Breaking News
રાજકોટ: 150 ફુટ રિંગરોડ પર ધોળા દિવસે બાળકના અપહરણનો પ્રયાસ * * * * કાશ્મીરી વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ પાકિસ્તાનની સમર્થનમાં સુત્રોચ્ચાર કરતા મારામારી * * * * સાંજે ભારત સાથે ફ્લેગ મીટીંગ કરી અને રાતે બોર્ડર પર ફરી ગોળીબાર * * * * ફરાર થયેલો ભારતીય જવાન સેનાની ગુપ્ત માહિતી ISIને આપતો * * * આજથી જગપ્રસિધ્ધ તરણેતરના ચાર દિવસીય લોકમેળાનો પ્રારંભ

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

ચલ ઉડ જા રે પંખી

- સંતાનો અભ્યાસ કે નોકરી માટે દૂર ચાલ્યા ગયા અને મમ્મી-પપ્પા બની ગયા છે ''ઈસૅાઅ શીજા જીઅહગર્સિજ''ના શિકાર! પહેલા ગામડાઓ, હવે ગામો અને શહેરો તૂટી રહ્યા છે
- કારકિર્દી અને નોકરીમાં સર્જાયેલી આ સીસ્ટમ હવે 'રોલ બેક' થાય તેમ નથી
- એક પપ્પાએ કહ્યું કે ૧૮ વર્ષે જ પુત્રીને હોસ્ટેલમાં વળાવી દીધી છે. લગ્ન વખતે વિદાયનો વિરહ ઓછો લાગશે!
- ૪૫થી ૫૫ વર્ષની વય સુધીમાં મમ્મી-પપ્પા એકલા અટુલા પડી જાય છે ઃ કઇ રીતે જીવનમાં અનુકૂળ થવું?


મયંકભાઇ તેમના પુત્રની વાતો કરતા રડી પડે છે. તેમના પત્નીની પણ તેમને સાંત્વના આપતા આંખો ભીની થઇ જાય છે. બંને ડુસકાંને દાબી રાખતા સ્વરે કહે છે કે ''અમે હવે સાવ એકલા પડી ગયા. પુત્ર ધવલ ઘરનું વાતાવરણ જીવંત રાખતો હતો તે પણ ગયો.''
પહેલી નજરે કંઇક અમંગળ ઘટના બની હોય તેવું લાગે પણ મૂળ વાત એ છે કે ધવલને પૂનાની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળ્યો હોઇ તેને મયંકભાઇ અને પત્નીએ ગઇકાલે જ વિદાય આપી હતી.
મયંકભાઇનો મોટો પુત્ર બે વર્ષથી અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયો છે અને પુત્રી ૧૨મું પાસ કરીને હોમિયોપેથીનો કોર્સ કરવા બહાર ગામ છે.
ખરેખર તો ત્રણેય સંતાનો સંસ્કારી છે. ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે છતાં મયંકભાઇ અને તેમના પત્ની એક તરફ આનંદ અને ગૌરવની લાગણી ધરાવે છે તો તે સાથે ગમગીની, ભાવિ વર્ષોની એકલતા અંગે વિચારી ભારે બેચેની અનુભવે છે. અત્યારે તો સંતાનો હવે પંખીડાની જેમ ઉડી ગયા તે વાસ્તવિકતા અને ભર્યુભાર્યું પરીવાર વિખેરાઇ ગયું તેની ગ્લાની અનુભવે છે. એકાદ મહિનામાં સ્વસ્થતા ધારણ કરી લેશે પણ તેઓ બંનેએ હવે એકલતાની વાસ્તવિકતા સાથે જીવવાનું છે તે નક્કી છે.
મયંકભાઇ જ શું કામ, જુન-જુલાઇનો મહિનો હોઇ હજારો વિદ્યાર્થીઓ તેમના જ રાજ્ય કે અન્ય રાજ્યો કે વિદેશની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અર્થે જતા હોઇ હાલ માતા-પિતાને તેમના વારાફરતી સંતાનોના વિરહના પ્રારંભની આ સિઝન છે.
ઉચ્ચ અભ્યાસ અને હવેતો નોકરી માટે પણ લગભગ કાયમ માટે યુવાજગત તેમનું વતન છોડે તો જ પ્રગતિ થઇ શકે તેવી અનિવાર્ય સીસ્ટમ બનતી જાય છે.
મયંકભાઇ અને તેમના પત્ની તો હજુ હવે એકલતાથી પિડીત દંપતિની ક્લબમાં જોડાશે બાકી સંતાનો ઘર છોડીને બીજે અભ્યાસ કે નોકરી માટે જતા હોય તેવો ટ્રેન્ડ તો પાંચેક વર્ષથી શરૃ થઇ ચૂક્યો છે પણ હવે કારકિર્દી, શિક્ષણ અને આવકની તકો પર મહત્તમ ભાર મુકાતો હોઇ નવી પેઢી પોતે જ જ્યાં તક મળે ત્યાં વધુ માત્રામાં જવા તૈયાર થવા માંડયા છે.
સંતાનોને શરૃમાં નવી જગાએ અનુકૂળ થવું અઘરૃં પડે છે પણ તેઓની સામે અભ્યાસક્રમ, નિયમિત કોલેજ કે નોકરીના કલાકો, પ્રવૃત્તિ, ભાવિ લક્ષ્યાંકો અને સમાન વયજુથનું ગુ્રપ બની જાય છે. તેઓ મોબાઇલ, કમ્પ્યુટર, અન્ય ગેઝેટ્સ, ફન, મૂવિ, ફૂડ સંગાથે યુવા જોશમાં હોય છે. વધુ વ્યસ્ત બની જાય છે પણ તેમના માતા-પિતાની દુનિયા સાવ બદલાઇ જાય છે. જો એકબીજાને હૂંફ ના આપે કે સમય વીતાવતા કે પછી સામાજિક સીસ્ટમની સાથે રહેતા ના આવડે તો ડિપ્રેશન, શૂન્યાવકાશ અને જીવનમાં જબરદસ્ત ઉદાસિનતા, નિરર્થકતાના ભાવ આવી જાય છે.
આવા બદલાતા જમાનાએ એક નવો માનસિક પડકાર સર્જ્યો છે. જેને ''એમ્પ્ટી નેસ્ટ સીન્ડ્રોમ'' કહેવાય છે. મનોચિકિત્સકો પાસે મધ્યમ વય જૂથના જે ડીપ્રેશન કે તનાવના કેસો આવે છે તેમાં આ ''એમ્પ્ટી નેસ્ટ સીન્ડ્રોમ'' પણ કારણભૂત હોય છે. 'સીન્ડ્રોમ'નું નામ કેટલું અર્થસભર છે. પંખીના માળામાં ઈંડા, બચ્ચા અને તેના માતાપિતા હોય ત્યારે કેવી હૂંફ, સલામતિ, કલશોર, મીઠા ઝઘડાનો કલબલાટ, પાલન-પોષણ માટેની ઉડાઉડ અને બચ્ચા ચાલતા- ઉડતા થાય એટલે નર-માદાના ચહેરા પરની ખુશી જોઇ શકાય. પણ પછી તે જ માળો સૂમસામ લાગે. વૃક્ષ ભેંકાર નિસ્તેજ ઝાડ જેવું ભાસે છે.
આવું જ હવે માતા-પિતા અને ઘરના સંદર્ભમાં જોવા મળે છે. ૪૫ વર્ષથી ૫૫ વર્ષની વય દરમ્યાન તો માતા-પિતાના એક કે બધા જ સંતાનોએ અભ્યાસ કે નોકરી અર્થે વિદાય લઇ લીધી હોય છે.
બેંગ્લોર, હૈદ્રાબાદ કે પૂણે જતી ટ્રેનમાં અને અમેરિકા, ઈંગ્લેન્ડ કે કેનેડા જતી ફ્લાઇટમાં તમને આવા ઘણા મમ્મી-પપ્પા મળશે જેઓ તેમના સંતાનો સાથે કેટલાક દિવસો રહેવા જતા હશે.
એક ભાઇએ જણાવ્યું કે, મારો એકપુત્ર આઇટી જોબમાં હૈદ્રાબાદમાં અને બીજો અમેરિકામાં છે. મારે કેમિકલની ફેકટરી છે. બંને પુત્રોને આ લાઇનમાં રસ નથી. મારી પત્ની સાવ એકલી પડી ગઇ છે. ફેકટરીનો વિકાસ કરીને પણ શું કરૃં? હું ફેકટરી વેચી દઇશ. પત્ની સાથે સહજીવન જરૃરી છે. પૈસેટકે સુખી છું.
અત્યારના સંતાનો જ જો તેઓ તેમના ગામ કે શહેરની સીમિત દુનિયામાં પડયા રહે છે તો લઘુતાગ્રંથિથી પીડાય છે. તેઓ જ માને છે કે કે તેમના સપના, આકાંક્ષા કે ગુણવત્તાસભર જીવન વ્યતીત કરવું હશે તો બહાર નીકળવું પડશે. તેઓની વાત પણ વ્યવહારૃ છે. તેઓને પણ મમ્મી-પપ્પાને છોડવા ગમતા નથી પણ વાસ્તવિકતાને સ્વીકારે છે. પછી તો તેમની હોસ્ટેલ કે દેશ-વિદેશની દુનિયામાં એ હદે સેટ થઇ જતા હોય છે કે વેકેશનમાં તેમને ઘેર-વતનમાં પણ અમુક દિવસોમાં કંટાળી જાય છે. ક્યારે પરત જવું તેના દિવસો ગણે છે. તેઓ મમ્મી-પપ્પાને તેમની સાથે રહેવા બોલાવે છે પણ મમ્મી-પપ્પાને તેમનું મૂળ ઘર છોડીને લાંબુ રહેવું ગમતું નથી.
મોટાભાગના કિસ્સામાં લગ્ન પછી છોકરા-છોકરીને એકલું રહેવું ગમતું હોય છે. માતા-પિતા પ્રત્યે પ્રેમ, આદર અને જરૃર પડયે ઊભા રહેવાની ભાવના જરૃર હોય છે. પણ તે સિવાય આઝાદીથી પોતાની સ્વકેન્દ્રી દુનિયા ગમે છે.
એવો એક વર્ગ પણ છે જે અંગે એક ખેલદિલ યુવા મિત્રએ જણાવ્યું કે તેના કેટલાક મિત્રો અને ગર્લફ્રેન્ડ મુક્તતા ઝંખે છે. ઘરની છત નીચેની જવાબદારી અને વાતાવરણ તેઓને બંધિયાર લાગે છે. ગૂંગળાવે છે. તેઓને સારૃં એવું કમાઇને જીવન માણવું છે. તેમાં જરાપણ ખોટું નથી. રૃપિયાનું મહત્વ મોંઘવારીમાં તમે સમજી શકો છો. એટલે તેઓ વારાફરતી કોર્સ કરે છે. નોકરી પણ તેવી જ શોધે છે. એક જમાનામાં ગામડાઓ તૂટી રહ્યા હતા. હવે ગામો અને શહેરો તૂટી રહ્યા છે. મેટ્રો, વિદેશ, કે શિક્ષણ-નોકરીના હબ સીટીમાં જ યુવા દુનિયા જામતી જાય છે.
એક વાલીએ જણાવ્યુંકે અગાઉ તો માતા-પિતાને પુત્રી પરણવાની ઉંમરની થાય ત્યારે વિરહ અને વિદાયનો વિચાર ધુ્રજાવી નાંખતો હતો પણ હવે છોકરી ૧૨મું પાસ કરીને ૧૭ વર્ષની વયે જ હોસ્ટેલમાં રહીને અભ્યાસ માટે વિદાય લે છે તે પછી બીજો કોર્સ લે છે. તે પૂરૃ થાય ત્યાં તો લગ્નની તૈયારી થતી હોય છે. હવે કન્યા વિદાય પહેલા જ અડધી માત્રાના અશ્રુ અને તેનો વિરહ જીરવી ચૂક્યા હોઇએ છીએ.
હવે તો એવી સ્થિતિ સર્જાતા જાય છે કે સંતાન કોલેજ તેમના ગામમાં મમ્મી-પપ્પા જોડે રહીને કરતા હોય તો બધા એવું માની લે છે કે સંતાન અભ્યાસમાં સામાન્ય હશે. અન્ય મોટા શહેર કે વિદેશમાં કેમ નથી જતું!
ઘણા તો એવું માને છે કે છોકરા કે છોકરી વિદેશમાં અભ્યાસ કરતા હોય કે નોકરી-વ્યવસાય કરે તો જ તે ઉજ્જવળ કહેવાય. પછી અન્ય શહેરો કે વિદેશની યુનિવર્સિટી, તેનું સ્તર, તેનો તનાવ, ખર્ચ કેટલો તે અંગે વિચારવાનું જ નહીં.
અમેરિકા અને યુરોપિય દેશોમાં તો સંતાનો ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે નહીં પણ ૧૮ વર્ષના થાય તે દરમ્યાન તેમની રીતે સ્વતંત્રતાથી જીવન વ્યતીત કરવા માતા-પિતાનું ઘર છોડી દેતા હોય છે. ત્યાં પણ માતા-પિતા ''એમ્પ્ટી નેસ્ટ સીન્ડ્રોમ્સ''થી પીડાય છે.
ઓપ્રાહ વિન્ફ્રેના શોમં આ વિષય પરનો કાર્યક્રમ ખૂબ જ આવકાર પામ્યો હતો. એકલા પડી ગયેલા વાલીઓની સમસ્યા અને ઉપાયો અંગેના તારણો મેળવાયા હતા.
અત્યારે સૌથી રાહત આપનારી બાબત હોય તો ટેકનોલોજી છે. સંતાન જોડે ફેસબુક જેવા સોશ્યલ નેટવર્ક, મોબાઇલ, સ્કાયપ પર ચેટ કે ઓડિયો-વિડિયો જીવંત સંપર્ક એક બટન દબાવવા જેટલો જ છેટે હોય છે. જો આર્થિક રીતે પરવડે તો રેલ કે વિમાન સેવાએ અંતર ઘટાડી દીધું છે. સંતાનને રજા ના મળે તો વાલીઓ મળવા કે સાથે રહેવા ઉપડી જતા હોય છે. બીજું તમે દેશ-વિદેશમાં જ્યાં જાવ ત્યાં તમારા રાજ્ય કે જ્ઞાાતિ - જાતિનું ગુ્રપ મળી જ જતું હોય છે. સંતાનને સામાજિક સુરક્ષા હોય તો માતા-પિતા તેમનો વિરહ તો ઝીલી લેતા હોય છે.
હવે તો શહેરોમાં આવા વાલીઓની 'નેસ્ટ ક્લબ' પણ બનતી જાય છે. જેમાં તેઓ નિયમિત મળે છે. તેઓ તેમનું વિશાળ કુટુંબ બનાવીને ફોન સપંર્ક, કીટી પાર્ટી, પ્રવાસ, રેસ્ટોરા - મૂવિ જોવા જાય છે. સારા - નરસા સમયે પડખે ઊભા રહે છે. આવા વાલીઓનું એજ ગુ્રપ ૪૫થી ૬૦નું હોય છે તેથી તેઓ સીનીયર સીટીઝન કરતા જુદા પસંદગીના કાર્યક્રમો અને વાતચિતના વિષયો રાખે છે. આ વાંચીને પણ કોઇ આવી 'નેસ્ટ ક્લબ' બનાવી શકે.
આવા વાલીઓએ બદલાતા જમાનાની વાસ્તવિકતા સમજીને તેમના સંતાનોના પ્રગતિ અને દ્રષ્ટિને ગૌરવથી લેવી જોઇએ. એવું વિચારવું જોઇએ કે દેશ અને વિશ્વમાં એવા સંતાનો પણ છે જેઓ અભ્યાસમાં ઘણા જ નબળા છે. રખડુ કે બેદરકાર છે. વ્યસની અને ઉધ્ધત છે. બે જવાબદાર છે. ભવિષ્ય નથી. માથે પડેલ છે. તેના કરતા તમારા સંતાનો કમ સે કમ ભાવિને વધુ સારૃં કે સુખદ બનાવવા નાછૂટકે તમને છોડીને ઉડાણ ભરે છે. આખરે કે.જી.થી કે બાલમંદિરથી તમારો તે જ ધ્યેય હતો ને? જીવનનું ખરૃ ઘડતર અને તાલીમ જ આ છે. રાષ્ટ્રના કે વિશ્વના મોટા એકમો, સાહસો અને હેડ ક્વાર્ટર મોટા શહેરોમાં કે અમુક દેશોમાં જ હોવાના. અત્યારે ઘર, શિક્ષણ, વાહન અને ગુણવત્તાસભર જીવન કેટલું મોંઘું છે તે માટે બહાર નીકળવું જ પડે. આવી હકારાત્મક માનસિકતા કેળવવી રહી.
આવા પતિ-પત્નીએ એમ વિચારવું જોઇએ કે સંતાનોના ઉછેરમાં તેઓ એ હદે છેલ્લા ૧૫-૧૭ વર્ષથી ગળાડુબ હતા કે તેઓ એકબીજાને પણ પૂરતો પ્રેમ, હૂંફ, વાત્સલ્ય નથી આપી શક્યા. હવે નિશ્ચિંત બનીને જવાબદારીમાંથી મુક્ત એકલા જ છો તો તે સમયને માણો. જે નહોતું કરી શકતા તે કરો. જે શોખ, કલા કે પ્રવૃત્તિ ભીતરમાં દબાવી રાખી હતી તેને બહાર લાવો. સિનેમા, નાટક, સંગીત, નાના-મોટા પ્રવાસની મજા માણો. વાંચનની ટેવ કેળવો. મજેથી ટીવી જુઓ. સાથે કોઇ ડિશ બનાવો કે રેસ્ટોરામાં જાવ. ફિટનેસ જાળવશો તો જ લાઇફને ફુલએસ્ટ માણી સકશો. હવે સંતાનોના કલાકો સાચવવાના નથી. ચાલવા કે જીમમાં જાવ, કોઇને કોઇ સામાજીક ચેરીટી પ્રોજેક્ટ કે પ્રવૃતિ જોડે જોડાઇ જાવ, આધ્યાત્મીકતા અને જેમાં શ્રધ્ધા હોય તે મંદિર કે આશ્રમમાં જઇને હળવાશ અનુભવો. માત્ર સાંસારિક નકારાત્મક અને પંચાયતમાં જ આળોટતા રહેશો તો તમારાથી વિશેષ કોઇ નહીં ખરડાય કેમ કે જેમની ઈર્ષા, નકારાત્મક વાતો તમે કરો છો તેને તો ખબર પણ નથી. નાના સંકુચિત સર્કલમાંથી બહાર આવીને દુનિયા જુઓ. ફેસબુક કે અન્ય સ્પેશ્યલ નેટવર્ક પર અમુક સમય આપો. ગેજેટ્સ, અન્ય કમ્પ્યુટર પર કામ કરતા શીખી જાવ, અન્યના સંતાનોની  પ્રગતિ કે પ્રશંસાથી ખુશ થાવ પણ તેની તુલના તમારા સંતાનો જોડે કરીને દુઃખી ના થતા. ઘણા વાલીઓને એવી કુટેવ હોય છે કે તેમના સંતાનોની બડાશ (ઘણી વખત ગપગોળા) હાંકીને બીજા વાલીઓને હતાશ કરે છે. આવા તત્વોથી દૂર રહો. બધા બધાની બંધ મુઠ્ઠીમાં શું છે તે જાણતા જ હોય છે. કોઇના સંસ્કારો અને સંયમને પડકારો નહીં.
આ બધું લખવાનું કારણ એ જ છે કે સંતાનો વગર વાલીઓ ભારે મનોવેદના અને એકલતા જીરવીને માંડ સેટ થતા હોય છે તેમને હૂંફ આપવાની જગાએ તેમની સ્વસ્થતાને ડહોળનારા બેજવાબદાર તત્વો સમાજમાં જોવા મળે છે. એક આવા ગમગીન વાલીએ કહ્યું કે ''અમને નકારાત્મક, તુલનાત્મક વાતો કરીને ડિપ્રેશનનો જાણે ચેપ ફેલાવતા હોય તેમ કેટલાક સામાજિક વર્તુળ કૃત્યો કરે છે.''
એની વે... મારે કે તમારે કોઇના કોઇ સમયે ''એમ્પ્ટી નેસ્ટ સીન્ડ્રોમ'' અનુભવવું જ પડશે. આમાં પરિસ્થિતિ રોલ બેક થાય તેવું લાગતું નથી. દૂર થઇ ગયેલા સંતાનોએ પણ વિચારવાનું છે કે વર્ષના અમુક દિવસો કે એક-બે વખત હવે તેઓને વાલીઓને મળવાનું છે. તેઓ જોડે દૂર બેઠા કાળજી લેતા હોય તેમ ઓનલાઇન સંપર્ક રાખો. તેઓને વ્યસ્ત કેલેન્ડરમાંથી અમુક મિનિટો ફાળવો. શુભેચ્છા અને કોઇ વખત રૃપિયા મોકલો. ના ગમે તો પણ તેઓ જોડે અમુક દિવસ રહેવા જાવ કે પછી તેમને તમારે ત્યાં બોલાવો. તમે તેઓને મિસ કરો છો તેવું કહો. (ના, કરતાહોવ તો પણ કહો યાર...) તમારે પણ બીજા બે અઢી દાયકા પછી આ 'એમ્પ્ટી નેસ્ટ'ના સભ્ય બનવાનું છે તે યાદ રાખો.

Post Comments