Aapna to adhar vanka

શ્રાવણિયો જુગારઃ બબ્બન બિલાડા માટે એક્સ્ટ્રા ઈનકમની સીઝન

By GS Team
3 Sep 20264 mins read
TukuTouch Logo
અષ્ટાવક્ર જંગલના સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાએ શ્રાવણિયા જુગારનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. જન્માષ્ટમી પૂર્વે વરુ વાંકાના ઘરે ઘુવડ ઘંટાલ સહિત અનેક જુગારીઓ ભેગા થયા હતા. બગલા બાતમીદારની જાણકારી આધારે, બબ્બન બિલાડાએ કેટ કમાન્ડોઝ સાથે દરોડો પાડી તમામને ઝડપી લીધા. ત્યારબાદ, મોટાપાયે 'તોડ' કરી તેણે જુગારીઓને છોડી દીધા અને પોતે સારી એવી કમાણી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રાવણિયો જુગારઃ બબ્બન બિલાડા માટે એક્સ્ટ્રા ઈનકમની સીઝન
  • આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
  • જંગલના સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાએ શ્રાવણિયા જુગાર આધારિત આખું નેટવર્ક ખડું કર્યું હતું. તેના બાતમીદારો આખાય જંગલમાં ફરીને જુગારીઓની જાણકારી મેળવતા હતા

'આજે ક્યાં ત્રાટકવાનું છે?' બબ્બન બિલાડાએ બગલા બાતમીદારને ફોન કર્યો. બગલાની ખાસિયત એ હતી કે તે ચારેબાજુ ફરતો હતો ને બધી જ ગુપ્ત જાણકારી સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને આપી દેતો. બદલામાં બબ્બન એને સારું એવું કમિશન આપતો.
'ઘુવડ ઘંટાલ ને તેની આખી ટોળકી મધરાતે વરુ વાંકાના ઘરમાં જુગાર રમવાની છે.' બગલા બાતમીદારે ફોનમાં ખૂબ ધીમા અવાજે જાણકારી આપી, 'મોટાપાયે ગેસ્ટ હાજર રહેવાના છે.'
'વેરી ગુડ!' બબ્બન બિલાડાએ મનોમન આયોજન ગોઠવીને ફોન મૂક્યો.
સુરક્ષા અધિકારી બબ્બન બિલાડો જંગલમાં બધાં જ કામો કરતો. વીઆઈપી બંદોબસ્ત ગોઠવવાનો હોય કે ઉત્પાત મચાવતા ઉંદરોના એન્કાઉન્ટર કરવાના હોય, આંદોલનોને ડામવાના હોય કે બબલુ બંદર જેવા માથાભારે નબીરાઓને સીધા કરવાના હોય, એલિફન્ટ આલ્કોહોલિકને પકડવાનો હોય કે બુટલેગર પપીહા પિયક્કડને ઝડપી લેવાનો હોય - બધા કામ બબ્બન બિલાડો કરી આપતો. રાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈ સુધી તેની પહોંચ હતી એટલે જંગલમાં એની જબરી ધાક હતી. જંગલની સરકાર તેને ખૂબ ઊંચો પગાર આપતી હતી. એ સિવાયના કેટલાય ધંધામાં તેની હિસ્સેદારી હતી. જાત-ભાતની રીતો અજમાવીને તે કમાતો હતો. તેણે ખાસ કેટ કમાન્ડોઝની ટીમ તૈયાર કરી હતી. એ ટીમ એન્કાઉન્ટરથી લઈને તમામ કામોમાં ભારે હોંશિયાર હતી.
કેટ કમાન્ડોઝની ટીમને સાથે રાખીને જ બબ્બન બિલાડો દર વર્ષે શ્રાવણિયા જુગાર સામે કેમ્પેઈન કરતો હતો. શ્રાવણિયો જુગાર બંધ કરાવીને જંગલમાં જુગાર બંધ કરાવવાનું તેનું કોઈ આયોજન ન હતું. આ કામ તો એ એક્સ્ટ્રા ઈનકમ માટે કરતો હતો. જંગલમાં જુગારની લોકપ્રિયતા તો સદીઓથી હતી. સરકારી પ્રતિબંધ હોવા છતાં વર્ષભર ક્યાંક ને ક્યાંક જુગાર રમાતો રહેતો હતો. પરંતુ શ્રાવણિયા જુગારની વાત જ અલગ હતી. ખબર નહીં કેમ, પણ જંગલમાં શ્રાવણિયા જુગારના ચાહકોનો પાર ન હતો. એટલે કમાણીનો સ્કોપ પણ ઘણો હતો. બબ્બન બિલાડો દર વર્ષે બીજાં ૧૭ કામો મૂકીને શ્રાવણિયા જુગારીઓને પકડી લેવા આયોજનો કરતો. પછી તોડ કરીને એમાંથી મોટી રકમ કમાતો ને કેટ કમાન્ડોઝને પણ હિસ્સો આપતો. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ. ભક્તિભાવ ધરાવતા સૌ જંગલવાસીઓ એક તરફ કૃષ્ણ જન્મની ઉજવણી કરતા હોય ને બીજી તરફ રજાઓના માહોલમાં શ્રાવણિયા જુગારીઓ આ બે-ત્રણ દિવસ તો દિવસ-રાત, થાક્યા વગર કલ્પના બહારનો જુગાર રમતા.
બગલા બાતમીદારે જાણકારી આપી તેના આધારે બબ્બન બિલાડાએ તમામ જુગારીઓને રોકમ રકમ સાથે ઝડપી લેવા જડબેસલાક આયોજન કર્યું. કેટ કમાન્ડોઝની ટીમમાંથી બે-ત્રણ બિલાડાઓને ગુપ્ત રીતે, સાદા ડ્રેસમાં વોચ ગોઠવવાનું કામ સોંપી દીધું. ઘુવડ ઘંટાલ વિશિષ્ઠ પ્રકારના લીંબુના ઝાડ ઘંટાલી પર રહેતો હતો. એ ઝાડ પર બીજા ઘુવડોને ભેગા કરીને એ રાત રાતભર જુગાર રમતો હતો. જુગારમાંથી ખૂબ કમાયો હતો અને ગળામાં સોનાનો જાડો-વજનદાર ચેન, પંજાઓમાં ભારેખમ સોનાની વીંટીઓ પહેરીને વટ પાડતો હતો. બગલાની બાતમી પ્રમાણે જ વરુ વાંકાના ઘરે ઘુવડ ઘંટાલ સાંજથી આવી પહોંચ્યો. બીજા ઘુવડોય આવ્યા. ધીમે ધીમે બીજા શોખીનો આવવા માંડયા. ખૂબ સીધા-સાદા લાગતા બાબાલાલ બકરાથી લઈને મહાસીર માછલો, ચક્રધર ચકલો પણ વરુ વાંકાના ઘરે જોવા મળ્યા. વરુ વાંકો કેફે-રેસ્ટોરન્ટ ચલાવતો હતો અને વારે-તહેવારે આ સૌ મિત્રો માટે પાર્ટીની વ્યવસ્થા કરતો હતો. વરુએ આગ્રહ કરીને ઘુવડ ઘંટાલ સાથે એક-એક બાજી રમવા આ સૌને બોલાવ્યા હતા.
એક તરફ હરણીઓ હળવો ડાન્સ કરતી હતી, બીજી તરફ ચટાકેદાર વાનગીઓ પીરસાતી હતી. એ બધાની સાથે જુગારની રંગત જામી હતી. ચડસાચડસીની બાજીઓ રમાતી હતી. કોઈ હારતું હતું તો કોઈ જીતતું હતું. હારમાં ગુમાવેલી રકમ પાછી મેળવવા બમણી રકમની ચાલ ચલાતી હતી. ઘુવડ ઘંટાલ અજબ છટાથી બેસીને જુગાર રમતો હતો. ત્યાં એકાએક વરુના ઘરમાં કોલાહલ મચી ગયો. બબ્બન બિલાડો તેની આખી ટીમ સાથે ત્રાટક્યો ને સૌ જુગારીઓને પકડી લીધા. બાબાલાલ બકરાથી માંડીને મહાસીર માછલો, ચક્રધર ચકલો તો બબ્બન બિલાડા સામે કરગરી પડયાઃ 'અમે તો વરુની મિત્રતામાં આવ્યા હતા. હવે નહીં કરીએ. આજે જવા દો!'
પણ એમ જવા દે બબ્બન બિલાડો શાનો? તેણે કેસ કરવાની ને જેલમાં પૂરી દેવાની ધમકી આપી. ફોન જપ્ત કરીને ઘરમાં સૌને ફોન કરવાની ધમકી પણ આપી દીધી. સૌ શ્રાવણિયા જુગારીઓએ બબ્બન બિલાડાને 'સમજી લેવા'ની વિનંતી કરી. ઘુવડસમાજના પ્રમુખ ઘુટનભાઈ ઘુવડનો નબીરો પણ આ ગેંગમાં હતો. તેણે હતી એટલી બધી જ રકમ બબ્બનને આપી દીધી એટલે એ છૂટી ગયો.
આ બધું ચાલતું હતું ત્યાં ઘુવડ ઘંટાલે બબ્બન બિલાડાને ફોન આપ્યો, 'વાત કરો!'
સામેથી અવાજ આવ્યો, 'ઘુવડ ઘંટાલ આપણું સોશિયલ મીડિયા જુએ છે.'
'જી સર!' બબ્બન બિલાડાએ ભારે વિનમ્રતાથી કહ્યું ને પછી હળવેકથી ઉમેર્યું, 'બાકીના બધા?'
સામેથી અવાજ આવ્યો, 'એ તું તારી રીતે જોઈ લે!'
કલાક પછી સાતમની રાતે બબ્બન બિલાડો મોટી રકમ લઈને વરુના ઘરેથી નીકળતો દેખાયો…