અસલી ન હોય તો નકલી વીજળી આપો! : વીજ કટોકટીથી ત્રાસેલા જંગલવાસીઓની માંગણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- 'અમે સેવા-સંકલ્પ અભિયાન ચલાવી રહ્યા છીએ. એમાંથી ફ્રી થઈને તુરંત વીજળી અંગે વિચાર કરીશું': રાજા સિંહની પાર્ટીના અધ્યક્ષ ઘુડખર ઘોંઘાટિયાની જંગલવાસીઓને અપીલ
રાજા સિંહ વારે-તહેવારો આંકડો જાહેર કરતા કે જંગલ વીજળીમાં આત્મનિર્ભર બની ગયું છે. જંગલમાં વીજળી બનાવવા એવી એવી ટેકનોલોજી વપરાતી કે પૂછો વાત. પાણીમાંથી વીજળી બનતી, હવામાંથી વીજળી બનતી, સૂર્યપ્રકાશમાંથી વીજળી બનતી. દિવસે વીજળી બનતી, રાતે વીજળી બનતી. સવારે વીજળી બનતી, સાંજે વીજળી બનતી. વીજળી નિર્માણનો આ સરકારી પરિશ્રમ જોઈને જંગલવાસીઓ નિરાંત અનુભવતા.
જંગલમાં વીજળીનું અવિરત ઉત્પાદન થતું હતું એનું જંગલવાસીઓને આશ્ચર્ય ન હતું, આશ્ચર્ય એ હતું કે અચાનક સરકારે જાહેર કર્યું: 'જંગલમાં વીજ કટોકટી સર્જાઈ છે. સૌ સાથે મળીને આપણે આ કટોકટી સામે લડીશું. આપ જંગલવાસીઓ હંમેશા રાખો છો એમ ધીરજ રાખશો. અમારા માર્ગદર્શનની રાહ જુઓ. ટૂંક સમયમાં વીજ કટોકટી સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર થઈ જશે.'
જંગલમાં આટલી વીજળી બનતી હતી તો અચાનક શું થયું એ સવાલ સૌને પરેશાન કરતો હતો. એમાંય જંગલના અમુક વિસ્તારોમાંથી વીજળીની નિકાસ બીજા વિસ્તારોમાં થતી હોવાનું ગૌરવપૂર્વક કહેવામાં આવતું હતું. જંગલમાં દિવસ અને રાત વીજળી મળતી હોવાની જાહેરાતો ચૂંટણી સમયે થતી હતી. તે એટલે સુધી કે રાજા સિંહ સમર્થિત અમુક નેતાઓ તો સતત વીજળી મળતી હોવાના નામે જ ચૂંટાઈ જતા હતા. રાજા સિંહ ખુદ એક પોસ્ટર ચૂંટણી વખતે બતાવતા હતા. જેમાં જંગલનો એક વિસ્તાર ઝળાંહળાં થતો હોય ને બીજો વિપક્ષ શાસિત પ્રદેશ અંધકારયુગમાં જીવતો હોય. આ પોસ્ટર તો મહારાજા સિંહના ચૂંટણી પ્રચારના શ્રેષ્ઠ વ્યૂહમાં સ્થાન પામતું હતું.
રાજા સિંહ પોતાને દીર્ઘદૃષ્ટા રાજા માનતા હતા અને તેમના સમર્થિત મુખ્યમંત્રીઓ પણ રાજા સિંહની આ વાત ઓલમોસ્ટ માની ગયા હતા. રાજા સિંહના વિશ્વાસુ નેતાઓ, સલાહકારો, શુભેચ્છકો, ગુરુઓ એ વાતે સહમત હતા કે રાજા સિંહ પાસે દરેક સમસ્યાના ઉકેલની એક ખાસ દૃષ્ટિ છે, ખાસ પેટર્ન છે. એની મદદથી રાજા સિંહ દરેક સમસ્યાનો ઉકેલ લાવી દેતા. રાજા સિંહની પાર્ટીના મુખ્યમંત્રીઓ પણ જ્યારે આવી કોઈ મુશ્કેલીમાં મૂકાતા ત્યારે એ રાજા સિંહની પેટર્નનો અભ્યાસ કરતા. રાજા સિંહ કેવી રીતે વિચારે એનું મનોમંથન કરતા ને એમાંથી અદ્લ રાજા સિંહની સ્ટાઈલમાં ઉકેલ કોઈ શોધી કાઢતા. જંગલના જે વિસ્તારોમાં વીજળીની કટોકટી સર્જાઈ હતી એમાં પણ આવા જ રાજા સિંહની સ્ટાઈલના ઉકેલો શોધી કાઢવામાં આવ્યા.
એમાંના બે સૌથી અગત્યના ઉકેલો હતો:
ફરજિયાત વીજળી કાપ.
મરજિયાત વીજળી કાપ.
જંગલના અધિકારીઓ, જંગલના નેતાઓ આ બે થિયરી વિશે જંગલવાસીઓમાં જાગૃતિ આવે તે માટે દિવસ-રાત પ્રયાસો કરવા લાગ્યા. તેમણે જંગલવાસીઓને સમજાવ્યું: 'જુઓ આ વીજ કટોકટીમાંથી આપણે સૌએ સાથે મળીને બહાર નીકળવાનું છે. અમે તમને કહેતા જઈશું એમ તમે કરશો તો આપણે રોગચાળાને હંફાવ્યો એમ આ વીજ કટોકટીને પણ હંફાવી દઈશું.'
રાજા સિંહની પાર્ટીનું આખું પ્રચારતંત્ર ભરપૂર વીજળીના ઉપયોગથી ઓનલાઈન પ્રચાર કરવા માંડયું. ફરજિયાત અને મરજિયાત વીજળી કાપનો કેવી રીતે અમલ કરવો તેની વિગતવાર સૂચના આ પ્રમાણે હતી: 'ફરજિયાત વીજળી કાપમાં આપ જંગલવાસીઓએ કશું કરવાનું નથી. માત્ર સહનશક્તિ કેળવવાની છે. આમ તો રાજા સિંહની આત્મનિર્ભર યોજનાના કારણે આપ જંગલવાસીઓમાં એ આવી જ ચૂકી છે, છતાં એને જાગૃત કરવાની છે. ફરજિયાત વીજળી કાપમાં જે કરશે તે સરકારીતંત્ર કરશે. સરકારી વીજળી વિભાગ દિવસમાં અમુક કલાકો વીજળી સદંતર કાપી નાખશે. તમે એ મૂંગા મોંએ સહન કરી લેશો તો એ જંગલભક્તિ જ ગણાશે. આપણાં ઘોડાઓ કેવી કેવી અગવડ વેઠીને આપણી સરહદોની રખેવાળી કરે છે. શું આપણે આટલું નહીં કરી શકીએ?' રાજા સિંહના પ્રચારતંત્રનું સૂત્ર આ એક વાક્ય બની રહેતું. જંગલવાસીઓ ઘોડાઓની વાત સાંભળીને ઈમોશનલ થઈ જતાં.
મરજિયાત વીજળી કાપની સૂચનામાં કહેવાયું: 'જે કલાકો દરમિયાન વીજળીનો કાપ ન હોય ત્યારે તમારે આ વિકલ્પ પસંદ કરવાનો છે. તમારે તમારી પસંદથી વીજળી વાપરવાની નથી. ટીવી બંધ રાખો, બલ્બ બંધ રાખો, રેફ્રિજરેટર, પંખા, એસી બધું બંધ રાખો. માત્ર મોબાઈલ ચાર્જ કરો કે જેથી અમે તમારા સુધી જરૂરી પ્રચાર પોસ્ટ પહોંચાડી શકીએ. તમે ફરજિયાત અને મરજિયાત વીજકાપનું પાલન કરશો તો આપણે આસાનીથી આ કટોકટીને હંફાવી દઈશું.'
મોટાભાગના જંગલવાસીઓને આ મેથડ બરાબર લાગી, પરંતુ અમુક અવળચંડા ને દરેક બાબતમાં અવાજ ઊંચો કરીને વાત કરતા જંગલવાસીઓએ કહ્યું, 'અસલી વીજળી ન હોય તો બીજી ચીજવસ્તુઓની જેમ અમને નકલી વીજળી આપો, પણ વીજળી આપો. અમે આ ચલાવી નહીં લઈએ.'
સોશિયલ મિડીયામાં આવી પોસ્ટ થતી જોઈને રાજા સિંહની પાર્ટીના અધ્યક્ષ ઘુડખર ઘોંઘાટિયાએ મોરચો સંભાળ્યો. તેમણે જંગલવાસીઓને સમજાવતા લખ્યું: 'અમે સેવા સંકલ્પ અભિયાન ચલાવી રહ્યા છીએ એ કોના માટે? તમારા માટે જંગલવાસીઓ તમારા માટે… બસ આ અભિયાન પૂરું થઈ જવા દો પછી અમારી સરકાર વીજળીની કટોકટી સામે મજબૂત પગલાં ભરશે.'
આ પોસ્ટ તો જંગલમાં વાયરલ થઈ ગઈ. તે એટલે સુધી કે રાજા સિંહે એમાં લખ્યું: 'વેલડન, ઘુડખર… વેલડન!'




