Aapna to adhar vanka

નકલી પનીર-ચીઝ-ઘી શરૂ કરાવો, ફ્લેવર્ડ કેક બંધ કરો : ઉંદર સમાજ

By GS Team
24 Sep 20264 mins read
TukuTouch Logo
ગણેશ વિસર્જનના આગલા દિવસે જંગલમાં ઉંદર સમાજની વાર્ષિક બેઠક મળી હતી, જ્યાં પ્રમુખ ઉંદરભાઈ ઉત્પાતિયા, માર્ગદર્શક શ્રીમૂષકલાલ મોદકિયા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નકલી ઘી, ચીઝ, પનીર ફરી શરૂ કરવાની અને ફ્લેવર્ડ કેક બંધ કરવાની માંગ ઉઠી હતી, કારણ કે કેક ઉંદરો માટે જીવલેણ સાબિત થઈ રહી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નકલી પનીર-ચીઝ-ઘી શરૂ કરાવો, ફ્લેવર્ડ કેક બંધ કરો : ઉંદર સમાજ
  • આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
  • ગણેશ ચતુર્થીથી ઉંદર સમાજના નેતાઓના કાર્યક્રમો પેક ચાલતા હતા એટલે વાર્ષિક સંમેલન ઠેલાતું ગયું હતું, આખરે ગણેશ વિસર્જનના છેલ્લાં દિવસની પૂર્વ સંધ્યાએ ઉંદર સમાજની વાર્ષિક બેઠક મળી…

'આપ સૌ જાણો છો એમ હવે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ જંગલમાં મેઈનસ્ટ્રીમ બની ગયો છે. જંગલમાં એટલા કાર્યક્રમો યોજાતા હોય છે કે ન પૂછો વાત. આપણા સમાજના અગ્રણીઓ નેતાઓના કાર્યક્રમોમાં વ્યસ્ત હતા એટલે સંમેલનનો મેળ પડતો ન હતો. આખરે આપણે સૌ ઈષ્ટદેવ ગણેશજીનો આ મહોત્સવ પૂરો થાય તે પહેલાં મળી શક્યા એનો આનંદ છે.' કાર્યક્રમના સંચાલક આફતકુમાર ઉંદરે માહિતી આપી એ સાંભળવામાં ખાસ કોઈને રસ ન હતો. અગ્રણીઓ મોબાઈલ મચડતા હતા. યુવા ઉંદર-ઉંદરડીઓ સેલ્ફી લઈને સ્ટોરી મૂકવામાં વ્યસ્ત હતા.
'સંમેલનમાં હાજર રહેવા બદલ સમાજના પ્રમુખ શ્રીઉંદરભાઈ ઉત્પાતિયા, માર્ગદર્શક શ્રીમૂષકલાલ મોદકિયા, મહિલા પાંખના વડાં શ્રીઉંદરડીબહેન ઉપદ્રવી સહિતના સૌ અગ્રણીઓનો હું આભાર માનું છું.' આફતકુમાર ઉંદરે આભાર વ્યક્ત કર્યા પછી સમાજના ગૌરવપૂર્ણ ઈતિહાસ, પરંપરા, ધાર્મિક માન્યતાઓ વગેરે બાબતે વિસ્તારથી જણાવ્યું. ઓડિયન્સમાં લાગેલા બગાસાનો ચેપ છેક મંચસ્થ આગેવાનો સુધી પહોંચ્યો એ જોઈને આફતકુમાર ઉંદરે બે-ચાર કાવ્યપંક્તિઓ ટાંકીને સૌથી પહેલાં મૂષકલાલ મોદકિયાને બે શબ્દો કહેવાનું આમંત્રણ આપ્યું. મૂષકલાલે જૂના જમાનામાં કેવું દેશી ખાવાનું હતું અને હવેની જનરેશન ફાસ્ટફૂડના રવાને ચડી ગઈ છે એ બધી ચવાયેલી વાતો લાંબાં ભાષણમાં કહી.
માદા પાંખના વડાં ઉંદરડીબહેન ઉપદ્રવીએ સમાજમાં માદાઓના મહત્ત્વ વિશે સમજાવ્યું. વધુને વધુ માદાઓ સંગઠનમાં સક્રિય થાય એના પર ભાર મૂક્યો. જોકે, એ વાત બહુ ઓછા જાણતા હતા કે ઉંદર સમાજના સંગઠનમાં કોઈ માદાને મહત્ત્વનો હોદ્દો મળવાનો હોય તો ઉંદરડીબહેન જ એક્ટિવ થઈને તેનું પત્તુ કાપી નાખતાં.
સૌથી છેલ્લે ભાષણ કરવા ઉભા થયેલા પ્રમુખ ઉંદરભાઈ ઉત્પાતિયાએ પોતાની મોટાઈ સાબિત કરતી વાતો કહેવા માંડી, 'હમણાં એક કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીવાંદરાભાઈ વટપાડુ મારી સાથે જમવા બેઠા ત્યારે તેમણે મને કહ્યું કે ઉત્પાતિયાજી સમયપાલનનું તમારું ડેડીકેશન અદ્ભુત છે. દોસ્તો સમય બહુ મૂલ્યવાન છે.' તેમણે બીજો કિસ્સો કહ્યો, 'હમણાં ગણેશજીના પંડાલમાં સાંસદ શ્રીગેંડાભાઈ ગુમાનીએ મને કહ્યું કે રાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈએ તમને યાદ કર્યા. રીંછભાઈએ ઉદાહરણ આપ્યું કે સમાજના નેતૃત્વમાં જે કામ થાય છે એમાં ઉંદર ઉત્પાતિયાનું કામ બહુ અસરકારક છે. મિત્રો સારા કામની નોંધ છેક ઉપર સુધી લેવાતી હોય છે.' વિનમ્રતાનું પ્રદર્શન કરતાં ઉત્પાતિયાએ છેલ્લે ઉમેર્યું પણ ખરું, 'આ બધી તો આપણા ઈષ્ટદેવ ગણેશ ભગવાનની કૃપાથી થાય છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ.'
ભાષણો પૂરા થયા પછી સંમેલનનું છેલ્લું રજૂઆત-ચિંતન-મનનનું સેશન શરૂ થયું. એ પછી સૌ સાથે બેસીને લાડુ, દાળ-ભાતનું પરંપરાગત ભોજન આરોગવાના હતા. બારદાનો કાતરવામાં નામ કમાઈ ચૂકેલા મૂષક બારદાનીએ પહેલો સવાલ પૂછ્યો, 'ગણેશ મહોત્સવ પછી ઉંદરોને ભોજન મળતું નથી. શું સરકાર ઉંદર ઉદર ભરો યોજનાની આપણી જૂની માંગણી સ્વીકારશે?'
પ્રમુખ ઉત્પાતિયાએ ઉત્તર આપ્યો, 'આપણે સરકારશ્રીને રજૂઆતો કરી છે. એ પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે.'
'પાંજરામાંથી છૂટવાની તાલીમ છેલ્લાં થોડા વર્ષથી બંધ થઈ ગઈ છે. હવે ફરીથી ક્યારે શરૂ થશે?' શીખવાની ધગશથી એક યુવા ઉંદરડીએ તીણા અવાજે પૂછ્યું. માદા પાંખના વડાં ઉંદરડીબહેન ઉપદ્રવીએ જવાબ આપ્યો, 'આમાં બે મુદ્દા છે. એક તો આપણી પાસે અત્યારે એવા કુશળ ટ્રેનર નથી કે જેમને કળ યા બળથી પાંજરા ખોલવાનો બહોળો અનુભવ હોય. બીજું, હવે આપણાં ઉંદરો પાંજરાની સ્મેલ ઓળખીને મોટાભાગે એમાં સપડાતા પણ નથી. સમાજમાં જાગૃતિ આવી છે. છતાં તમારા જેવા જેમને શીખવાની હોંશ હશે તેમના માટે કંઈક કરીશું.'
'મારે તો આ બધાથી તદ્ન જુદી વાત કરવી છે…' સાવ ખૂણામાંથી અવાજ આવ્યો. એ અવાજ મૂષક મોંફાટનો હતો. મોંફાટ નામ પ્રમાણે જ ગમે ત્યારે ગમે તે પૂછીને સમાજના અગ્રણીઓને પરેશાન કરી દેતો. એ બોલવા ઉભો થયો કે પ્રમુખે પરસેવો લૂછ્યો. 'તમે બધાએ ભેગા થઈને નકલી ઘી, નકલી ચીઝ, નકલી પનીર, નકલી ગોળ એમ બધું બંધ કરાવી દીધું છે, પણ મારી રજૂઆત છે કે તમે આ નકલી ચીજવસ્તુઓ ચાલુ કરાવો. ને બીજી રજૂઆત એ છે કે આ નવી નવી ઉંદરોને આકર્ષતી ફ્લેવર્ડ કેક આજકાલ મળવા માંડી છે તેની સામે આંદોલન કરીને એને બંધ કરાવો. કેકથી ઉંદરો તુરંત ટપોટપ મરી જાય છે. નકલીથી એટલો વાંધો આવતો નથી. એની અસર કેક જેટલી કાતિલ નથી.'
મૂષક મોંફાટની આ રજૂઆત એટલી અસરદાર હતી કે આખાય ઉંદર સમાજે સૂત્રોચ્ચાર કર્યોઃ
'નકલી પનીર-ચીઝ-ઘી શરૂ કરાવો!'
'ફ્લેવર્ડ કેક બંધ કરાવો!'
'નકલી પનીર-ચીઝ-ઘી શરૂ કરાવો!'
'ફ્લેવર્ડ કેક બંધ કરાવો!'
માહોલ બદલાતો જોઈને સંચાલક આફતકુમાર ઉંદરે જાહેરાત કરીઃ 'દોસ્તો! આપણાં અગ્રણીઓ આ બધી જ રજૂઆતો પર ધ્યાન આપશે, પણ સમયના અભાવે આજે આ સંમેલન પૂરું કરીએ છીએ. સૌ રૂચિ પ્રમાણે ભોજન ગ્રહણ કરી શકે છે.'
ભોજનની જાહેરાત થતાં જ સૂત્રોચ્ચારો બંધ કરીને ઉંદરોએ કાઉન્ટર તરફ દોડ લગાવી દીધી…