Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

સમલાયા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ-ગુડ્ઝ ટ્રેન સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

ધારેવાડા સ્ટેશનની ઘટના શું ટ્રેન ઉથલાવવાનું કાવતરું હતી?

બન્ને એન્જીનના ડ્રાયવર સહિત ૧૬ વ્યક્તિના મોત નીપજ્યા સાથે ૧૫૦ પ્રવાસી ઘવાયા હતા : ચાર રેલ્વે કર્મચારીની ધરપકડ

કેસની સુનાવણી દરમ્યાન બે આરોપીના મોત નીપજી ચૂક્યા છે : કેસના ચૂકાદાની હજુ રાહ જોવાઈ રહી છે..!!

તા. ૨૧મી એપ્રિલ-૨૦૦૫ને ગુરૃવારની વહેલી પરોઢના પાંચ વાગ્યે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન વ્હીસલ ઉપર વ્હીસલો વગાડીને વાતાવરણને ચીરતી ધમધમાટ પસાર થઈ રહી હતી. રાતના ઘેરી નિંદ્રામાં ખોવાઈ ગયેલા પ્રવાસીઓમાંથી કેટલાક પ્રવાસી જાગી ગયા હતા અને પ્રાત: કર્મ વિધિમાં પરોવાઈ ગયા હતા. ત્યાં જ એક ભયાનક હોનારત સર્જાઈ હતી.

જેમાં  આ જ રેલ્વે લાઈન ઉપર ઊભી રહેલી ગુડ્ઝ ટ્રેન (માલગાડી) સાથે સાબરમતી એક્સપ્રેસ પ્રચંડ ધડાકા સાથે ટકરાઈ હતી. જેમાં બન્ને ટ્રેનના એન્જીન તથા કેટલાક ડબ્બા અને વેગન પાટા ઉપરથી ઉથલી પડતાં તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ સાથે જ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓની કારમી ચીસો તથા બચાવો... બચાવોના પોકારો સાથે વાતાવરણમાં ખળભળાટ મચી ગયો હતો.

વડોદરા રેલ્વે સ્ટેશનથી ૨૪ કિલોમીટર દૂર આવેલા સમલાયા સ્ટેશને રેલ્વે અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ગુડ્ઝ ટ્રેન સાથે જબરજસ્ત ધડાકા સાથે ટકરાઈ હતી. રેલ્વે અકસ્માતની આ દુર્ઘટનામાં બન્ને ટ્રેનના એન્જીન ડ્રાયવર સહિત ૧૬ વ્યક્તિના કમોતે મોત નિપજ્યા હતા. આ ઉપરાંત સાબરમતી એક્સપ્રેસના ૧૫૦ જેટલા પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી.

સમલાયા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગંભીર અકસ્માત નડયો હોવાના સમાચાર મળતાં વડોદરાથી રેલ્વેના અધિકારીઓ તેમના સ્ટાફ સાથે દુર્ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત હાલ રાજકોટ શહેર પોલીસ દળમાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોટ ત્યારે રેલ્વે પોલીસ અધિક્ષકનો કાર્યભાર સંભાળતા હતા. આથી તેઓ પણ રેલ્વે પોલીસના કાફલા સાથે સમલાયા રેલ્વે સ્ટેશને દોડી આવ્યા હતા.

સહુપ્રથમ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી સહુએ યુધ્ધના ધોરણે શરૃ કરી દીધી હતી. જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં લોકોના થોકબંધ ટોળા ઉમટી પડયા હતા. સમલાયા રેલ્વે સ્ટેશને ત્યારે ભલભલાના કાળજા કંપાવી મૂકે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રેલ્વે સ્ટેશન પરિસરમાં રેલ્વે પોલીસ તથા રેલ્વે કર્મચારીઓએ શરૃ કરી દીધેલી બચાવ કામગીરીમાં લોકોના ટોળા પણ જોડાઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પૂરી કર્યા પછી વડોદરા રેલ્વે પોલીસે ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતની નોંધ કરીને કયા સંજોગોમાં આ ગમખ્વાર અકસ્માતની દુર્ઘટના સર્જાઈ તેના અનુસંધાનમાં રેલ્વે પોલીસ અધિક્ષક અનુપમસિંહ ગેહલોટે તેમના સહાયક અધિકારીઓની ટીમ સાથે સઘન તપાસ શરૃ કરી હતી. દરમ્યાન ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાત અધિકારીઓની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી.

સહુની સહીયારી સઘન તપાસમાં સમલાયા રેલ્વે સ્ટેશન નજીકની 'બી' કેબીન કે જેમાં સિગ્નલ સિસ્ટમ ગોઠવવામાં આવી છે જ્યાં કોઈએ ચેડાં કરીને આ ભયાનક દુર્ઘટનાને અંજામ આપ્યો હોવાના પૂરાવા પ્રાપ્ત થયા હતા.

સાથે જ આ ગૂનાઈત કાવતરાને રેલ્વે કર્મચારીઓએ જ અંજામ આપ્યો હોવાનું અનુપમસિંહ ગેહલોટે સાહજીક અનુમાન કર્યું હતું. આ અનુમાનના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. જેમાં સમલાયા સ્ટેશનની 'બી' કેબીન નજીકનો રીલે રૃમ અત્યંત સુરક્ષિત છે અને નિયમ મુજબ જ તેને ખોલવામાં આવે છે. આમ છતાં કોઈ રેલ્વે કર્મચારીએ રીલે રૃમ પોતાની પાસેની ચાવીથી ખોલ્યો હતો. ત્યારબાદ રીલે રૃમની સર્કિટ સાથે ચેડાં કર્યા હતા.

જે દરમ્યાન સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને પસાર થવા સિગ્નલ આપી દીધો હતો. આથી આ ટ્રેન પૂરઝડપે-ધસમસતી આગળ વધી રહી હતી ત્યારે જ થોડેક જ દૂર આ જ ટ્રેક પર ઊભી રહેલી ગુડ્ઝ ટ્રેન સાથે જબરજસ્ત ધડાકા સાથે ટકરાઈ હતી. જેના પરિણામે રેલ્વે અકસ્માતની આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.

વડોદરા રેલ્વે પોલીસે આ ગૂનાઈત કાવતરામાં સંડોવાયેલા કર્મચારીઓના વિરૃધ્ધમાં ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩ તથા ૪૨૭ અને ૧૧૪ તેમજ રેલ્વે સુરક્ષા ધારા હેઠળ ગૂનો દાખલ કરીને ધરપકડની કાર્યવાહી ફટાફટ શરૃ કરી દીધી હતી.

રેલ્વે પોલીસે સમલાયા રેલ્વે સ્ટેશન ઉપર ઈલેક્ટ્રીકલ સિગ્નલ મેઈન્ટેનન્સ તરીકે ફરજ બજાવતા (૧) બળદેવ જેસીંગભાઈ બારીયા, (૨) હેલ્પર ભોદુભાઈ પુનાભાઈ બારીયા, (૩) સ્વીચમેન જેસીંગ લાલભાઈ વસાવા સહિત ચાર રેલ્વે કર્મચારીની ધરપકડ કરીને તેમની સખ્તાઈપૂર્વક પૂછપરછ બાદ આ દુર્ઘટનાની તમામ માહિતી એકત્રિત કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

વડોદરા રેલ્વે પોલીસે આ ગૂનાના અનુસંધાનમાં તમામ પુરાવા એકત્રિત કરવા સાથે સાક્ષીઓના નિવેદનોની કાર્યવાહી પૂર્ણ કરીને અદાલતમાં કેસ રજુ કર્યો હતો. જો કે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી નાંખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તે હકિકતનો અદાલતે સ્વીકાર કર્યો ન હતો.

જવાબદાર આરોપી એવા રેલ્વે કર્મચારીઓની બેદરકારી અને ગફલતના પરિણામે રેલ્વે અકસ્માતનો આ બનાવ બન્યો હોવાની બચાવ પક્ષની અસરકારક દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી હતી. આથી ચારેય રેલ્વે કર્મચારી એવા આરોપીઓના વિરૃધ્ધમાં મુખ્યત્વે ઈ.પી.કો. કલમ ૩૦૪ હેઠળ (અપરાધ મનુષ્ય વધ કે જેનો ખૂનના ગૂનામાં સમાવેશ થતો નથી.) ચાર્જ ફ્રેઈમ કર્યો હતો.

સમલાયા રેલ્વે સ્ટેશનની આ ગમખ્વાર દુર્ઘટનાને આજે ૧૩-૧૩ વર્ષો પસાર થઈ ગયા છે. ચાર આરોપીઓમાંથી બે આરોપી આ ફાની દુનિયા છોડીને ભગવાનના ઘેર પહોંચી ગયા છે. હવે માત્ર બે જ આરોપી જીવિત રહ્યા છે. અદાલત આ બન્ને આરોપીના ભાવિનો કેવો ચૂકાદો આપશે તેની હાલ તો રાહ જોવાઈ રહી છે.

આ કેસની જુની યાદ અત્રે રજુ કરવા સાથે જ વીસેક દિવસ પહેલાં ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ધારેવાડા રેલ્વે સ્ટેશને બની ગયેલી ઘટનાની પાછળ ટ્રેનને ઉથલાવી નાંખવાનું કાવતરું ઘડાયું હોવાની જોરશોરથી વહેતી થયેલી વાતોએ પણ ખળભળાટ મચાવી મૂક્યો હતો. સિધ્ધપુર શહેરથી માત્ર ત્રણેક કીલોમીટર દૂર આવેલા ધારેવાડા રેલ્વે સ્ટેશને તા. ૧૩મી ફેબુ્રઆરીને મંગળવારની વહેલી પરોઢના પાંચેક વાગ્યાના સૂમારે જબરજસ્ત સનસનાટી મચી ગઈ હતી.

અમદાવાદ-દિલ્હી રૃટના  ધારેવાડા રેલ્વે સ્ટેશન રેલ્વે લાઈન ઉપર 'કટ માર્ક' તથા ઘસરકાના તાજા ચિહ્નો જોવા મળ્યા હતા. આ સાથે જ ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની અફવા પણ આંધીની જેમ ફરી વળતાં ધારેવાડા રેલ્વે સ્ટેશને લોકોના ટોળાં ઉમટી પડયા હતા.

દરમ્યાન મહેસાણા રેલ્વે પોલીસના અધિકારી પણ તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. સાથે જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતને પણ તપાસમાં મદદરૃપ થવા માટે બોલાવી લીધા હતા. ધારેવાડા રેલ્વે સ્ટેશન વિસ્તારની રેલ્વે લાઈનનું પોલીસે ઝીણવટપૂર્વક નીરીક્ષણ શરૃ કર્યું ત્યારે રેલ્વેના બે પાટાના ભાગને જોઈન્ટ કરતી ''લોક પેન્ડલ ક્લીપ''ના બે ટૂકડા મળ્યા હતા. એફ.એસ.એલ.ની ટીમે આ સઘળી ચીજવસ્તુ તપાસાર્થે કબજે કરી હતી.

રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓએ શરૃ કરેલી પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાના કોઈ મજબૂત પૂરાવા સાંપડયા ન હતા. આ રેલ્વે લાઈન ઉપરથી રાત્રી દરમ્યાન પૂરઝડપે પસાર થઈ રહેલી કોઈ ટ્રેનના અતિશય દબાણના પરિણામે રેલ્વે ટ્રેકને નુકસાન થયાનું જાણવા મળ્યું ત્યારે સહુએ રાહતના શ્વાસ લીધા હતા.

દરમ્યાન આ રેલ્વે લાઈનને રીપેર કરવાની કામગીરી પણ સત્વરે પૂરી કરી દેવામાં આવી હતી. જેના પરિણામે રેલ્વે વ્યવહાર પૂર્વવત રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે.

મહેસાણા રેલ્વે પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પી.એફ. પઠાણે પણ ધારેવાડા રેલ્વે સ્ટેશનના આ બનાવ અંગે જાણવા જોગ નોંધ કરીને તપાસ જારી રાખી છે. જો કે આ ઘટના પાછળ કોઈ ભાંગફોડ કે ગૂનાઈત કાવતરું હોવાની શંકાનો છેદ ઉડાડી મૂકતાં કહ્યું છે કે આવા કોઈ જ પૂરાવા કે તથ્યો સાંપડયા નથી. હાલ તો ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments