Aapna to adhar vanka

જંગલમાં નવરાત્રિ : માદાઓ રાત્રે ગરબે ઘૂમી શકે તે માટે દિવસે પાસ માટે ગોળગોળ ઘૂમતા નરો

By GS Team
15 Oct 20264 mins read
TukuTouch Logo
જંગલમાં નવરાત્રિનો તહેવાર હવે અર્થતંત્રને વેગ આપવામાં નિમિત્ત બને છે. ગુલામદાસ ગધેડા અને પપ્પુ પોપટની જોડી પાર્ટી પ્લોટ બિઝનેસમાં મોનોપોલી ધરાવે છે. હોંશીલી હરણી અને ડોન્કી ડિસ્કો જેવા કલાકારોના કારણે તેમના પાર્ટી પ્લોટના પાસની ભારે માંગ રહે છે. સવારથી સાંજ સુધી નરો પાસ મેળવવા દોડધામ કરે છે, જે જંગલની "પાસ ઈકોનોમી"નું મુખ્ય પાસું બની ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંગલમાં નવરાત્રિ : માદાઓ રાત્રે ગરબે ઘૂમી શકે તે માટે દિવસે પાસ માટે ગોળગોળ ઘૂમતા નરો
  • આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
  • સવારથી બપોર સુધી પ્રીમિયમ પાર્ટી પ્લોટના પાસની ડિમાન્ડ કરતાં નરો બપોર પછી સેમી-પ્રીમિયમ, સાંજે ઠીક-ઠાક પાર્ટી પ્લોટના પાસથી પણ ચલાવી લેતા ને મોડી સાંજે કોઈ પણ પાસ સ્વીકારી લેતા…

જંગલમાં નવરાત્રિ એક સમયે માતાજીની આરાધના માટે થતી. બધા પશુ-પંખીઓ, સરીસૃપો, દરિયાઈ જીવો, જંતુઓ સાથે મળીને માતાની સ્તૃતિઓ ગાતાં. ગરબા ગાઈને, ગરબે રમીને માતાને રીઝવતા. ગરબે રમવાની સાંસ્કૃતિક પરંપરા તો જંગલમાં સદીઓથી હતી, પરંતુ તેમાં મૂળ ભાવ શક્તિની ભક્તિનો હતો. જેને આજના મોડર્ન જંગલવાસીઓ દેશી ગરબા કે પ્રાચીન ગરબા કહે છે એ દેશી ગરબા ગણ્યાં-ગાંઠયા વાદ્યો સાથે ગવાતા. ગાનારા કે ઝીલનારા કોઈ તામજામ કરતા નહીં. ગાયનની હરકતો કરીને સાંભળનારાને આંજી દેવાની આવડત જૂના જમાનાના ગાયકોમાં નહોતી.
ગરબે રમવા માટેય ખાસ કોઈ મોટો ખર્ચ થતો નહીં. જેની પાસે જે પોશાક હોય એ પહેરીને ગરબે રમી શકાય ને વળી જંગલના જુદા જુદા વિસ્તારોમાં સાદગીથી નવરાત્રિ થતી એટલે ખરીદીને રમવા જવાનો તો કોઈ વિચાર જ એ સમયમાં ન હતો. જૂના જંગલવાસીઓ જૂની રીતે વિચારતા હતા. તેમનામાં કોઈ વેપારી સૂઝ નહોતી. નવરાત્રિમાં સેંકડો જંગલવાસીઓ ભાગ લેતા હોય ત્યારે એમાંથી અર્થતંત્રને વેગ આપી શકાય એવી દીર્ઘદૃષ્ટિનો જંગલમાં વર્ષો પહેલાં અભાવ હતો.
પૂર્વજોની અણઆવડતની કસર આધુનિક જંગલવાસીઓએ પૂરી કરી દીધી. આજના જંગલવાસીઓની અખૂટ દીર્ઘદૃષ્ટિથી નવરાત્રિનો તહેવાર હવે અર્થતંત્રને વેગ આપવામાં નિમિત્ત બને છે. કોઈ પણ પહેરવેશમાં ગરબા રમવાની જૂના જંગલવાસીઓની અણઘડ પદ્ધતિ નાબુદ કરીને મોડર્ન જંગલવાસીઓએ એમાં ખાસ પ્રકારના ટ્રેડિશ્નલ છતાં મોડર્ન પોશાકની વ્યવસ્થા કરી. ગરબે ઘૂમવા જવું હોય તો ટ્રેડિશ્નલ કપડાં ખરીદવા પડે. એનાથી ડિઝાઈનર ટેલર બર્ડનો ધંધો જામી પડયો. ખરીદવા ન હોય તો ભાડે પણ લઈ શકાય. ભાડે કપડાં અને એસેસરીઝ આપવાનો બિઝનેસ કરતી ચક્રી ચકલી પણ સારું એવું કમાઈ લેતી.
આ સિવાયના બિઝનેસ પર જંગલના સર્વાધિક ધનવાન ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડા અને તેના બિઝનેસ પાર્ટનર પપ્પુ પોપટની મોનોપોલી હતી. પપ્પુ પોપટે ગુલામદાસના રોકાણમાંથી જંગલમાં ઠેક-ઠેકાણે રેસ્ટોરાં-કેફે બનાવી દીધા હતા. નવરાત્રિ દરમિયાન માદાઓને તૈયાર થવામાં સમય લાગતો એટલે રસોડાં ઓલમોસ્ટ બંધ રહેતા. જંગલ ઘણી બાબતમાં મોડર્ન થયું હતું, પરંતુ નરોની રસોડાની માનસિકતા હજુ જૂની જ હતી. મોટાભાગના નરો માનતા કે રસોઈ બનાવવાનું કામ તો માદાનું જ હોય, તેના કારણે નવરાત્રિમાં માદાઓ બિઝી થઈ જાય એટલે રસોડા બંધ રાખવાની ફરજ પડતી. પરિણામે પપ્પુ પોપટનો ફૂડનો બિઝનેસ ધમધોકાળ ચાલતો.
નવરાત્રિમાં સૌથી મોટો બિઝનેસ હતો પાર્ટી પ્લોટનો. એમાંય પપ્પુ પોપટ અને ગુલામદાસ ગધેડાની જોડીની જ બોલબાલા હતી. પપ્પુ પોપટે સિંગર-ડાન્સર હોંશીલી હરણીને નવેનવ દિવસ માટે રોકી રાખી હતી. 'જંગલક્રશ' હોંશીલી હરણીના નામથી જ બધા પાસ ચપોચપ વેચાઈ જતાં. બીજા પાર્ટી પ્લોટમાં સિંગર ડોન્કી ડિસ્કો સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ બંને એકબીજાના પાર્ટી પ્લોટમાં કોલેબ કરતા એટલે બંને પાર્ટી પ્લોટના પાસની ડિમાન્ડ હતી.
આ ફેક્ટર્સના કારણે પપ્પુ પોપટ અને ગુલામદાસ ગધેડાના બિઝનેસમાં નવરાત્રિ દરમિયાન ભારે તેજી આવી જતી. સૌથી વધારે ડિમાન્ડ એના પાસની રહેતી. સવારથી ચારેબાજુ સોશિયલ મીડિયામાં, વોટ્સએપમાં પૂછપરછ થતી: આજના 'હોંશીલીના પાસ છે?' ઘણાં ડોન્કી ડિસ્કો ઉર્ફે ડીડીના પાસ માંગતા: 'ડીડીના ચાર પાસ મળે?' ચારેબાજુ આખો દિવસ બસ 'પાસ પાસ પાસ' જ થયા કરતું. જંગલમાં જેની પાસે પાસ હોય એ રાજા-મહારાજાની સ્ટાઈલથી વાતો કરે. ધનવાનો ગરીબોને ચીલ્લરનું દાન આપે એ અદામાં જેની પાસે પાસ હોય એ યાચકને તુચ્છ જીવ સમજીને પાસ આપે.
જંગલમાં નવરાત્રિથી અર્થતંત્રને વેગ મળતો એમાં બીજી બધી બાબતો એક તરફ અને એક તરફ માત્ર પાસ. જંગલમાં પાસ ઈકોનોમી એ મોટું ફેક્ટર હતું. પાસ મેળવવા એ નરોનું કામ ગણાતું. માદાઓ તો માત્ર ડિમાન્ડ કરતી: 'આજે હોંશીલી સાથે ગરબા કરવા છે… આજે ડીડી સાથે ગરબા ગાવા છે…' માદાઓની ડિમાન્ડ પ્રમાણે પાસ મેળવવા નરો સવારથી દોડધામ કરતા. પાસ મેળવવા માટે કવાયત કરતા નરોની એક ખાસ પેટર્ન જોવા મળતી. સવારે યાચક નરો પાસધારકો પાસે પાસની ડિમાન્ડ કરે ત્યારે પ્રીમિયમ પાસની ડિમાન્ડ હોય. બપોર પછી ડિમાન્ડમાં નરમાશ આવતી. પાસયાચક નરો સેમી-પ્રીમિયમ પાસ પણ સ્વીકારી લેતા. સાંજે એમનો સૂર વધારે દયામણો થતો, 'ઠીક ઠાક પાર્ટી પ્લોટના પાસ હોય તો પણ ચાલશે. આપણે કંઈ એવું નહીં… આ તો શું પાસ જોઈએ.. બસ.' સાંજ પછી એક તરફ માદાઓ પાસની વ્યવસ્થા ન થઈ હોવાથી મોં ફુલાવીને ફરતી હોય ને બીજી તરફ પાસની વ્યવસ્થા થતી ન હોય. એ સમયે નરો ગરીબડા થઈને યાચના કરતા: 'ક્યાંયના થાય એમ નથી? ગમે ત્યાંના ચાલે હોં આપણે.'
આ રીતે નરો શરીરથી, મનથી, ફોનથી જેમ શક્ય હોય એમ પાસની યાચના માટે ગોળગોળ ઘૂમતા રહેતા. તેમના માટે તો આ જ શક્તિની ભક્તિ હતી…