Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

બોર્ડની પરીક્ષા પહેલા.. આ ૩૨ પગલા ચાલી લો

વિદ્યાર્થીઓ અને વાલીઓએ હવે બોર્ડની પરીક્ષાના ''હાઉ''ની હકાલપટ્ટી કરવાની છે

આગામી ૧૨ માર્ચથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા.. ડરના બિલકુલ જરૃરી નહીં હૈ

જુદા જુદા ક્ષેત્રોની જે પણ સફળ હસ્તી છે તેમના વાલીઓને તો આ ક્ષેત્ર વિશે જાણકારી જ ન હતી

વાલીઓએ તેમની આંખો પર ડાબલા પહેરલા ઘોડા જેવી સંકુચિત દ્રષ્ટિથી સંતાનોને ઠેકાણે નથી પાડવાના

હવે બોર્ડની પરીક્ષાના આખરી દિવસો બાકી રહ્યા છે ત્યારે પરીક્ષાની કેવી રીતે તૈયારી કરી શકાય તેના પર નજર નાંખીએ.

01 હવે તમે બાકીના દિવસોમાં વર્ષ દરમ્યાન જે અભ્યાસક્રમ કે પ્રકરણો, પ્રશ્નો પર પ્રભુત્વ ના મેળવી શક્યા તેને શીખવા માટે એટલો બીનજરૃરી સમય ના આપશો. તમે જો આવો પ્રયત્ન કરો અને છતાં પણ તમે તે પાક્કુ ના કરી શકો કે સમજી ના શકો તો પરીક્ષા વખતે એવા બોજ સાથે જશો કે તમે અભ્યાસક્રમ પૂર્ણ કર્યા વગર પરીક્ષા ખંડમાં જાવ છો. આ નકારાત્મકતા તમારા દેખાવ પર અસર કરશે.

02 તમે એવું કરી શકો કે તમે જે અભ્યાસક્રમ પર પકડ મેળવી હોય તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરતા તમારા તૈયારીના ૭૦થી ૮૦ ટકા સમય તેના વાચન કે લેખનના પુનરાવર્તનમાં આપો. માની લો કે તમે ૭૦, ૮૦ કે ૯૦ ટકા અભ્યાસક્રમમાં આત્મવિશ્વાસ મેળવ્યો છે તો તમે તેમાંથી ૬૦થી ૮૦ ટકા મેળવશો જ તેમ માની જ શકો.

૭૦ કે ૮૦ ટકા આ રીતે સમય આપેલો છે ત્યારે બાકીના ૨૦થી ૩૦ ટકા સમય છેલ્લા દિવસોમાં પણ જેમાં ફાવટ નથી આવતી તેની કમ સે કમ થોડું લખી શકાય તેવી તૈયારી કરો. શિક્ષક કે મિત્રની મદદ લો.

03 છેલ્લા દિવસોમાં અને કલાકોમાં મહત્વના પ્રશ્નોના  સાર રૃપ જવાબ હોય તેને રંગીન હાઇલાઇટ્સથી અંડરલાઇન કરો. ઉત્તર યાદ રહે તે માટે તેને તમને જેમાં રસ હોય તે શબ્દ - પ્રસંગ - નામ - આંક સાથે જોડો. સંકેતાત્મક કે કોડ - સુત્રથી જુદા જુદા મુદ્દાઓ યાદ રાખી શકાય.

04 બજારમાં ઉપલબ્ધ જુદા જુદા પ્રકાશનોના પુસ્તકો, પ્રશ્નપત્રો હવે છેલ્લા દિવસોમાં ના બદલો.

05 તમે શાળાની પરીક્ષામાં માની લો કે નબળો દેખાવ કર્યો હોય તો હવે તેને ભૂલી જાવ. બોર્ડની પરીક્ષાના પેપર જોતા તમારો દેખાવ ચોક્કસ સુધરશે.

06 જેઓએ શાળાની પરીક્ષામાં ઉચ્ચ માર્કસ મેળવ્યા છે તેઓએ આત્મવિશ્વાસ રાખવાનો છે પણ શાળાના માર્કસની ઊંચાઇ જોઇને બોર્ડની પરીક્ષામાં વધુ પડતા કેફ સાથે જવાની પણ જરૃર નથી.

07 પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપનારા કે સગા-સ્નેહીઓ પરીક્ષાની તૈયારી, વાચનનો સમય, ઉંઘવાના સમય કે આયોજન અંગે અવનવી સલાહ આપશે પણ હવે આખરી દિવસોમાં તેમાં પરિવર્તન ના લાવશો, તમે મોડી રાત્રિ સુધી જાગીને જ છેલ્લા મહિનાઓથી તૈયારી કરતા હો તો હવે વહેલી સવારે ઊઠીને વાંચો તે સલાહને અવગણો.

08 હા, હવે શરદી-ઉધરસ કે પેટમાં ગડબડ થાય તેવું ભોજન, ખાણી-પીણી ટાળશો. બિનજરૃરી બહાર તડકામાં જવું, દ્વિચક્રી વાહનો પર જરૃર પડે તો બહાર નીકળો. 'યાર.. થવાનું હશે તો ઘરમાં બેઠા પણ કંઇક થશે.' તેવી દલીલો ના કરો.

09  માની લો કે પરીક્ષાના દિવસો પહેલા તાવ આવે કે વાંચી ના શકાય તેવા કૌટુંબીક કે સામાજિક સંજોગો ઉપસ્થિત થાય તો પણ ગભરાઇ ના જાવ. આત્મવિશ્વાસ ના ગુમાવો. એવા ઉદાહરણો યાદ કરો કે જેમા પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીના ઘરના સભ્યનું અવસાન થયું હોય કે તેણે ફ્રેકચર કે તાવ સાથે પરીક્ષા આપી ઉચ્ચ ગુણ મેળવ્યા હોય. અખબારમાં આવા કિસ્સાઓ અવારનવાર આવતા હોય છે.

10 આ લખનારે મેં અને તેની માતાએ આઘાત જનક સંજોગો વચ્ચે અનિવાર્ય એવી ૧૦મા ધોરણની પરીક્ષા સાથે એક જ વર્ષમાં આપી હતી.

11 પ્રશ્નપત્રને વાંચો જે ઉત્તરો આવડતા હોય તેની બાજુમાં નિશાન કે ટપકુ કરો. સૌ પ્રથમ જે ઉત્તરો આવડતા હોય તેને પુરી મસ્તી અને દિલથી લખો. જરૃર પડયે આકૃતિ, કોઠા, મુદ્દાઓ નીચે અન્ડરલાઇન, ફૂદડી, આંકડાકીય બોક્ષ ઉમેરો.

ઉત્તરવહી એવી હોવી જોઇએ કે પેપર તપાસનાર તેને પકડતા જ કોઇ સુશોભિત કૃતિ હોય તેમ તેનાંથી આકર્ષાય. તેને તમારો ઉત્તર કંટાળો કે થાક વધારનારો ના લાગવો જોઇએ. ઉત્તરની છણાવટ, વર્ગીકરણ, હાઇલાઇટથી ઉત્તર સામેથી તેની નજર સામે ચઢવો જોઇએ.

12 જે પ્રશ્ન ના આવડતા હોય તેના ઉત્તરો જેટલા પણ આવડે તેવા કે તે પ્રશ્નના ઉત્તરને સીધી કે આડકતરી રીતે સ્પર્શતું કંઇ પણ જાણતા હો તેટલું લખો. ઘણી વખત આવા ઉત્તરોથી મળતા કુલ બે-પાંચ માર્ક પણ મેરિટ લિસ્ટમાં કે તમારા સ્કોરમાં ફર્ક પાડી દેતા હોય છે.

13 પેપર તમારા સંતોષ પ્રમાણે ગયું હોય તો તે પછીના પેપરની તૈયારીમાં આત્મવિશ્વાસ કે ખુશી બેવડાવતા લાગી જાવ પણ માની લો કે પેપર ધાર્યા પ્રમાણે ના ગયું હોય તો સ્વસ્થતા કેળવો. તમારા બીજા પેપર પર તેની નકારાત્મક અસર પડી શકે છે.

14 ઘણા વિદ્યાર્થી ચાર-પાંચ માર્કસનું ના આવડે કે છોડવું પડે તો પણ જાણે ડીપ્રેશનમાં આવી જાય છે. પરીક્ષા પુરી થતા જ માથાના દુખાવા કે ગભરામણ સાથે સુઇ જાય છે. ઘરના સભ્યો જોડે ચીડીયા બની જાય છે. બીજા પેપરની તેઓને હવે તૈયારી કરવાનો હૌંસલો જ નથી રહેતો. તેઓએ પાકટ બનીને વિચારવાનું છે. તેમના ઘરના સભ્યોએ કટાક્ષ કે વ્યંગની વાણીની જગાએ તેને સાંત્વના આપવાની છે. પ્રેમથી કપાળ પર હાથ ફેરવીને લીંબુ-પાણી, કોફી કે ચા, હળવો નાસ્તો કરાવવાનો છે. ભાઇ કે બહેને મજાક કે હળવી વાત કરી તેને હસાવવાનો છે.

15 જો પેપર અઘરૃ હશે તો બધાને અઘરૃ લાગ્યું હશે તેમ સમજો. તમારા જેવા હોંશિયાર વિદ્યાર્થીને ના આવડે તો અન્ય વિદ્યાર્થીઓને પણ ભારે જ પડયું હોય. વિદ્યાર્થીઓએ એ ખાસ યાદ રાખવાનું છે કે તે કેટલા ટકા માર્ક મેળવો છો તે નહીં પણ મેરિટ લિસ્ટ તમારો આગળના અભ્યાસનો પ્રવેશ નક્કી કરતું હોય છે. તમને લાગતા લાગતા તમારા ઓછા માર્ક કે ટકા મેરિટ લિસ્ટ તે રીતે જ બન્યું હોઇ તમને મનગમતી શાખા  કે કોલેજમાં પ્રવેશ અપાવી જ શકે. આથી જ સ્વસ્થ રહો.
 

16 ભગવદ્ ગીતાના ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને આપેલા બોધ પ્રમાણે તમે તમારા બનતી મહેનત, પ્રયત્ન, શ્રમ અને કુનેહ પ્રમાણે પરીક્ષા આપી દીધી. હવે તેના વિશે વધુ વિચારો નહીં.

17 હવે વાલીઓની ભુમિકા સાથે રાખીને થોડી વાત કરીએ. પરીક્ષામાં માની લો સંતાનના પેપર્સ સારા ના ગયા હોય કે સંતાન સંભવીત ૯૨ ટકાની જગાએ ૯૦ ટકા પણ ધારતો હોય તેવા કિસ્સાઓમાં પણ વાલીઓ પરીક્ષા પુરી થતા જ મ્હેણા-ટોણાની ભાષામાં વાત કરવા માંડે છે. તું આવો 'ગાજ્યો મેહ વરસે નહીં' જેવો નીકળીશ તેવી કલ્પના નહોતી કરી, અમે પહેલેથી જ કહેતા હતા કે તારા ફલાણા મિત્રની સામે જો તેવી તનતોડ અને હોશિયારીપૂણ  તૈયારી કરે છે પણ આપણા ભાઇ ફાંકામાં જ રહ્યા. સંતાનને એવું લાગવું જોઇએ કે વાલી અને કુટુંબીઓ તેની ટીમમાં છે.

હકીકતમાં વાલીઓ સમાજ અને નકારાત્મક સંબંધીઓ સાથે ભળી જઇ સંતાનને એકલો પાડી દે છે. ઘરમાં કેપ્ટન જ તનાવમાં અને આત્મવિશ્વાસ ગુમાવી દીધેલ હોય ત્યારે ટીમના ખેલાડીઓ પણ હથીયાર હેઠા મુકી દેતા હોય છે. મમ્મી અને પપ્પા ટીમના કેપ્ટન છે તે તેઓએ યાદ રાખવું જોઇએ.

18 વાલીઓ એવા પણ વ્યંગ બાણ ફટકારે છે કે હવે આખી જિંદગી મજૂરી કરજો. ક્લાર્ક બનીને સ્કુટરના પૈડા ઘસજો. તારી જોડે લગ્ન પણ કોણ કરશે. વાલીઓ તેમના મિત્રોના, પાડોશીના કે સગા-સ્નેહીઓના ચઢિયાતા સંતાનોના ઉદાહરણ આપી પોતે કેવા કમનસીબ, નીચું જોવું પડે તેવા શરમની સ્થિતિમાં અમને  મૂક્યા તેમ પણ ટોણા મારે છે.

19 વાલીઓ તેમણે સંતાનને અભ્યાસ કરાવતા કોચિંગ, ફી, પુસ્તકો, સ્ટેશનરી અને પોકેટ મની જેવા અન્ય ખર્ચા કરીને કેવા દેવાદાર જેવા બની ગયા કે ખાલી થઇ ગયા તે વારંવાર સંભળાવે છે. માતા-પિતા બંને કઇ હદે ઘસાયા તેમ તક મળે ત્યારે સંતાનોને સંભળાવતા હોય છે.

20 વાલીઓએ તેમના અધુરા સ્વપ્ન પૂરા કરવા માટે કે કુટુંબ - સમાજમાં વટ પાડવા માટે સંતાનને રેસ કોર્સના ઘોડા ન બનાવી દેવા જોઇએ.

21 ખરેખર તો વાલીઓ અને ઘરના સભ્યએ પરીક્ષાની તૈયારી દરમ્યાન, પરીક્ષા દરમ્યાન ઘરમાં એકદમ હળવું વાતાવરણ રાખવું જોઇએ. વાલીએ પોતે જ સંતાનને એમ કહેવું જોઇએ કે તું ૧૦મુ કે ૧૨મા ધોરણ શક્ય એટલી સારી રીતે ઉત્તીર્ણ કરી લે. તે પછી આપણે કારકિર્દીનું નહીં પણ તને કયા ક્ષેત્રમાં, કયા વિષયમાં રસ કે રૃચિ છે તે જાણીશું. હવે તો આવા અભિગમ જાણવા માટે હવે તો એપ્ટિટયુડ ટેસ્ટ પણ આપી શકાય છે.

22 વાલીએ પોતે જ સંતાનની જોડે સંવાદ કેળવવો જોઇએ કે હું તો હજુ પણ નોકરી કે ધંધો કરૃ છું અને આપણા જેવા હજારો મધ્યમ વર્ગના વાલીઓ તેમના સંતાનને અભ્યાસ કરાવે જ છે ને. વાલીએ એવા ઉદાહરણ આપવા જોઇએ કે કઇ રીતે અન્ય ઘણા વાલી તો ઓછી આવક હોઇ બે નોકરી, શ્રમિક, ખેતમજૂર કે સીક્યોરિટી જેવી ઓછી આવક છતાં તે બધું જ અર્પી સંતાનોને અભ્યાસ કરાવે છે. અમે તો બધા જ વાલી જેવી જ ફરજ બજાવીએ છીએ.

23 તે જે પ્રયત્ન કર્યો છે તેનું અમને ગૌરવ છે. આ વર્ષે માની લે કે તને પરીક્ષાની ગંભીરતા નથી સમજાઇ તો હવે આવતા વર્ષે કે ભવિષ્યમાં તું વધુ પાકટતાથી તૈયારી કરજે!

24 વાલીએ અને વિદ્યાર્થી મિત્રો તમારે એ ખાસ સમજવાનું છે કે અગાઉના જમાનાાં કોમર્સ, સાયન્સ, આર્ટસ કે પછી ડૉકટર, એન્જિનિયર, સી એ, કંપની સેક્રેટરી, ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ફાર્મસી અને લૉ જેવી જ મહત્તમ શાખાઓ હતી પણ હવે તો ૧૦૦થી વધુ વ્યવસાય, હુન્નર, સેવા, શોખ, ટેલેન્ટમાંથી તમને જેમાં રસ હોય તેમાં કારકિર્દી બનાવી શકો છો. આપણા વડાપ્રધાન મોદીએ સરસ વાત કરી છે કે બધાને કંઇ બનવું છે કોઇને કંઇ કરવું નથી. ખરેખર વિદ્યાર્થીમિત્રોએ બનવા કરતા કરવાનો ધ્યેય રાખવો જોઇએ.

25 તમને ગમતું હોય તે મળે તેમા જ નહીં પણ કોઇ વખત સંજોગોવસાત તમને મળે તે ગમાડો. તેમાં રસ લો, ઊંડા ઉતારો.

26 યાદ રાખો સફળ વ્યક્તિ કંઇ જુદું નથી કરતા જુદી રીતે કરે છે.

27 વિદ્યાર્થીમિત્રો, તમે વાલી, સગા-સ્નેહી કે મિત્રોની નજરે કે તમારી ખુદની નજરે પણ તમારી જાતને ના મુલવો. તમને ઈશ્વરે એક આગવી કુનેહ, હેતુ અને બુધ્ધિ અથવા શ્રમની તાકાતથી આગળ વધવા માટે ઘડયા છે. જો બધા એક જ વ્યવસાયમાં, નોકરી, ઉદ્યોગ કે શાખાને લાયક જ હોય તો સૃષ્ટિ કેમ ચાલશે. કોઇ કામ મોટું કે નાનું નથી.

28 તમે કોઇની પરવા ન કરો. ફિલ્મ સ્ટાર કરોડોના બજેટની ફિલ્મમાં બે વર્ષ સુધી તનતોડ મહેનત કરી ફિલ્મ પૂર્ણ કરે. ફિલ્ના અન્ય સ્ટારોની સામે તેની તુલનાનું અને ૨૦૦-૩૦૦ કરોડની કમાણીનું દબાણ હોય અને ફિલ્મ અઠવાડિયું પણ માંડ ચાલે તેમ ફ્લોપ જાય. આવી ફ્લોપ ફિલ્મોની હારમાળા ચાલે તો પણ તે વધુ એક ફિલ્મમાં પુરી એકટિંગ પ્રતિભાનો આત્મવિશ્વાસ જાળવીને પ્રાણ પુરે છે ફિલ્મ હીટ જાય છે. તમે તમારા જીવન અને કારકિર્દીને રમતજગતના ખેલાડી તરીકે જૂઓ. તેઓ પર લાખો ચાહકોની, મીડિયાની ટીકાકારોની નજર છે. ફ્લોપની હારમાળા સર્જાય તો પણ વિચલીત નથી થતો.

29 કોઇની પરવા ના કરો. નાના માણસોની મોટી વાતો અને મોટા માણસોના આત્મવિશ્વાસ, સંઘર્ષ તેમજ મનની અડગતા સામે જૂઓ. તેમના પુસ્તકોનું વાચન કરો.

30 તમને જાણીને નવાઇ લાગશે કે જે તે ક્ષેત્રની સફળ વ્યક્તિને તેમની કારકિર્દીમાં નકારવામાં આવી હતી. કોઇ શોધ માટે વિજ્ઞાાનીઓએ તેમનું આખું જીવન વ્યતીત કરીને સૌપ્રથમ વખત વિશ્વ સમક્ષ મૂકી ત્યારે તે ક્ષેત્રના વિવેચકો, તેના વેચાણકારોએ એવી જ કોમેન્ટ કરી હતી કે આને કોણ ખરીદશે. આની વિશ્વને શું ઉપયોગિતા, કેટલાને આ કામ લાગી શકે ? તમે માનશો કમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઇલ ફોન, કેમેરા માટે પણ આવું કહેવાયું હતું.

31 એવા પણ કિસ્સા બનેલા જ છે કે પરીક્ષાર્થીએ નાપાસ થવાનો છે તેમ માનીને કે ધારેલા હતા ૮૦ ટકા અને આવશે ૫૦ તેમ માનીને આત્મહત્યા કરી લીધી હોય અને પરીક્ષાનું પરીણામ આવે ત્યારે  તે પાસ થયો હોય એટલું જ નહીં પણ તેના ૮૨ ટકા આવ્યા હોય. કમનસીબી જુઓ કે માર્કશીટ વખતે તે આ દુનિયામાં હાજર નહીં હોય... વિદ્યાર્થીમિત્રો શું તમે એમ માનો છો કે આ દુનિયા બોર્ડનાં ઉચ્ચ રેન્ક મેળવનારાઓથી જ ચાલે છે ? તમે જેના પણ ચાહક છો કે જેને રોલ મોડેલ માનો છો તેના બોર્ડના માર્ક જાણો છો ?

તમને  તમારા વિષય ક્ષેત્રના જ્ઞાાન ઉપરાંત મહેનત, નિષ્ઠા, આગવી દ્રષ્ટિ અને સાહસ વૃત્તિથી સફળતા મળે છે.

32 અને છેલ્લે યાદ રાખો કે તમારે પેઇન્ટર બનવું હોય તો ભૌતિક કે જીવ વિજ્ઞાાનની જરૃર નથી. ડિઝાઇનર બનવું હોય તો ઈતિહાસ કે ભૂગોળની જરૃર નથી.. ખેલાડી બનવું હોય તો તેના માટેની મહેનત, પ્રેકટિસ, નિષ્ફળતા પછી પણ છવાઇ જવાની આત્મ શ્રધ્ધાની જરૃર છે. સારા ગાયક કે સંગીતકાર બનવું હોય તો તેના ક્ષેત્રનું શિક્ષણ, રીયાઝની જરૃર છે. સારા શેફ બનવું હોય તો વાનગી, વિશ્વની જુદી જુદી ડિશો, પ્રેઝન્ટેશન અને હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ જરૃરી છે ડોકટર, એન્જિનિયરના વિષયો નહીં.

તમે આ રીતે કાયદાશાસ્ત્રી, ભુસ્તરશાસ્ત્રી, ફેશન, આર્કિટેક્ટ, જ્વેલરી ડિઝાઇન, પ્રવાસન, પાયલોટ, અવકાશ સંસ્થા, ફોટોગ્રાફર, પત્રકાર, ટીવી એન્કર કે તેના જેવી ૧૦૦થી વધુ શાખામાં રસ કેળવતા હો તો તમારે જે તે સ્પેશ્યલ શાખામાં પ્રવેશ માટે ૧૨મું પાસ કરવાનું છે. પછી મનગમતા વિષય કે ક્ષેત્રના અભ્યાસક્રમાં પ્રવેશ મેળવો અને તેમાં નિષ્ઠા, મહેનત, સતત શીખતા રહેવું અને અન્ય ગુણો ખીલવો.

ખરેખર તો બીબાઢાળ કારકિર્દીની બહાર આવો. તમે મનગમતા વિષયમાં આગળ ધપશો તો કામનો આનંદ જ એવો આવશે કે થાક જ નહીં લાગે. તેમાં ઊંડું ખેડાણ ખેડશો એટલે ઝળકી જ ઊઠશો. યાદ રહે કે સફળ વ્યક્તિએ સતત નિષ્ફળતા મેળવતાં પણ પ્રયત્ન જારી રાખ્યા હોય છે અને આખરે તે સફળતાના મુકામ પર પહોંચતો હોય છે.

૧૦માં અને ૧૨માં  ધોરણના પરીક્ષાર્થીઓને શુભેચ્છા અને ધારોકે ધાર્યું ના થાય તો... મંઝિલે ઔર ભી હૈ..
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments