Aapna to adhar vanka

શ્રાદ્ધપક્ષમાં કાગડા સમાજ ભેદી રીતે ગાયબ

By GS Team
1 Oct 20264 mins read
શ્રાદ્ધપક્ષમાં કાગડા સમાજ ભેદી રીતે ગાયબ
  • આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
  • કાગડા સમાજને શ્રાદ્ધનું ભોજન ખવડાવવા માટે જંગલવાસીઓ શ્રાદ્ધપક્ષમાં સવારથી કાલાવાલા કરવા લાગે છે, પણ કાગડાઓએ આ વર્ષે ભાવ આપવાનું બંધ કર્યું…

જંગલમાં શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસો એટલે કાગડા સમાજ માટે ઉજાણીના દિવસો. જાત-ભાતની વાનગીઓ આરોગવાનો અવસર. જંગલવાસીઓ પાસેથી માન-પાન મેળવવાનો મોકો. સહપરિવાર શાંતિથી બેસીને, ગપ્પાં મારતા મારતા સ્વાદનો ચટાકો લેવાની તક. સાધારણ દિવસોમાં જંગલવાસીઓ જે રીતે રેસ્ટોરાંમાં જઈને ઓર્ડર કર્યા પછી સર્વિસનો આનંદ મેળવે એ રીતે કાગડા સમાજ શ્રાદ્ધપક્ષમાં આનંદ મેળવે. જેમ ઘણા જંગલવાસીઓ એક રેસ્ટોરાંમાં એકાદ વાનગીમાં કંઈ ભૂલ શોધીને કે ઓર્ડર આપ્યા પછી સર્વિસમાં ગરબડ છે એમ કહીને રોફભેર બીજા રેસ્ટોરાંમાં જઈને બેસી જાય એવા દિવસો કાગડા સમાજ માટે શ્રાદ્ધપક્ષના હતા. એક જજમાનની વાનગીઓમાં મજા ન આવે કે સર્વિસમાં વાર લાગે તો તરત બીજા જજમાનને ત્યાં ઉડી જાય.
પૂર્વજોને જીવતા જીવત ન મળ્યું એટલું ખાવાનું એક જ દિવસમાં કાગડાઓને આપવા માટે શ્રાદ્ધપક્ષમાં જંગલવાસીઓ ખૂબ જહેમત ઉઠાવતા. અનેક પ્રકારની વાનગીઓ ઘરમાં બને ને એ સિવાયની જરૂર પડે એટલી બજારમાંથી લાવવામાં આવે. પૂર્વજોને ભાવતી વાનગીઓનો પૂરતો ખ્યાલ રાખ્યા પછી તૈયાર થાળ કાગડા સમાજને આપી દેવામાં આવે. કાગડા સમાજને આ દિવસોમાં એટલું સન્માન મળે કે એને જોઈને જ જંગલવાસીઓ તુરંત કાલાવાલા કરવા માંડે.
'કા કા કા…' એવા અવાજો કાઢીને ઘણા જંગલવાસીઓ કાગડા સમાજનું ભોજનના થાળ તરફ ધ્યાન દોરતાં. ઘણા વળી 'આવો મારા બાપ આવો…' એવું લાગણીશીલ થઈને કહેતા. ઘણા જંગલવાસીઓને તો આ દિવસોમાં કાગડાઓના નાક-નકશામાં પોતાના પૂર્વજોના દર્શન સુદ્ધાં થતાં. અમુક તો પછી જમવા બોલાવેલા મહેમાનોને કહેતા પણ ખરા, 'આજે તો મને થોડી વાર લાગ્યું કે જાણે મારા પિતાશ્રી જ આવી ગયા. તેમને ડાબા પંજાથી ખાવાની ટેવ હતી, આજે જે કાગડો આવ્યો એ પણ ડાબા પંજાથી ખાતો હતો. બોલો!' તો વળી અમુક જંગલવાસી એવુંય કહેતા સંભળાતાઃ 'આજે કાગવાસ ખાવા જે કાગડીબહેન આવ્યા એનું મોં બાના મોં જેવું જ બોખું હતું. એકદમ બાની જેમ જ ચાવી-ચાવીને ખાધું!'
આ પ્રકારની વાતો, કાલાવાલા અને પૂર્વજોની સાથેની સરખામણી સાંભળીને ઘણી વખત તો કાગડા સમાજ શરમમાં મૂકાઈ જતો. આવા ચિત્રવિચિત્ર અવાજો સાંભળીને ઘણાં કાગડા-કાગડીઓ તો પોતે આવો અવાજ કાઢે છે કે શું એ ચેક કરતાં. અમુક ત્યાંથી દૂર જઈને કોઈ એકાંતવાળી સારી જગ્યાએ ગયા પછી મોબાઈલમાં પોતાનો જ અવાજ રેકોર્ડ કરીને સાંભળતા. કેટલીય વયસ્ક કાગડીબહેનોને આવી વાતો સાંભળીને શરમ આવતી એટલે બહાર નીકળીને ખાવાનું જ ટાળતી. અપવાદોને બાદ કરતાં કાગડા સમાજમાં શ્રાદ્ધપક્ષનો ખૂબ મહિમા હતો. સદીઓથી કાગડા સમાજ શ્રાદ્ધપક્ષને વાર્ષિક મહોત્સવ ગણીને જંગલવાસીઓ આપે એટલી વાનગીઓ આરોગતો, આપે એટલા માન-પાન મેળવતો.
ટૂંકમાં, શ્રાદ્ધપક્ષમાં કાગડા સમાજને સ્પેશિયલ ફીલ કરાવવામાં આવતું ને તેમની સરખામણી પૂર્વજો સાથે કરીને જંગલવાસીઓ આનંદ લેતા. તેમને આપેલું પૂર્વજોને પહોંચી જશે એવું માનીને જંગલવાસીઓ શ્રાદ્ધના દિવસોમાં કાગડા સમાજને સપરિવાર ભોજનનું આમંત્રણ આપતા, પણ આ શ્રાદ્ધપક્ષમાં જંગલવાસીઓને જેટલી મહેનત વાનગીઓ બનાવવામાં કરવી નથી પડતી એટલી મહેનત કાગડા સમાજને આમંત્રણ આપવામાં કરવી પડે છે. કાગડા સમાજને આમંત્રણ આપવા માટે જંગલવાસીઓએ તેમના રહેઠાણો ખૂંદી લીધા પણ ત્યાં બધું ખાલીખમ છે. જાત-ભાતના અવાજો કાઢી લીધા તો પણ કાગડાઓ દેખાતા નથી. શ્રાદ્ધપક્ષના ભોજનથી જ આખા વર્ષનું સ્ટોરેજ કરતાં પૂર્વજો આ વર્ષે ભૂખ્યા રહેશે એવા ડરથી જંગલવાસીઓ તો પરેશાન થઈ ગયા. તેમને કાગડાઓ કેમ દેખાતા નથી એની ચિંતા નહોતી, તેમને એવીય ચિંતા ખાસ નહોતી કે કાગડાઓ ભૂખ્યા રહેશે. તેમને ચિંતા માત્ર એટલી હતી કે આ દિવસો નીકળી જશે, એમાંય પૂર્વજોની મૃત્યુતિથિના દિવસે જ કાગડા ભોજન નહીં આરોગે તો પૂર્વજોનું શું થશે?
જંગલના જુદા જુદા સમાજના અગ્રણીઓનું એક પ્રતિનિધિ મંડળ જંગલની સરકારને રજૂઆત કરવા પહોંચ્યું. રાજા સિંહ તો રીલ બનાવવામાં વ્યસ્ત હતા એટલે તેમના અંગત સલાહકાર અને જંગલના આંતરિક બાબતોના મંત્રી રીંછભાઈએ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. મામલો સાંભળીને તાકીદે સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને તપાસ સોંપવામાં આવી. બિલાડો તેની તાલીમ પામેલી કેટ કમાન્ડોની ટીમ લઈને કાગડાઓની શોધમાં નીકળી પડયો.
દિવસોની રઝળપાટ પછી ખરેલાં પીંછાના સંકેતો જોતો જોતો બબ્બન બિલાડો આખરે એ સ્થળે પહોંચી ગયો જ્યાં કાગડા સમાજે આશ્રય લીધો હતો. બબ્બન બિલાડાએ સૌ કાગડાઓને જગ્યાએથી જરા પણ ન ખસવાની તાકીદ કરી. રીંછભાઈના આદેશથી વાત કરી ને પછી પૂછ્યુંઃ 'શ્રાદ્ધપક્ષ જેવો વાર્ષિક ઉત્સવ ચાલી રહ્યો હોવા છતાં કેમ દેખાતા નથી?'
કાગડા સમાજે કોરસમાં જવાબ આપ્યોઃ 'રાજા સિંહ કોકરોચો માટે રાતે પણ રીલો બનાવે છે. અમારા માટે એવી રીલો બનાવીને અમને મનાવશે તો અમે આવીશું.'
બબ્બન બિલાડાએ રીંછભાઈને ફોન કરીને કાગડા સમાજની ડિમાન્ડ જણાવી. રીંછભાઈએ એક પળનોય વિચાર કર્યા વગર કહ્યું, 'એ નહીં બને. એમને આવવું હોય તો આવે નહીં તો ભલે એક વર્ષ જંગલવાસીઓના પૂર્વજો ભૂખ્યા રહેતા, કારણ કે રાજા સિંહ પાસે એવો સમય નથી. હમણાંથી મહારાજ ભજન ક્લબિંગના કાર્યક્રમોમાં ખંજરી વગાડવામાં વ્યસ્ત છે.'