For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મૂળ અમદાવાદના કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર અનાજ ચોરીના ખોટા આરોપ

Updated: Apr 26th, 2024

મૂળ અમદાવાદના કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપર અનાજ ચોરીના ખોટા આરોપ

Gujarati students in Canada: મૂળ અમદાવાદના પણ કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા મેહુલ પ્રજાપતિ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલા, ગેરસમજણ અને ભારતીય નાગરિકો વિરૂદ્ધની સ્થાનિક લાગણીનો ભોગ બન્યો છે. મેહુલ છ દિવસથી પોતાની રૂમમાંથી બહાર નથી નીકળ્યો, કોલેજમાં હાજરી નથી આપતો અને મેન્ટલ કાઉન્સેલિંગ હેઠળ છે. વિદ્યાર્થીને મફત રાશન કેવી રીતે મળે એવી સલાહના વીડિયોમાં મેહુલ પ્રજાપતિ દોષિત ઠરી ગયો. 

કેનેડામાં વિદ્યાર્થીઓ અને નોકરી વાંચ્છુકોની હાલત કફોડી 

કેનેડામાં મોંઘવારી, નોકરીઓની અછતના કારણે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ અને નોકરી વાંચ્છુકોની હાલત કફોડી છે. ભારત કરતા જીવનધોરણ વધારે ઊંચું હોવાથી ભારતીયોની તકલીફ અનેકગણી વધારે છે. આ સમયે કોલેજ, યુનિવર્સિટીએ શરૂ કરેલી મફત ફૂડ અને જરૂરી ચીજોનો લાભ કેવી રીતે મેળવી શકાય એની માહિતી આપતો એક વીડિયો મેહુલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર 14મી અને 16મી એપ્રિલ દરમિયાન પોસ્ટ કર્યો હતો.

લોકો મેહુલને વિલન તરીકે ચીતરી રહ્યા છે

આ વીડિયો પછી રેડિટ નામની અન્ય સાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કોઈએ શેર કરી મેહુલ પ્રજાપતિ લાખો ડોલરનો પગાર મેળવતો હોવા છતાં મફત રાશન મેળવી રહ્યો છે, એવા સંદેશ સાથે લોકોએ શેર કર્યો. આ ખોટા સંદેશના કારણે મેહુલની સેવાની વૃત્તિ અત્યારે રોષનો ભોગ બની છે. લોકો મેહુલને વિલન તરીકે ચીતરી રહ્યા છે. હકીકતમાં મેહુલ જે કંપનીમાં નોકરી કરતો હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યાં તેમણે વિદ્યાર્થી તરીકે ડિસેમ્બર 2023 સુધી ઈન્ટર્નશીપ કરી હતી. મેહુલ આજે પણ વિલફિડ લોરિયર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. હજી તેનું ભણતર બાકી છે.

પોતાની આપવિતી અંગે મેહુલે ટેલિફોન ઉપર જણાવ્યું હતું કે, 'અહીં સામાન્ય લોકો કે પરિવાર માટે કોમ્યુનિટી ફૂડ બેન્ક અને વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી તરફથી આ રીતે અઠવાડિયે એકવાર મફત રાશન વિતરણ ચાલે છે. મેં માત્ર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકે એના માટે વીડિયો બનાવેલો પણ અત્યારે હું વિલન છું.'

તેમણે જણાવ્યું કે, 'હું વિદ્યાર્થી છું. કોઈ કંપનીમાં કોઈ નોકરી કરતો નથી. મેં યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે રાશન લીધું છે પણ કોઈ ગેરલાભ નથી લીધો. મેં રાશનનો ગેરલાભ કેવી રીતે લેવો એવો કોઈ પ્રચાર કે ઉચ્ચારણ પણ વીડિયોમાં નથી કર્યો.' 

પોતાની વર્તમાન સ્થિતિ અંગે મેહુલ જણાવે છે કે, 'અત્યારે મારી ઘરની બહાર જવાની હિંમત નથી. 'લોકોએ ઈન્ટરનેટ પરથી મને શોધી લીધો છે. ટાર્ગેટ કરી રહ્યા છે. ધમકાવી રહ્યા છે અને બદનામ કરી રહ્યા છે.' 

મેહુલે યુનિવર્સિટીનો સંપર્ક કરી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યા

મેહુલે યુનિવર્સિટીનો સંપર્ક કરી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો છે. યુનિવર્સિટીએ બનતી સહાય કરવાની બાંહેધરી આપી છે અને આ માનસિક ત્રાસમાંથી રાહત મળે એ માટે ટેલિફોનિક મેન્ટલ કાઉન્સેલિંગ પણ આપ્યું છે. ધમકીઓ અંગે પોલીસે પણ નોંધ લઈ સઘળી મદદ કરવાની જાહેરાત કરી છે.

Gujarat