Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

અધમ અપરાધને અંજામ આપનાર ગામના 'જનગુરૃ'ની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે કાયમ રાખી

મહાકાલિકા માતાજીને પ્રસન્ન કરવા બાળકનો બલિ ચડાવ્યો

ગરીબ ખેડૂતના એકના એક દીકરાનો 'બલિ' ચડાવનાર હત્યારાએ પોતાના જ દીકરાનો 'બલિ' શા માટે ના ચડાવ્યો?

બિહાર રાજ્યના વિભાજન બાદ નવા બનેલા ઝારખંડ રાજ્યના જામતારા પોલીસ મથકની હદના છેવાડા ઉપરના અંતરીયાળ ગામના સીમાડા ઉપર 'બાર કી દાગોલ' નામથી ઓળખાતા તળાવમાં પધરાવી દેવાયેલો થેલો પોલીસે ગામલોકોની મદદથી બહાર કઢાવીને નાનકડા બાળકના ધડનો ભાગ કબ્જે લીધો હતો.

આ જ ગામના દેવી ભગત તથા ગામલોકોમાં 'જનગુરૃ' તરીકે આદરણીય એવા સુશીલ મુરમુએ સુખ-શાંતિ તથા અપાર સમૃધ્ધિ પ્રાપ્ત કરવાની અંધશ્રધ્ધામાં અટવાઈને મહાકાળી માતાજીની મૂર્તિ સમક્ષ આ જ ગામના સોમલાલ બેસરાના નવ વર્ષના એકના એક લાડકવાયા દીકરાનો 'નરબલિ' ચડાવી દીધો હતો. આજથી વીસેક વર્ષો પૂર્વે બનેલી હીચકારી હત્યાની આ ઘટનાને અંજામ આપનાર દેવી ભગત સુશીલ મુરમુની પોલીસે ધરપકડ કરીને તપાસનો દોર આગળ વધાર્યો હતો.

કાલી માતાજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કરવા 'નરબલિ' તરીકે ચડાવી દેવાયેલા માસૂમ બાળક ચીરકુ બેસરાના માથાનો ભાગ કબ્જે કરવા પોલીસે હત્યારા સુશીલ મુરમુ તથા ગામલોકોને સાથે રાખીને તપાસનો દોર આગળ વધાર્યો હતો.

મુરગાબાની તથા તોરોખેરીયા ગામના સીમાડા ઉપરની એક વેરાન જગ્યામાં સુશીલ મુરમુ પોલીસ ટીમને લઈ આવ્યો હતો. જ્યાં તોરણા દાગોલના ગઢ્ઢા તરીકે ઓળખાતા કાદવ-કીચડથી ભરેલા ખાડામાં બાળકનું માથુ ફેંકી દીધું હોવાની કબૂલાત કરી હતી. આ પછી પોલીસે આ ખાડામાંથી પ્લાસ્ટીકની કોથળી બહાર કઢાવી હતી. જેમાંથી નાનકડા ચીરકુનું કપાયેલું માથું મળી આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે હત્યારા સુશીલ મુરમુના ઘરમાં તપાસ શરૃ કરી હતી. જે દરમ્યાન કાલી માતાજીની મૂર્તિ જ્યાં સ્થાપિત કરવામાં આવી હતી તે રૃમની દિવાલો ઉપર લોહીના ડાઘા જોવા મળ્યા હતા. આ ઉપરાંત લોહીથી ખરડાયેલી સૂકાઈ ગયેલી માટી પણ પોલીસે કબ્જે કરી હતી. આ જ ઘરમાં જ્યાં એક ખૂણામાં મનસા દેવી માતાજીના મૂર્તિ પધરાવવામાં આવી હતી તેની છતના છાપરામાં છૂપાવી રાખેલ લોહીના ડાઘાવાળું તલવાર જેવું હથિયાર પણ પોલીસે શોધી કાઢ્યું હતું.

આમ વર્ષો પૂર્વે બિહાર રાજ્યમાં હાહાકાર મચાવનાર માસૂમ બાળકના 'નરબલિ' હત્યાકાંડના ગુનાને અંજામ આપનાર ખલનાયક સુશીલ મુરમુ તથા તેના આવા અઘોર અપરાધના કારનામામાં મદદગાર તરીકે ભુમિકા ભજવનાર તેની પત્ની ભામિનીદેવી તથા વયોવૃધ્ધ માતા રાજમણી માંઝીની પોલીસે ખૂન તથા પૂરાવાના નાશના ગૂના બદલ ધરપકડ કરીને જામતારા સેશન્સ અદાલત સમક્ષ કેસ રજુ કર્યો હતો.

ટ્રાયલ કોર્ટમાં સુનાવણી દરમ્યાન હત્યારા સુશીલ મુરમુએ ન્યાયાધીશ સમક્ષ બન્ને હાથ જોડીને વિલાપ કરતાં કહ્યું હતું કે - ''આવો કોઈ જ અપરાધ મેં કર્યો નથી... હું સાવ નિર્દોષ છું... ચીરકુનો 'નરબલિ' બીજા જ કોઈ અજાણ્યા તાંત્રિકે ચઢાવી દીધો છે અને મને આ ગૂનામાં પોલીસે ખોટો ફસાવી દીધો છે..!!!''

જામતારાની જીલ્લા અદાલતના ન્યાયાધીશ સમક્ષ પોલીસે ગૂનો પૂરવાર કરવા સંખ્યાબંધ ગામલોકોને સાક્ષી તરીકે રજૂ કરીને કેસને મજબૂત બનાવી દીધો હતો. આ ઉપરાંત જડબેસલાક કહી શકાય તેવા સાંયોગીક પૂરાવા ઉપરાંત તબીબી પૂરાવા રજુ કર્યા હતા.

આખરે સેશન્સ અદાલતે આવો અધમ અપરાધ આચરનાર હત્યારા સુશીલ મુરમુ વિરૃધ્ધનો ગૂનો ''રેરેસ્ટ ઓફ રેર''ની વ્યાખ્યામાં આવતો હોવાનું ઠરાવીને ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે આ કાળા કારનામાને આખરી અંજામ આપવામાં મદદગાર તરીકે ભૂમિકા ભજવી હોવાનો જેમના વિરૃધ્ધ આરોપ હતો તે હત્યારા સુશીલ મુરમુની પત્ની ભામિનીદેવી તથા માતા રાજમણી માંઝીને શકનો લાભ આપીને છોડી મૂક્યા હતા.

ડીસ્ટ્રીક્ટ અદાલતે સુશીલ મુરમુને હાઈકોર્ટની મંજુરીની અપેક્ષાએ ફાંસીની સજા ફરમાવી હતી. આ ઉપરાંત પૂરાવાનો નાશ કરવા બદલ ઈ.પી.કો. કલમ ૨૦૧ હેઠળના ગૂનામાં સાત વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી હતી. આ ચકચારભર્યા કેસની સુનાવણી ઝારખંડની હાઈકોર્ટ સમક્ષ નીકળી હતી. જેમાં ટ્રાયલ કોર્ટે સુશીલ મુરમુને ફરમાવેલી ફાંસીની સજાનો હૂકમ હાઈકોર્ટે કાયમ રાખ્યો હતો અને આરોપીની અપીલ ફગાવી દીધી હતી.

ઝારખંડની હાઈકોર્ટે કાયમ રાખેલ ફાંસીની સજાના હુકમને ગેરકાયદેસર તથા રદબાતલ ઠરાવવાની દાદ માંગતી અપીલ સુશીલ મુરમુએ ભારતની સર્વોચ્ચ અદાલતમાં કરી હતી. જ્યારે બીજી બાજુ ઝારખંડ સરકાર તરફથી પણ ફાંસીની સજા યથાયોગ્ય હોવાથી તેને કાયમ રાખવા અરજી કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ દોરાઈસ્વામિ રાજુ તથા ન્યાયમુર્તિ અરિજિત પસાયતની ડીવીઝન બેન્ચ સમક્ષ આ કેસની આખરી સુનાવણી નીકળી હતી. જેમાં એડવોકેટ અનિલકુમાર મિત્તલે કોર્ટના મદદકર્તા તરીકે (એમાઈક્સ ક્યુરી) તથા ઝારખંડ સરકાર તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી એ.ટી.એમ. રંગારામાનુજમે અસરકારક રજુઆતો કરી હતી.

જે દરમ્યાન કયા સંજોગોમાં અપરાધીની ફાંસીની સજા માન્ય રાખવી જોઈએ તેનો નિર્દેશ કરતાં અનેક ચૂકાદા રજુ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની ડીવીઝન બેન્ચે આ કેસમાં રજુ થયેલા પૂરાવા તથા સાક્ષીઓની જુબાનીની કાળજીપૂર્વક છણાવટ કરી હતી. આખરે હત્યારા સુશીલ મુરમુને 'નરબલિ'નો ગૂના બદલ ટ્રાયલ કોર્ટે ફરમાવેલ ફાંસીની સજાનો હૂકમ કાયમ રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં નોંધ્યું હતું કે - હત્યારા સુશીલ મુરમુએ દેવીને પ્રસન્ન કરીને તેમનું વરદાન મેળવવા અંધશ્રધ્ધાના ચકરાવામાં ફસાઈને માસૂમ બાળક ચીરકુનો નરબલિ ચડાવી દીધો હતો. આ બાળકના સ્થાને તેનો જ દીકરો બિરદ મુરમુ નાનકડા ચીરકુનો જીગરજાન દોસ્ત હતો તેનો જ શા માટે નરબલિ ના ચડાવ્યો? ગામના જ એક ગરીબ-શ્રમજીવી ખેડૂતના દીકરાનો નરબલિ ચડાવી દઈને સુશીલ મુરમુએ અધમાઅધમ ગણી શકાય તેવા અપરાધને અંજામ આપ્યો હતો. આ સંજોગોમાં ઘાતકી હત્યારાને ટ્રાયલ કોર્ટે ફરમાવેલી ફાંસીની સજા યથાયોગ્ય છે અને તેના સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી.

સુપ્રીમ કોર્ટની ડીવીઝન બેન્ચે અંગ્રેજી લેખક એ.એફ. જુલીયા કેબનીના 'લીટલ થીંગ્સ્' નામના પુસ્તકના કેટલાક અવતરણો ટાંક્યા હતા.

આ અવતરણોમાં જણાવાયું છે કે - ''માણસાઈનું ટીંપુ-ટીંપુ ભેગું થઈને માનવતાનો મહાસાગર બનાવે છે. અનાજનો એક-એક દાણો ધરતીમાં ધરબાઈને ધરતીને હરીભરી હરિયાળી બનાવે છે. પ્રેમનો એક નાનકડો શબ્દ કે પછી માનવતાનું નાનકડું કાર્ય આ ધરતી ઉપર સ્વર્ગથીયે વિશેષ ખુશહાલીની ચાદર બિછાવી છે. જ્યારે આ કેસમાં અપરાધીએ જે ભયાનક-અઘોર હત્યાના કારનામાને અંજામ આપ્યો છે તેના પગલે માનવતાના સંગીતના સુમધુર સૂર વિલાઈ ગયા છે.

માનવતાના ઉચ્ચત્તમ મૂલ્યોની વાતો અંધકારમાં ખોવાઈ ગઈ છે. બસ હવે તો સર્વત્ર ઉદાસી-ગમગીનીનો ભારેખમ ઓથાર પથરાઈ ગયો છે. મનને પ્રસન્ન કરતા સંગીતના સૂર કરૃણ આક્રંદમાં ખોવાઈ ગયા છે. માનવીના ભીતરને હચમચાવી મૂકે તેવી નિરવતા ચોમેર પથરાઈ ગઈ છે!!''
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments