Aapna to adhar vanka

ઈટ્સ ડન, બાજ બ્રો!: વિપક્ષના નેતા સસલાભાઈનો બાજ સામે મોરચો

By GS Team
8 Oct 20264 mins read
TukuTouch Logo
જંગલમાં ચૂંટણી કમિશનર બાજ બારીકી સામે વિપક્ષના નેતા સસલાભાઈએ મોરચો માંડ્યો. સસલાભાઈનો આરોપ હતો કે બાજ બારીકી રાજા સિંહના ઈશારે મતદાર યાદીમાં ફેરફાર કરીને ચૂંટણીમાં ગેરરીતિ આચરે છે. સસલાભાઈએ "બાજ હટાવો! રાજ હટાવો!"નો નારો આપ્યો. આ બધાથી બાજને ચિંતા નહોતી, પણ એક ભેદી સોશિયલ મીડિયા પોસ્ટથી તે પરેશાન થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈટ્સ ડન, બાજ બ્રો!: વિપક્ષના નેતા સસલાભાઈનો બાજ સામે મોરચો
  • આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
  • જંગલના ચૂંટણી કમિશનર બાજ બારીકી સામે વિપક્ષના નેતા સસલાભાઈએ મોરચો માંડયો, પણ બાજને ખરી ચિંતા એક ભેદી સોશિયલ મિડીયા પોસ્ટથી થઈ…

જંગલમાં વારંવાર યોજાતી ચૂંટણીઓ નિષ્પક્ષ થાય તે માટે બાજ સમાજને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રાણીઓ, પંખીઓ, સરીસૃપો, કીટકો, દરિયાઈજીવો એમ તમામ પ્રકારના સજીવોએ બાજ ચૂંટણી યોજે તેમાં સંમતિ આપી હતી. બાજની નજર ખૂબ તેજ હતી. એ આખુંય જંગલ એક નજરમાં સ્કેન કરી શકે. તેથી ચૂંટણી વખતે થતી ચાલબાજી બાજની નજરથી બચી શકે નહીં. આકાશમાં ઉડતા બાજની નજર જંગલના ખૂણે-ખૂણે તો હોય જ, સમુદ્રના પેટાળમાં પણ એક આંખ ફરતી હોય. આ બધા કારણોથી જંગલની જેટલી પણ ચૂંટણીઓ યોજાય તેની જવાબદારી બાજ સમાજ પર રહેતી.
બાજ સમાજે પણ આંતરિક વ્યવસ્થા ગોઠવી હતી. આખો બાજ સમાજ ચૂંટણીમાં રોકાય ન જાય તે માટે બાજ સમાજે મુખ્ય ત્રણ બાજોને પસંદ કરીને તેને ચૂંટણીની જવાબદારી સોંપવાનું આયોજન કર્યું હતું. ત્રણમાંથી એક બાજ પાસે વધારે સત્તા રહેતી. તેને 'મુખ્ય ચૂંટણી કમિશનર' એવું પદ આપવામાં આવ્યું હતું. જંગલમાં રાજાની ચૂંટણી થાય તે ઉપરાંત પણ જુદા જુદા ભાગોમાં મુખ્યમંત્રીઓની ચૂંટણી થતી. એવી રાજા સિવાયની ચૂંટણીઓની જવાબદારી બાજોની બનેલી એક ટીમના માથે રહેતી અને એ તમામ પેલા ત્રણ બાજો જેમ કહે એમ કરતા. વર્ષોવર્ષ આ પ્રમાણે ચાલતું.
જંગલવાસીઓને, નેતાઓને બાજ સમાજ પર પૂરો ભરોસો રહ્યો, પરંતુ નેતાઓની જનરેશન ચેન્જ થઈ ને સામે બાજોની પણ જનરેશન બદલાઈ. ચૂંટણીમાં બાજો થોડું નરમ વલણ રાખે તે માટે નેતાઓ તેમને ગિફ્ટ આપવા લાગ્યા, બીજી પણ સગવડો આપવા માંડયા. બાજોને પણ ધીમે ધીમે સમજાયું કે તેમનું પદ તો બહુ મહત્ત્વનું છે અને ધારે તો ઘણી સવલતો મેળવી શકે તેમ છે. જે બાજોને આ વાત સમજાઈ ગઈ તે બાજોએ જંગલના રાજાઓ સાથે સંબંધો વિકસાવ્યા. એમાંય મુખ્ય ત્રણ બાજોમાંથી એક પાસે સૌથી વધુ સત્તા હતી, જેને જંગલવાસીઓ ચૂંટણી કમિશનર કહેતા એ બાજને તો સમજાઈ ગયું કે પ્રવાહ હોય એ તરફ થોડું નમી જવાથી તેમને ધારણા બહારના લાભો મળી શકે છે.
આવું સમજી ચૂકેલા એક બાજનું નામ હતું બાજ બારીકી. ખૂબ જ બારીકાઈથી આસપાસની ઘટનાઓ સૂંઘીને નિર્ણયો લેવાની કુશળતા હોવાથી મુખ્ય ચૂંટણી કમિશનર બાજને જંગલવાસીઓ બાજ બારીકીના નામથી ઓળખવા લાગ્યા હતા. ચૂંટણી યોજાવાની હોય તે પહેલાં જ મતદાનની પેટર્ન બાજ બારીકી સમજી જતા. જંગલના જે વિસ્તારમાં ચૂંટણી થવાની હોય તે વિસ્તારમાંથી બાજ બારીકી એક વખત ઉડે ને નીચેનું નિરીક્ષણ કરે એટલે તરત જ સમજી જાય કે મતદાન વખતે શું થશે.
આવી અદ્ભુત ક્ષમતા ધરાવતા બાજ બારીકીની એક પેટર્ન વિપક્ષના નેતા સસલાભાઈના ધ્યાનમાં આવી. જંગલમાં કોઈ સ્થળે ચૂંટણી થવાની હોય તે પહેલાં બાજ બારીકી રાજા સિંહના દરબારમાં જઈને શુભેચ્છા મુલાકાત કરતા. સસલાભાઈને આ મુલાકાત કંઈ ભેદી લાગતી હતી. એક વખત સસલાભાઈએ આખી પેટર્નનો અભ્યાસ કર્યો તો જણાયું કે રાજા સિંહ અને બાજ બારીકીની મુલાકાત બાદ મતદાર યાદીના નામમાં ફેરફાર થઈ જતો. સસલાભાઈએ ઘટસ્ફોટ કર્યોઃ 'બાજ બારીકીને રાજા સિંહે કહેલું, બહારના ઘણાં પશુ-પંખીઓ અહીં આવીને મતદાન કરી જાય છે. તેમનું કંઈક કરો. આ વાતચીત પછી બાજે મતદાર યાદીમાંથી ઘણાં નામ કાઢી નાખ્યા. જે નામો બાકાત થયા એમાં તો જેમનો જન્મ જ આ જંગલમાં થયો છે એવા નામો પણ નીકળી ગયા.'
સસલાભાઈની પાર્ટીના નેતાઓ જ અત્યાર સુધી માનતા હતા કે સસલાભાઈમાં આવડતનો અભાવ હોવાથી તેમની પાર્ટી ચૂંટણી હારી જાય છે. સસલાભાઈના મિત્રો જેવા કે કાચબાભાઈ કકળાટિયા, બારહસિંગાભાઈ વગેરે પણ એમ જ માનતા હતા, પરંતુ સસલાભાઈએ આ દાવો કર્યો પછી પહેલી વખત આ વાત સાચી લાગી. એનું એક કારણ એ પણ હતું કે કાચબાભાઈ અને બારહસિંગા ભાઈ પણ પોતપોતાના વિસ્તારની ચૂંટણી હારી ગયા હતા. પોતાના માથે અપજશ આવે તેના કરતાં ચૂંટણી કમિશનર મતદાર યાદીમાંથી તેમના સમર્થકોના નામ હટાવી નાખે છે એ કારણ તેમને વધારે યોગ્ય જણાતું હતું.
સસલાભાઈએ એક દિવસ જાહેરાત કરીઃ 'હું બાજ બારીકી સામે દેખાવો કરીશ.' તેમણે સોશિયલ મિડીયામાં બાજ બારીકીને ટેગ કરીને લખ્યુંઃ 'ઈટ્સ ડન, બાજ બ્રો! યુ વિલ હેવ ટુ રિઝાઈન.'
બાજ બારીકી સામે સસલાભાઈએ મોરચો માંડયો એ જોઈને વિપક્ષના બીજા નેતાઓએ પણ તેમને સહયોગ આપ્યો. બાજ બારીકી સિંહના ઈશારે કામ કરે છે એવા આરોપમાં સૌ વિપક્ષના નેતાઓ સહમત થયા. સસલાભાઈએ નારો આપ્યોઃ 'બાજ હટાવો! રાજ હટાવો!' સસલાભાઈએ આ નારો આપીને બાજને હટાવવાની સાથે સાથે રાજા સિંહનું રાજ હટાવવાનું આહ્વાન કર્યું.
સસલાભાઈએ તેમના સમર્થકો સાથે આખું જંગલ ગજવી દીધું, પણ બાજને કોઈ ચિંતા ન હતી. રાજા સિંહે ખાનગીમાં કહી રાખ્યું હતુંઃ 'ડોન્ટ વરી!'
…ત્યાં એકાએક કોકરોચ કચવાટિયાએ પોસ્ટ મૂકીઃ 'બાજ હટાવો!'
કોકરોચે આ જ રીતે શિક્ષણ મંત્રી કાચિંડા કાંટાવાલાનો કાંટો કાઢ્યો હતો એ યાદ આવતા પહેલી વખત બાજને પરસેવો વળ્યો…