Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

પ્રેમ સંબંધોમાં શાન-ભાન ભૂલીને નીલગગનમાં વિહરતા પ્રેમી પંખીડાની પાંખો કપાઈ જવાની દર્દનાક દાસ્તાન

એક ખ્વાબ સા દેખા થા હમનેં... જબ આંખ ખૂલી તો તૂટ ગયા...!!

પતિ સાથે બેવફાઈ અને માસૂમ બાળકોને તરછોડીને પારકા પુરૃષ સાથે પ્રણયની રાસલીલા રમતી પરિણીતાનો કરૃણ અંજામ

એક યુગલે કેનાલમાં ઝંપલાવ્યું : બીજાએ ઝાડની ડાળીએ ગળાફાંસો ખાઈ લીધો : ત્રીજા યુગલે કાતીલ ઝેર ઘોળી લીધું

લગ્ન જીવનમાં ત્રીજી વ્યક્તિના પ્રવેશથી મચી જતાં ખળભળાટ અને ઝંઝાવાતમાં ઘેરાઈ ગયા પછી ક્યાંય કોઈ આરો કે ઓવારો કે પછી સથવારો નહીં મળતાં નિરાશ અને હતાશ બની ગયેલા પ્રેમી યુગલો આખરે એકબીજાના બાહુપાશમાં જકડાઈને આપઘાતના માર્ગે પ્રયાણ કરીને આ જાલીમ જગતને 'અલવિદા' કરી લેવાની બનતી સંખ્યાબંધ ઘટનાઓ પૈકીની દુ:ખદાયક કરૃણ કથાઓ અત્રે પ્રસ્તુત કરી છે.

જેમાં કેનાલમાં ઝંપલાવીને પ્રેમી પંખીડાએ જીવતેજીવ જળસમાધિ લઈ લીધી હતી. ત્યારે બીજા કિસ્સામાં ઝાડની ડાળીએ દુપટ્ટો કે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો તો વળી ત્રીજા કિસ્સામાં વેરાન વગડામાં હળાહળ વખ ઘોટીને એકબીજાના પડખામાં સમાઈને મોતને ગળે વળગાડી લીધું હતું.

અત્રે પ્રસ્તુત થયેલી કરૃણ કથાના પાત્રોમાં કોઈક પરિણીતા હોવા સાથે બાળ-બચરવાળા હતી, છતાંયે પોતાના વહાલસોયા પતિ સાથે બેવફાઈ કરીને ત્રીજા પાત્રની સાથે આંખો મિલાવીનેૅ ભાન ભૂલીને તેની ગીરફ્તમાં જકડાઈ ગઈ હતી. આખરે 'થોડી સી બેવફાઈ'ના આ કારનામાનો કરૃણ અંજામ આવ્યો હતો. આમ પતિ-પત્નીના સુખ-સંસારમાં ત્રીજા પાત્રના પ્રવેશથી સર્જાતી કરૃણાંતિકાનો સિલસિલો લગાતાર ચાલુ જ રહ્યો છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ નજીકના મહોળેલ અને પાલૈયા રોડ ઉપરથી પસાર થતી કેનાલના ધસમસતા જળપ્રવાહમાં યુવક-યુવતીની લાશ તણાઈ આવેલી તાજેતરમાં જોઈ ત્યારે સ્થાનિક રહીશોમાં ચકચાર મચી ગઈ હતી. આ સાથે જ ચકલાસી પોલીસ મથકને આ ઘટનાની જાણ કરી હતી. જેના પગલે પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

તરવૈયાની મદદથી બન્ને લાશ બહાર કાઢીને ઈન્કપેસ્ટ ભરીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવા સાથે પોલીસે પ્રાથમિક તપાસ શરૃ કરી હતી. જેમાં બન્નેની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી. યુવકનું નામ જયદીપ અનેે  યુવતીનું નામ ગીતા હોવાનું જાણવા મળ્યું હતું. આ બન્ને પ્રેમી પંખીડાએ કેનાલમાં ઝંપલાવીને જીવતે જીવ જળસમાધિના માર્ગે પ્રયાણ કરવાનું પસંદ કર્યું હતું.

ચકલાસી પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે - મહોળેલ તાબાના ખોડીયારપુરા વિસ્તારમાં રહેતા પરિવારનો પુત્ર જયદીપ સોલંકી (ઉ.વ. ૩૦) હતો. જે પરિણીત હોવા સાથે એક લાડકી દીકરીનો બાપ હતો. મહોળેલ તાળાની પાલૈયા ચોકડી પાસે રહેતા પરિવારની કુંવારી પુત્રી ગીતા સાથે આંખો મળી જતાં બન્ને વચ્ચે નાજાયજ પ્રણય સંબંધો બંધાયા હતા.

એક દીકરીના પિતા એવા જયદીપના પરિચય બાદ ભાન ભૂલી ગયેલ ગીતા તેના પ્રેમીના પ્યારમાં જકડાઈને સઘળું ભૂલી ગઈ હતી. બન્ને અલગ-અલગ સમાજના હોવાથી આવા આડા સંબંધોને તેમનો સમાજ ક્યારેય માન્ય રાખશે નહીં તેની વાસ્તવિકતા જાણવા છતાંયે બન્ને ભાન ભૂલીને એકબીજામાં સમાઈ જવાના શમણામાં બેખબર બનીને ખોવાઈ ગયા હતા.

આખરે આવા અનૈતિક સંબંધોનો સમાજ ક્યારેય સ્વીકાર નહીં કરે તે હકિકતનું ભાન થતાં તેમજ ચોમેર પથરાયેલા ઘનઘોર અંધકારમાંથી ઉજાસનું કિરણ શોધવા માટે ફાંફા મારી રહેલા આ પ્રેમી પંખીડાને ક્યાંયથી કોઈ સહારો કે આશરો સાંપડયો ન હતો.

છેવટે બન્નેએ એકબીજાના બાહુપાશમાં જકડાઈને કેનાલમાં ઝંપલાવીને જળસમાધિ લઈ લીધી હતી. આમ ચકલાસી પોલીસે પ્રાથમિક તપાસ બાદ ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૭૪ની જોગવાઈ હેઠળ જાણવાજોગ નોંધ રજીસ્ટરમાં ટપકાવીને આ પ્રેમપ્રકરણ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રેમી પંખીડાની આત્મહત્યાની બની ગયેલી આ કરૃણ ઘટનાઓએ ત્યારે સ્થાનિક રહીશોમાં ચકચાર મચાવી મૂકી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નજીક માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં વિખ્યાત ગણાતો તરણેતરનો ભાતીગળ લોકમેળો મહાલીને ઘર તરફ પ્રયાણ કરી રહેલા યુવક-યુવતીએ હવે ફરી ક્યારે મળીશું અને ફરીવાર ક્યારે આવા લોકમેળામાં જઈને મોજ-મઝા માણીશું તે વિચારમાં અટવાતા-અફળાતા અને પ્રણયના ફાગ ખેલવાનો હવે ફરી ક્યારેય મોકો નહીં મળે તે ખ્યાલથી દુ:ખી બનીને ઝાડની ડાળીએ ગળાફાંસો ખાઈને આ દુનિયામાંથી આખરી વિદાય લઈ લીધી હતી.

ચોટીલા પોલીસ મથકની હદના નાના પાળીયાદ ગામની સીમમાં આવેલા મેલડી માતાજીના મંદિર નજીકના બોરડીના ઝાડની ડાળીએ યુવક-યુવતીની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકી રહ્યાના સમાચાર મળતાં તત્કાલીન હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા (હાલ સબ ઈન્સ્પેક્ટર તરીકે બઢતી) તેમના સહાયક વિજયસિંહ મહીપતસિંહ ખેરને સાથે લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા ત્યારે ત્યાં એકત્રિત થઈ ગયેલા લોકટોળામાં ઘેરા દુ:ખની લાગણી વ્યાપી ગઈ હતી.

પોલીસે યુવક-યુવતીની લાશ નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. ત્યારબાદ ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૭૪ની જોગવાઈ હેઠળ અકસ્માત મોતની રજીસ્ટરમાં નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગળાફાંસો ખાઈને જીવતર ટૂંકાવી લેનાર આ પ્રેમીયુગલની આખરે ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.

ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામના આ પ્રેમી પંખીડા હતા. યુવતીનું નામ ચેતના (ઉ.વ. ૨૦) હતું અને યુવકનું નામ મહેશ (ઉ.વ. ૨૩) હતું. બન્નેની આંખો મળી જતાં નવી દુનિયા વસાવવાના શમણાં જોઈને પ્રેમસાગરમાં વિહાર કરતા હતા. જો કે બન્નેના પ્રેમમાર્ગની વચ્ચે નાત-જાતની અડીખમ દિવાલ ઊભી હતી. બન્નેને વાત સમજાઈ ચૂકી હતી કે સમાજના કહેવાતા ઠેકેદારો તથા ઘરના વડીલો તેમના પ્રેમ સંબંધને ક્યારેય માન્ય રાખશે નહીં.

ગત વર્ષના ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં હાથમાં હાથ પરોવીને નીકળી પડયા હતા. ઘરથી દૂર તથા વડીલોની પહોંચથી દૂર તરણેતરનો મેળો મહાલવા ગયા હતા. બન્નેએ મન ભરીને મેળાની મોજ માણી હતી. હવે ઘર તરફ પાછા ફરવાની ઘડી નજીક આવી ગઈ હોવાના ખ્યાલથી બન્ને વિષાદમાં ડૂબી ગયા હતા. આ ભવમાં તો ક્યારેય એકબીજામાં ભળી નહીં શકાય તેવા વિચારથી વ્યથીત બની ગયેલ ચેતના તથા મહેશે જીવતર ટૂંકાવી લેવાનો નિર્ધાર કરી લીધો હતો.

આ પછી ચોટીલા નજીકના નાના પાળીયાદ ગામની સીમમાં મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા હતા. જ્યાં માતાજીના અંતિમ દર્શન કરતાં તેમની આંખોમાંથી આંસૂની ધારા વહી રહી હતી. આ પછી નજીકના બોરડીના ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને મોતને ગળે વળગાડી લીધું હતું. આ સાથે જ એક હતાશ-નિરાશ પ્રેમીયુગલની કરૃણ કથા ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.

મહેશ-ચેતનાના આપઘાતની આ કરૃણ ઘટનાને માંડ બે મહિના પુરા થયા હતા ત્યાં વધુ એક પ્રેમીપંખીડાએ ગળાફાંસો ખાઈને આ જાલીમ જગતને અલવિદા કરી લીધી હતી. ઝીંઝુવાડા પોલીસ મથકની હદના ધામા-નગવાડા ગામના કાચા માર્ગે ઝાડની ડાળીએ દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીની લાશ લટકી રહી હોવાની જાણ થતાં સબ ઈન્સ્પેક્ટર આર.આર. બંસલ તેમના સહાયક માનાભાઈ રબારી તથા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બન્ને લાશ નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રવાના કરવાની કાર્યવાહી પૂરી કર્યા પછી માનાભાઈ રબારીએ તેમનાં નામઠામની માહિતી મેળવવાની દિશામાં તપાસ શરૃ કરી હતી. જેમાં પરિણીતા સાથે છાનાછૂપા પ્રેમ સંબંધોનો આવો કરૃણાંત આવ્યાની હકિકત જાણવા મળી હતી.

પાટડી તાલુકાના ઝીંઝુવાડાની ટીની નામની યુવતીના ધામા ગામના ટીના નામધારી યુવક સાથે સામાજીક રીતરિવાજ અનુસાર લગ્ન થયા હતા. લગ્ન બાદ ટીની ધામા ગામે તેની સાસરીમાં આવી હતી. જ્યાં એક દિકરીની માતા બની ગઈ હતી. જો કે કોણ જાણે કેમ કે પછી કયા સંજોગોમાં ધામા ગામના મજુરી કામ કરીને પેટીયું રળી ખાતા યુવક વીનુ સાથે ટીનીની આંખ મળી ગઈ હતી.

આ બન્ને વચ્ચે ત્યારબાદ છાનીછૂપી મુલાકાતોનો સિલસિલો શરૃ થઈ ગયો હતો. જો કે ટીની પરિણિત હતી અને એક દીકરીની માતા પણ હતી. આ સંજોગોમાં પતિ સાથે બેવફાઈ કરવી કે પછી લાડકી દીકરીને ભગવાનના ભરોસે છોડી દેવી? તે પ્રશ્નોનો જવાબ શોધવામાં તે મુંઝાઈ રહી હતી અને મનમાં ને મનમાં ગભરાઈ રહી હતી.

જે પારકા પુરૃષનો પોતાના પ્રેમી તરીકે સ્વીકાર કરી લીધો છે તે વીનું સાથે આ જનમારામાં તો ક્યારેય નવું ઘર વસાવવા નહીં મળે તે વિચારથી વ્યથિત બની ગયેલી ટીનીએ આખરે હૈયું કાઠુ કર્યું હતું.
એક સમી સાંજના ટીની તથા વીનુ વચ્ચે ખાનગી મિલન થયું હતું. આ જ ઘડીએ બન્ને ધામા ગામને છેલ્લી વારના રામ... રામ... કરીને નીકળી પડયા હતા.

ઘર છોડયું... ગામ છોડયું... પરંતુ હવે ક્યાં જઈશું? શું કરીશું? તે વિકરાળ પ્રશ્નોના જવાબ શોધવામાં બન્ને ગોથા ખાઈ રહ્યા હતા. ચારેબાજુ ઘનઘોર અંધકારનો ઓછાયો પથરાઈ ગયો હતો. ઉતાવળે ઘર તો છોડયું પરંતુ હવે પાછા કેવી રીતે ફરવું તેનો કોઈ જ જવાબ મળતો ન હતો. આખરે આ પ્રેમીયુગલે પણ ધામા-નગવાડા ગામના કાચા માર્ગ ઉપરના એક ઝાડની ડાળીએ દુપટ્ટા બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

સમાજના રીતરિવાજના બંધનો, સમય તથા સંજોગો સામે લાચાર-વિવશ બનીને આત્મહત્યાની અંતિમ મંઝિલ ઉપર કદમ માંડતા પ્રેમીયુગલોના દર્દનાક અંજામની વધુ એક કરૃણ ઘટના બામણબોર પોલીસ મથકની હદમાં  બની ગઈ.

જેમાં ત્રણ સંતાનોની માતા એવી પરિણીતા એક અપરણિત યુવક સાથેના સાહજીક પરિચયમાં ભાન ભૂલીને આંધળી બની ગઈ. છેવટે આ પરિણીતા પણ તેના માની લીધેલા પ્રેમી સાથે હળાહળ વિષપાન કરીને આવતા ભવમાં નવી દુનિયા વસાવવાના શમણાં આંખોમાં ભરીને દૂર દૂર ચાલી નીકળી હતી.

ચોટીલા તાલુકાના ચોબારી ગામની સીમમાં વીડીના ડુંગરની ધારે જંગલ વિસ્તારમાં યુવક-યુવતીની કહોવાઈને વિકૃત થઈ ગયેલી અને ભયાનક દુર્ગંધ ફેલાવતી લાશ પડી હોવાના સમાચાર મળતાં બામણબોર પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ તેમના મદદનીશ ખુશાભાઈ સોલંકી અને ટીમ સાથે ડુંગર ઉપર દોડી આવ્યા હતાં. જ્યાં યુવક-યુવતીની અત્યંત દર્દનાક દશામાં પડેલી લાશ જોઈને  ક્ષણભર માટે આઘાત અનુભવ્યો હતો.

બન્નેની લાશ એકબીજાના પડખામાં સમાઈને પડી હતી. અત્યંત વિકૃત તથા કહોવાઈ ગયેલી લાશો ઉપર કીડા ખદબદી રહ્યા હતા અને માથુ ફાટી જાય તેવી ભયાનક દુર્ગંધ વાતાવરણને ઔર ભયાનક બનાવી રહી હતી. બન્ને લાશની બાજુમાં ઠંડા પીણા સ્પ્રાઈટની ખાલી બોટલ તથા પાણીના ખાલી પાઉચ પડયા હતા.

વેફરનું ખાલીખમ પેકેટ પડયું હતું. આ ઠંડા પીણામાં કાતીલ ઝેર ભેળવીને તેને હળવે-હળવે ગળા હેઠળ ઉતારીને આ પ્રેમીયુગલ મોતની આગોશમાં ખોવાઈ ગયું હતું. બન્ને લાશની થોડેક દૂર એક બાઈક પડયું હતું જેના આધારે પ્રેમીયુગલના કરૃણ અંજામની કથાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.

કુવાડવા નજીકના બારવણા ગામનો યુવક સાગર (ઉ.વ. ૨૫) ઢાંઢીયા ગામની ત્રણ સંતાનોની માતા સોનુ (ઉ.વ. ૩૦)ના પ્રેમમાં જકડાઈ ગયો હતો. સમાજની નજરે આવા છાનાછૂપા પ્રેમ સંબંધો ઉપર 'આડા સંબંધો'નું જડબેસલાક લેબલ હતું. આથી આવા સંબંધોને સમાજ ક્યારેય માન્યતા આપશે નહીં તે વાસ્તવિકતાની બન્નેને જાણકારી હોવા છતાંયે બન્ને એકબીજામાં સમાઈ જવાના જુઠા સ્વપ્નોમાં ખોવાઈ ગયા હતા.

આખરે બેબસ-લાચાર બનીને બન્નેએ હળાહળ વિષપાન કરીને મૃત્યુના માર્ગે પ્રયાણ કરી લીધું હતું. પ્રેમી યુગલોની આત્મહત્યાની આ ચારેય કરૃણ કથાના નાયક-નાયિકામાં કોને દોષ દેવો? કોને અપરાધી ગણવો? તે પ્રશ્નનો કોઈ જ જવાબ નથી. માત્ર તેમની કરૃણાંતિકાની કથાને એક નિયતિ તરીકે જ સહુએ માનવી રહી..!!!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments