કુખ્યાત ગેંગસ્ટર બબૂન બંદર જેલમાંથી પણ એક્ટિવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- સુરક્ષા અધિકારી બબ્બન બિલાડા સાથે ગાઢ સંબંધ હોવાથી ગેંગસ્ટર બબૂન બંદરને જેલમાંથી ગેંગ ઓપરેટ કરવાની સુવિધા મળતી હતી…
'સાંભળ્યુંને?' જંગલમાં અંદરોઅંદર ચર્ચા ચાલી, 'બી ગેંગ ફરી ત્રાટકી.'
'મેં હમણાં જ 'જંગલ ન્યૂઝ'માં જોયું. ઉભરતા એક્ટર ટાઈગર તિર્યકને બિચારાને 'બી ગેંગ'ના ફાઈટરોએ લમધારી નાખ્યો.' જંગલમાં ચારેબાજુ ટાઈગર તિર્યક અને બબૂન બંદરની જ ચર્ચા હતી. નૃત્ય કરતી વખતે આંખો અને ગરદન ત્રાંસી દિશામાં ફેરવવાની ક્રિયાને તિર્યક કહેવાતી ને એમાં યુવા ડાન્સર-એક્ટર ટાઈગરની ભારે કુશળતા હતી. તેથી એ ટાઈગર તિર્યકના નામે લોકપ્રિય હતો.
બબૂન બંદર જંગલનો કુખ્યાત ગેંગસ્ટર હતો. નાની-મોટી ચોરી કરીને તેની ક્રાઈમ કરીઅર શરૂ થઈ હતી. ચોરીમાં કુશળતા મેળવ્યા પછી એણે દારૂ-ડ્રગ્સ-ગોલ્ડની હેરાફેરી શરૂ કરી હતી. ધીમે ધીમે તેણે એના જેવા મહત્ત્વાકાંક્ષી બંદરોની વિશાળ ટોળકી બનાવી હતી. સામાન્ય ચોરમાંથી તેણે જંગલમાં મોટું નામ બનાવ્યું હતું. એ ખંડણી ઉઘરાવતો, અપહરણો કરતો, ડરાવવા-ધમકાવવાની સોપારી લેતો. બબૂનના નામ પરથી તેની ગેંગનું નામ પડયું હતું - બી ગેંગ.
બબૂનનો હાહકાર વધ્યો ને જંગલવાસીઓએ તેની ખૂબ ફરિયાદો કરી. ચૂંટણી આવતી હતી એટલે જંગલવાસીઓનો આક્રોશ શાંત કરવા માટે મહારાજ સિંહના અંગત રાજકીય સલાહકાર અને જંગલનું આંતરિક મંત્રાલય સંભાળતા રીંછભાઈએ સ્પેશિયલ સુરક્ષા અધિકારી વાઘ વિકરાળને કામ સોંપ્યું. વાઘ વિકરાળે એક દિવસ બબૂનને ઝડપીને રીંછભાઈને સોંપી દીધો ને ત્યારથી બબૂન જેલમાં બંધ છે. રીંછભાઈ ખુદ તેના પર નજર રાખી રહ્યા છે એમ કહેવાય છે.
જોકે, વિપક્ષના નેતા સસલાભાઈ અને કાચબાભાઈ કકળાટિયા તો એવો જ આરોપ મૂકતા કે જંગલની સરકાર બબૂનને જેલમાં જ ગેંગ ચલાવવાની સુવિધા આપે છે. આરોપ સાચો હોય એમ બબૂન જેલમાં હોવા છતાં તેની ગેંગ એક પછી એક મિશનો પાર પાડતી હતી. જંગલના સુરક્ષા અધિકારી બબ્બન બિલાડા સાથે બબૂનના સંબંધો બહુ જૂના હતા. બબૂન જ્યારે નાની-મોટી ચોરી કરતો ત્યારથી બબ્બન બિલાડાને હિસ્સો આપતો. બબ્બન ત્યારે જંગલના સુરક્ષા વિભાગમાં સામાન્ય કર્મચારી હતો ને એ વખતે બબૂન જે રકમ આપતો તે એને બહુ ઉપયોગી થઈ પડતી.
'ટાઈગર તિર્યક પર હુમલો થયો તે વખતેય 'બી ગેંગ' કોતરેલું કેળું મળ્યું હોં, દરેક વખતે હોય છે અદ્લ એવું જ.' જંગલવાસીઓ અંદરોઅંદર ચર્ચા કરતા હતા ત્યારે એકે ગેંગસ્ટર બબૂન બંદરથી પ્રભાવિત થઈને ઉમેર્યું, 'કહે છે કે એ પોતે કેળામાં 'બી ગેંગ' કોતરીને ફાઈરિંગ કરવા જતી ટીમને પોતાના પંજાથી આપે છે.' જંગલવાસીઓ વિલનોથી પણ પ્રભાવિત થતાં આવ્યા છે એનો પુરાવો આ ચર્ચામાંથી મળતો હતો.
'બબૂન એમ માને છે કે મનોરંજનનો અધિકાર માત્ર બબૂનોનો જ છે અને એ કારણે તે જંગલના મનોરંજન જગતના સૌને પજવતો રહે છે.' જંગલવાસીઓ વિલનોની આખી કુંડળી જાણી લેતા. એવા જ એક જાણકારે માહિતી આપી. વાત પણ સાચી હતી. મસ્તરામ મોરથી લઈને ડોન્કી ડિસ્કો સુધીના કલાકારોને બબૂન ધમકીઓ આપતો હતો.
'બબૂને કેળામાં સિમ્બોલ કોતરવા ખાસ મકાક મર્કટોની એક ટીમ તૈનાત રાખી છે. આ મર્કટો બબ્બે શિફ્ટમાં સતત કેળામાં 'બી ગેંગ' કોતરવાનું જ કામ કરે છે. મર્કટો એટલું ઝીણવટથી કામ કરે છે કે એક કેળામાં બી ગેંગનો સિમ્બોલ કોતરતા ૨૪ કલાક થાય છે. એ કેળું બબૂન બંદર પાસે સવારે ૧૦ના ટકોરે જોવા મોકલાય છે. સિમ્બોલ કોતરેલું કેળું જો ૧૦ને માથે ૨૦ મિનિટ સુધીમાં પાછું ન આવે તો સમજવાનું કે બબૂને તેને રીજેક્ટ કર્યું છે અને કેળું એણે ખુદ ખાઈ લીધું છે!' વાતો કરવામાં હોશિયાર એક પોપટે આખી વાત નાટયાત્મક રીતે કહી સંભળાવી.
'અરે! એવુંય સાંભળવા મળ્યું છે કે ફાયરિંગ કરવા જતી ટોળકીમાંથી જેને આ 'બી ગેંગ' કોતરેલું કેળું અપાય છે તે લકી ગણાય છે. ટોળકીની આગેવાની એ લકી બંદરે કરવાની હોય છે. કહે છે કે બબૂન બંદર જ્યારે બી ગેંગ કોતરેલું કેળું લઈને બહાર નીકળે છે ત્યારે તેને ખાસ પ્રકારનો ગેબી સંકેત મળે છે!' બબૂન પ્રત્યે અહોભાવ બતાવીને ડફી ડોગીએ વધુ એક દંતકથા ઉમેરી.
જેના પર હુમલો થયો હતો એ બિચારા એક્ટર ટાઈગર તિર્યક કરતાં જંગલમાં બબૂનની આવી ઘણી ચર્ચા ચાલતી હતી. જંગલની ફિલ્મોમાં હીરો ટાઈગર બનતો હતો, પણ જંગલવાસીઓ ગેંગસ્ટર બબૂનની વાતો હીરોની સ્ટાઈલમાં કરતા હતા. જોકે, કોઈને એ વાત સમજાતી ન હતી કે બબૂને ટાઈગર તિર્યક પર કેમ હુમલો કરાવ્યો. ટાઈગર તો કોઈ રીતે બબૂન સામે પડે એવો ન હતો. ઘણાં જંગલવાસીઓ કહેતા કે બબૂનને પકડનારા અધિકારી વાઘ વિકરાળનો નાતીલો હોવાથી ટાઈગર તિર્યકને નિશાન બનાવાયો. જોકે, તેને પણ કોઈ સત્તાવાર સમર્થન મળતું ન હતું.
જાત-ભાતની અફવાઓ વચ્ચે મધરાતે જેલમાં સુવિધાથી સજ્જ ઓરડીમાં બબૂને કોઈ સાથે એક ગુપ્ત બેઠક કરી.
આવનારે કહ્યું: 'ટાઈગરે ચૂંટણી ફંડ આપી દીધું છે. હવે હમણાં હુમલો ન કરતો. જરૂર પડયે હું તને આગળનો ટાસ્ક સોંપીશ.'
'જી સર!' બબલૂએ વંદન કરીને હુકમ માથે ચડાવ્યો.
હુકમ આપીને બહાર નીકળનાર એ આગંતુક હતા રાજા સિંહના અંગત વિશ્વાસુ રાજકીય સલાહકાર રીંછભાઈ…




