બંજર-ગંજરના આંદોલન વચ્ચે રાજા સિંહનો નવો જ રાજકીય દાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- વિપક્ષના નેતા સસલાભાઈના સમર્થનથી જંગલના એક વિસ્તારમાં મુખ્યમંત્રી બનેલા ઝરખ ઝટપટ સામે સિંહના ઈશારે વિદ્યાર્થી નેતા પાડાકુમાર પીંજણનું આંદોલન
બંજર-ગંજરના મેદાનમાં વિદ્યાર્થીઓની માંગણી બાબતે ભૂખ હડતાલ કરી રહેલા શાન દીપડાને રાજા સિંહની સરકારે ઉઠાવી લીધો એ પછી તો વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ હતો. કોકરોચ પાર્ટીના સ્થાપક પ્રમુખ કોકરોચ કચવાટિયાએ રાજા સિંહના દરબાર સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરી એટલે બંજર-ગંજરમાં જંગલના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા હતા. ભીડ જામવા લાગી તેનાથી પોરસાઈને કોકરોચ કચવાટિયાએ ફરીથી પોતાની પાંચ મુખ્ય માંગણી જાહેર કરીને આંદોલન કરતાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સિંહના દરબાર સુધી માર્ચ ન પહોંચે તે જંગલની આંતરિક બાબતોના મંત્રી અને સિંહના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈએ આયોજન કરી લીધું હતું. સિંહના દરબાર આસપાસ સરકારી અધિકારી મગર માથાભારે અને તેની ટીમને ગોઠવી દીધી હતી. આંદોલનકારીઓ પર દરિયાના પ્રદૂષિત પાણીનો મારો કરવાથી લઈને વંદાઓ પર સ્પ્રે છાંટવા સુધીના ઉપાયો થઈ ચૂક્યા હતા. પક્ષીઓને ઉડાડી મૂકવા માટે ઝેરી વાયુની વ્યવસ્થા થઈ હતી ને જરૂર પડયે પ્રદર્શનકારીઓ પર ફેંકવા માટે કચરો પણ એકઠો કરી રાખ્યો હતો. રીંછભાઈએ તો રસ્તામાં કાંટા સુદ્ધાં બિછાવી રાખવાની યોજના બનાવી હતી.
રીંછની આ બધી યોજનાઓથી રાજા સિંહને સંતોષ તો થયો હતો, પરંતુ શરૂઆતમાં કોકરોચ આંદોલન નિષ્ફળ જાય તે માટે સિંહને અંદરખાને મદદ કરનારા વિપક્ષના નેતા સસલાભાઈ હવે આડા ફાટયા એની ચિંતા રાજાને થતી હતી. વાઘ વિકરાળને મોકલીને બંજર-ગંજરના મેદાનમાંથી ભૂખ હડતાલ કરી રહેલા પહાડી દીપડા શાનને ઉઠાવી લીધો પછી જંગલના વિદ્યાર્થીઓમાં ગુસ્સો વધ્યો હતો. એનો લાભ લઈને વિપક્ષના નેતા સસલાભાઈ પણ મેદાનમાં આવ્યા હતા.
સસલાભાઈએ તો એક દિવસ છેક રાજા સિંહની ગુફાની સામે આવીને હતું એટલું બળ કરીને સૂત્રોચ્ચારો કર્યા હતા. કેટ કમાન્ડોએ ભારે મહેનત કરીને સસલાભાઈને ત્યાંથી દૂર હટાવ્યા, પણ સસલાભાઈ જે રીતે કેટ કમાન્ડો સામે ઝઝૂમ્યા એના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થયા. એ જોઈને જંગલના વિદ્યાર્થીઓ સસલાભાઈના વખાણ કરવા માંડયા. એકાએક સસલાભાઈની પોપ્યુલારિટી વધી ગઈ એ સિંહની આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યું. સામાન્ય દિવસોમાં દિવસભર બગાસા ખાઈને બોર થતાં સિંહની આંખોમાંથી જાણે ઊંઘ જ ગાયબ થઈ ગઈ. વિદ્યાર્થીઓના આંદોલનને તો રીંછભાઈ ગમે તેમ કરીને પહોંચી વળશે, પરંતુ સસલાભાઈ લોકપ્રિય થાય તો તેમને ચૂંટણીઓમાં મુશ્કેલી પડે.
સિંહે દિવસ અને રાત વિચાર્યા કર્યું. જંગલમાં પેપરલીકની ઘટનાઓ બીજે ક્યાં ક્યાં બની છે એ જોયું તો એમાં તમામ ઘટનાઓ સિંહ સમર્થિત મુખ્યમંત્રીઓ રાજ કરતા હતા એ પ્રદેશોમાં જ બની હતી. આંખો ઝીણી કરીને એક અહેવાલ જોયો તો ખ્યાલ આવ્યો કે સસલાભાઈના સમર્થનથી મુખ્યમંત્રી બનેલા ઝરખ ઝટપટના વિસ્તારમાં પણ વિદ્યાર્થીઓ થોડા સમય પહેલાં નારાજ હતા ને આંદોલન પણ કરી ચૂક્યા હતા. ઝરખ ઝટપટ તેના સમાજના બધા જ ઝરખોથી તેજ હતો. તે રાજકીય રીતે પણ ઘણો ચપળ ગણાતો હતો. સસલાભાઈ વર્ષોથી ઝરખને સમર્થન આપીને તેને જ મુખ્યમંત્રી બનાવતા હતા.
થોડા સમય પહેલાં જ ઝરખ ઝટપટ સામે પાડાકુમાર પીંજણે દેખાવો કર્યા હતા, પણ ઝરખ ઝટપટે આંદોલન આગળ વધે તે પહેલાં જ ઠારી દીધું હતું. સસલાભાઈના મુખ્યમંત્રીઓ બહુ ઓછા વિસ્તારોમાં રાજ કરતા હતા. ઝરખને બાદ કરતાં ક્યાંય છેલ્લા મહિનાઓમાં આંદોલનની ઘટનાઓ બની ન હતી. આ અહેવાલ જોઈને એકાએક સિંહના દિમાગમાં ઝબકારો થયો. તાત્કાલિક સિંહે પાડાસમાજનો એક્ટિંગ પ્રેસિડેન્ટ અને પાર્ટીનો નેતા પાડા પંચાતિયાને મળવા બોલાવ્યો.
'તું પાડાકુમાર પીંજણને ઓળખે છે? ઝરખ ઝટપટના વિસ્તારમાં રહે છે.' પાડો પંચાતિયો દરબારમાં હાજર થયો કે રાજાએ એક મિનિટ પણ બગાડયા વગર મૂળ વાત કરી.
'જી મહારાજ! એ તો આપણી પાર્ટીની વિદ્યાર્થી પાંખમાં કામ કરે છે. મારો દૂરનો ભત્રીજો છે. ખૂબ જિદ્દી છે. પીંજણ કરવામાં એ માહેર છે.' પાડા પંચાતિયાએ ઉમેર્યું, 'ઝરખ ઝટપટના વિસ્તારમાં એક પરીક્ષા લેવાઈ તેમાં ગરબડો થઈ હતી. એ બાબતે તેણે આંદોલન પણ કર્યું હતું. એના ફોટો-વીડિયો મને મોકલતો હતો.'
'વેરી ગુડ! તું અત્યારે જ એની પાસે જા. એને જોઈએ એટલા વિદ્યાર્થીઓ આપણી વિદ્યાર્થી પાંખમાંથી મોકલ. હું ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા સાથે વાત કરીને કટ્ટર સમર્થકો મોકલવાની વ્યવસ્થા કરું છું. તું એને કહે કે ઝરખ ઝટપટ સામે મોટાપાયે આંદોલન કરે!'
'માફ કરશો મહારાજ! તેણે અગાઉ આંદોલન કર્યું ત્યારે તેની બે-ત્રણ શરતો ઝરખે માન્ય રાખી લીધી હતી.' પાડા પંચાતિયાની વાત કાપીને સિંહે આદેશ આપ્યો, 'તું એ બધી પંચાત રહેવા દે. મેં કહ્યું એટલું કર!' સિંહના આદેશ પછી તુરંત જ પાડો પંચાતિયો ઝરખના વિસ્તારમાં રવાના થયો. તેણે રાતોરાત સિંહના કહેવા પ્રમાણે આયોજન કરી નાખ્યું.
બીજા જ દિવસે 'જંગલ ન્યુઝ'માં લાઈવ કવરેજ શરૂ થયું, 'બંજર-ગંજરની જેમ હવે ઝરખ ઝટપટના વિસ્તારમાં પણ વિદ્યાર્થીઓનું આંદોલન… વિવિધ માંગણી સાથે પાડાકુમાર પીંજણ સહિત સેંકડો વિદ્યાર્થીઓનાં વિરોધ પ્રદર્શનો….'
'સસલાભાઈ તૈયાર રહેજો. મજા તો હવે આવશે.' ન્યૂઝ જોઈને રાજા સિંહ મનોમન બબડયા…









