ઝૂમ કરી કરીને વારંવાર વીડિયો બતાવાયો. શાન દીપડાની હાલત જોઈને જંગલના વિદ્યાર્થીઓને ચિંતા થઈ. કોઈએ લખ્યું કે આપણા સૌ માટે બિચારા શાન સરની આ હાલત થઈ છે.
શાન દીપડો જ્યાં સુધી ભૂખ હડતાલ કરતો હતો ત્યાં સુધી આંદોલનનો જે માહોલ બન્યો ન હતો એ માહોલ વાઘ વિકરાળ તેને ઉઠાવી ગયો પછી બન્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાન દીપડાના સમર્થનમાં બંજર-ગંજરમાં આવવા લાગ્યા. વિદ્યાર્થીઓના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અગાઉ આંદોલન કરી ચૂકેલા વિદ્યાર્થી નેતા પ્રીત પારેવડાએ પણ આંદોલનને ટેકો જાહેર કર્યો. પ્રીત પારેવડો મોટી સંખ્યામાં પક્ષીસમાજના કાર્યકરોને લઈને બંજર-ગંજરના મેદાનમાં આવી પહોંચ્યો. બંદરસમાજની યુવા પાંખનો પ્રમુખ બબલુ બંદર યંગ વાંદરાઓની ટીમને લઈને આવી પહોંચ્યો. કલાકાર મસ્તરામ મોરે આવીને સમર્થન જાહેર કર્યું.
બે દિવસની ભૂખ હડતાલ બાદ કોકરોચ કચવાટિયાએ જાહેરાત કરીઃ 'આવતી કાલે વહેલી સવારે આપણે સૌ બંજર-ગંજરના મેદાનથી રાજા સિંહના દરબાર સુધી પગપાળા માર્ચ કાઢીશું. કાચિંડો કાંટાવાલો રાજીનામું આપશે ને આપણી અગાઉની બધી જ માગણી રાજા સિંહ સ્વીકારશે તો જ આંદોલન પૂરું થશે.'
'મહારાજનો જય હો!' રીંછભાઈએ આવીને સિંહનો જયજયકાર કર્યો. રાજા સિંહે અંગત રાજકીય સલાહકાર અને જંગલની આંતરિક બાબતોના મંત્રી રીંછભાઈને મળવા બોલાવીને ચિંતા વ્યક્ત કરીઃ 'કોકરોચ કચવાટિયો હવે જંગલના બધા જ વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યો છે. મારા દરબાર સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. આપણે સવારથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવી પડશે. આપણે શું કરીશું? શાન દીપડાને પાછો મૂકી આવવો છે?'
'મહારાજ! આપ ચિંતા ન કરો, મેં એની વ્યવસ્થા કરી લીધી છે.' રીંછભાઈએ નિશ્ચિંત થઈને ઉમેર્યું, 'તમે તો જાણો છો, આવા કેટલાય આંદોલનો આટલા વર્ષોમાં મેં વિખેરી નાખ્યાં છે. ઉંદરોથી લઈને બળદો આ રીતે આપણી સામે પડયા હતા. મેં એવા સીધા કર્યા કે હવે ક્યાંય દેખાતા નથી. કોકરોચ કચવાટિયાના આંદોલનકારીઓ દરબાર સુધી પહોંચે તે પહેલાં જ સીધા થઈ જશે. મેં આ વખતે કેટ કમાન્ડોને તો કામ સોંપ્યું જ છે, પણ મગર માથાભારેની આખી ટીમને તૈનાત કરાવી દીધી છે.'
'મગર તો માથાભારે છે, બધાને પહોંચી વળશે. આપણો વિશ્વાસુ અધિકારી છે એટલે વાંધો નહીં આવે.' રાજા સિંહે રાહતનો શ્વાસ લીધો.
'મેં મગરને કહ્યું છે કે આંદોલનકારીઓ પર દરિયાના પ્રદૂષિત પાણીનો મારો ચલાવે. કોકરોચ કચવાટિયા ને વંદા વખારી માટે સ્પ્રેની ગોઠવણ કરવાની સૂચના બબ્બન બિલાડાને આપી છે. જુદી જુદી જાતિના વિદ્યાર્થીઓ તો પ્રદૂષિત ઝેરી પાણીના મારાથી જ ભાગી જશે. વળી, જરૂર પડશે તો મેં કચરો ફેંકવાનો આદેશ પણ આપ્યો છે અને હા, ઝેરીવાયુ ભેગો કરી રાખ્યો છે. પંખીડાઓ તો એ છોડતાં જ ઉડી જશે.' રીંછભાઈએ આખો પ્લાન સમજાવી દીધો ને હસતા હસતા ઉમેર્યું, 'આપણાં દરબાર સુધી આવતા આખા રસ્તામાં ગુપ્ત રીતે કાંટા બિછાવી દીધા છે. પ્રાણીઓના પગમાં ભોંકાશે કે બીજી વખત દેખાશે નહીં.'
'વાહ! ચૂંટણી હોય કે આંદોલન, તારું આયોજન જડબેસલાક હોય છે.' રાજા સિંહ ખુશ થયા, 'તું આંદોલનને કચડી નાખીશ તેવો મને પાક્કો ભરોસો છે.'
'આપને એક અપડેટ બીજું આપી દઉં. પ્રદર્શનકારીઓ વચ્ચે આપણી ટીમ ગોઠવી દીધી છે. બંદરસમાજની યુવા પાંખનો પ્રમુખ બબલુ બંદર મારા કહેવાથી જ બંજર-ગંજર પહોંચ્યો છે. આંદોલનકારીઓ આગળ વધશે કે અવળચંડા વાંદરાઓ ઉત્પાત મચાવી દેશે. તકનો લાભ લઈને કેટ કમાન્ડોઝ બધા વિદ્યાર્થીઓને ઝૂડી નાખશે.' રીંછભાઈએ સિંહના કાન પાસે આવીને સાવ ધીમેકથી છેલ્લી મહત્ત્વની વાત જણાવી દીધી.
રીંછભાઈએ તમામ સ્તરે વ્યવસ્થા ગોઠવી છે એ જાણીને રાજા સિંહને રાહત થઈ.
પણ આ રાહત લાંબો સમય ટકવાની ન હતી…









