Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

લૂંટેરે

મોદી લલિત + માલ્યા વિજય + મોદી નિરવ = ૨૭,૪૦૦ કરોડ

બુકાની બાંધ્યા વિના બેંકોમાં લૂંટ ચલાવી : વ્હાઈટ કોલર લૂંટારા : સમાજની વચ્ચે રહીને સીફતભરી સફાઈ

સરહદે સરકાર ઘૂસણખોરો નથી રોકી શકતી એમ બેંક કૌભાંડ કરીને ભાગેલાઓને પણ રોકી શકતી નથી

એક સમય હતો કે જ્યારે ઘોડા પર બેસીને આવેલી ડાકુઓની ટોળી બેંક પર ત્રાટકતી હતી, ત્યારબાદ લૂંટારાઓ ધાંય-ધાંય ગોળીબારો કરીને બેંકમાંની કેશ આંચકી જતા હતા. હિન્દુસ્તાનમાં ગુંડા ટોળકી લૂંટ ચલાવતી હતી. ત્યારબાદ ભારતમાં હર્ષદ મહેતા, લલિત મોદી જેવા સલાહકારોએ સરકારને ગેરમાર્ગે દોરી બેંકોને ઉલ્લુ બનાવી હતી. હવે ન્યુ ઈન્ડિયામાં નિરવ મોદી જેવા મહા ખેલાડી મેદાનમાં આવ્યા છે. જેમણે વડાપ્રધાન મોદી સાથે પોતાના સારા સંબંધો છે એમ દર્શાવીને મોટીમસ બેંક લૂંટ કરી છે.

જ્યારે ડાકુઓ બેંક લૂટતા ત્યારે પોલીસો પાછળ પડીને ચાર-પાંચને ઢાળી દેતા હતા પરંતુ લલિત મોદી, વિજય માલ્યા, નિરવ મોદી તો એવા ચાલાક નીકળ્યા કે પોલીસ તેમના સુધી પહોંચી શકે તેમ નથી તે તો ઠીક પણ તે પોલીસને ડીંગો બતાવે છે.

લલિત મોદી, વિજય માલ્યા, નિરવ મોદી એ કૌભાંડી ત્રિપુટીએ બેંકોને ૨૭,૪૦૦ કરોડનો ચૂનો લગાવ્યો છે. આ રકમ પાછી આવશે કે કેમ? આ પ્રશ્નના જવાબ ટૂંકમાં આપીએ તો રામ... રામ... ભજો એમ કહેવું પડે!!

કોંગ્રેસ કે ભાજપમાં બહુ ફર્ક નથી. બંને બેંક કૌભાંડ અંગે એકબીજા પર આક્ષેપો કરે છે પરંતુ અંતે તો દેશના ટેક્સ ભરનારાઓને પીસાવાનું આવે છે. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલેરન્સની વાત કરતી મોદી સરકાર હાય.. હાય.. અમે શું કરીએ? એમ કહીને બેસી રહી છે. નિરવ મોદીએ તો સરકારના નાક નીચેથી કરોડો સેરવી લીધા છે.

વડાપ્રધાન મોદીનો કોર્પોરેટ પ્રેમ નિરવ મોદીના કિસ્સામાં ખુલ્લો પડી ગયો છે. વડાપ્રધાન મોદીના રસાલામાં પત્રકારોને તેમના ખર્ચે જવાનું હોય છે પણ કોર્પોરેટ કંપનીઓ તો મોદી સાથે જોડાવવા તલપાપડ હોય છે. નિરવ મોદીએ આ સ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો. પ્રજાના મનમાં અનેક પ્રશ્નો ઊઠે છે કે...

આ તે કેવું કે કાશ્મીર સરહદેથી ઘૂસણખોરો આવે અને લશ્કરના મથકો પર હુમલો કરે ત્યાં સુધી સરકાર અજાણ હોય? એવાં તો કેવા છીંડા કે ઘૂસણખોરો રોજ આસાનીથી ઘૂસી જાય? આવો જ પ્રશ્ન બેંક કૌભાંડ અંગે થાય છે. એવી કેવી સિસ્ટમ કે બેંકોમાં પડેલો પૈસો નિરવ મોદી જેવા કૌભાંડીઓ લઈ જઈ શકે?

જેમ લશ્કરના પીઠબળ કે આંખ મીચામણા વીના ઘૂસણખોરી શક્ય નથી એમ રાજકીય પીઠબળ કે રાજકીય વગ વીના બેંક કૌભાંડ શક્ય નથી. ભારતના લોકોમાં શિક્ષણનું સ્તર વધ્યું છે અને કદાચ વધુ જાગૃત થયા છે. તેમને ખબર પડવા લાગી છે કે આંતરિક મેળાપણા વીના બેંકોમાં કૌભાંડ શક્ય નથી.

બહારથી કોઈ બેંક લૂંટવા આવે તો તેને પડકારવા ૨૪ કલાકની સિક્યોરિટી રખાઈ હોય છે પણ બેંકની અંદરના ડખાનું શું? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સીએસ ભણેલા અધિકારીઓ ક્યાં તો કૌભાંડીઓને ટેકો આપતા હતા કે ડરતા હતા. બેંકોમાં લોન લેતી વખતે એકાદ વચેટીયાની જરૃર પડે છે. નિરવ મોદી જેવા તો ઘણાં ખાંટુઓ છે જેમનું ભેજું બેંકનું કેવી રીતે કરી નાખવું તેમાં જ વ્યસ્ત રહેતું હોય છે.

આપણા દેશમાં જેમ-જેમ શિક્ષણનું સ્તર વધવા લાગ્યું છે એમ એમ ભ્રષ્ટાચાર, બેંક કૌંભાડો અને છેતરપીંડીના કિસ્સાઓ વધવા લાગ્યા છે. જેમ કોઈપણ ચોરી પોલીસના સપોર્ટ વીના કે આંખ મીચામણા સિવાય શક્ય નથી એમ કોઈપણ બેંક કૌભાંડ રાજકીય પીઠબળ કે રાજકીય બેવકૂફી વીના શક્ય નથી.

નિરવ મોદી અને વિજય માલ્યા જેવાઓ રાજકારણીઓને બેવકૂફ બનાવી ગયા છે. આ લોકો ૪૦૦ રૃપિયા ફેંકીને ૪૦૦ કરોડ આંચકી ગયા છે.

પૈસા રોકવા કે બચત ઉભી કરવા માટે સૌથી સલામત સ્થાન બેન્ક છે, તેના પર સરકારનું નિયંત્રણ છે. ડિપોઝીટો પર બેંકો વ્યાજ ઓછું કરતી ગયેલી બેંકોની પોલ નોન પર્ફોર્મીંગ એસેટ, બેંક કૌભાંડો વગેરેમાં ખુલી ગઈ હતી.

લીધેલો પૈસો પાછો ન આપવો એ ગણિત આજકાલ ચલણમાં છે. પ્રાઈવેટમાં લીધેલો પૈસો ફરજીયાત પાછો આપવો પડે છે નહીંતર ધીરનારા જાહેરમાં આબરૃ લે છે. જ્યારે બેંકનો પૈસો પાછો લેવા કોર્ટમાં જવું પડે અને કેસો લાંબા ચાલે છે.

એનડીએ સરકાર હોય, યુપીએ સરકાર હોય પણ બેંકોએ સરકારને મૂરખ બનાવ્યા કરી છે. વીલફૂલ ડીફોલ્ટર્સ એટલે કે પૈસા હોવા છતાં પૈસા ભરવામાં નાગાઈ કરતાં લોકો બેંકોના એક લાખ કરોડ ઓહીયાં કરી ગયા હતા. આવા લોકો સામે જે કોઈ પગલાં લેવાયા તે માત્ર દેખાડા પૂરતા હોય છે. થોડો ઘણો તોડ થાય છે તો બાકીના એનપીએમાં જતા રહે છે.

બેંકોના કૌભાંડે લોકોની આંખ ખોલી નાખી છે. આ કૌભાંડ સાથે રાજકારણનો લૂપા-છૂપીનો ખેલ બંધ કરીને પોતાની જવાબદારી સ્વીકારવાની જરૃર છે. સરકારનું નિયંત્રણ બેંકો પર મોભા પૂરતું જ છે. પંજાબ નેશનલ બેંકમાં ૧૭૦૦૦ કરોડના કૌભાંડમાં ૧૭ની પણ ધરપકડ થઈ નથી અને કેવી રીતે પૈસા ઉપડી ગયા તેની પણ ખબર નથી. લેટર ઓફ અંડરટેકિંગના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

બેંકો સાથે કૌભાંડ કોઈ કોમનમેન કે શ્રમજીવી નથી કરવાનો પણ મોટી કંપનીઓ કે વિજય માલ્યા જેવા વગદાર લોકો જ કરતા હોય છે. વિજય માલ્યા સાંસદ હતા તો નિરવ મોદી સેલિબ્રીટીઓ સાથે ફરતા હતા. લલિત મોદી કહે કે મેં વિરાટ કોહલીને તૈયાર કર્યો છે જોકે તેનાથી તેમને કૌભાંડનું લાયસન્સ નથી મળી જતું!!

નાણાપ્રધાન અરૃણ જેટલીએ સુફીયાણી દલીલ કરી છે કે બેંકોના સ્ટાફ તેમજ અધિકારીઓમાં નૈતિકતાનો અભાવ છે. જોકે ત્યારે તરત જ રાજકીય નૈતિકતાનો પ્રશ્ન ઉઠે છે. જો રાજકારણ નૈતિકતા બતાવે તો દેશના અનેક પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. રાજામાં નૈતિકતા હોય તો જ પ્રજા તે માર્ગે વળે છે.

બેંકો સાથે દરેકને પનારો પડે છે. બેંકોના વહિવટકારો રોકાણકારો કરતાં પોતાની જાતને થોડી ઊંચી ગણે છે. દરેક બેંકોને ખુલ્લી પાડવા તેનું એનપીએ તેના બોર્ડ નીચે લખવું જોઈએ. બેંકો જેની પાસે નાણા લઈ શકતી નથી એવી વ્યક્તિઓના નામો પણ લખવા જોઈએ.

આ તબક્કે વ્હાઈટ કોલર લૂંટારાઓનું પીઠબળ પ્રજાએ નક્કી કરવું જોઈએ.

જાગો મોદી... જાગો...
છોટે મોદી છેતરે છે...


પંજાબ નેશનલ બેંકના કરોડો રૃપિયા ડૂબાડનાર નિરવ મોદીને જ્યારે કોંગ્રેસે છોટે મોદી કહ્યું ત્યારે ભાજપના નેતાઓને બરોબર ચચરી હતી. કોંગ્રેસે તરત ખુલાસો કર્યો હતો કે છોટે મોદી એટલે નિરવ મોદી અને બડે મોદી એટલે લલિત મોદી!! પંજાબ નેશનલ બેંકને છેતરનાર છોટે મોદી ક્યારે ભારતમાંથી અદ્રશ્ય થઈ ગયા તેની ખબર પણ ના પડી!! છેલ્લે તે ક્યાં હતા અને કયા વિમાનમાં ગયા તેની ડીજીટલ એન્ટ્રી ચેક કરવાની તસ્દી પણ કોઈએ નહોતી લીધી. નિરવ મોદીની ચાલાકી જોઈને નાણાપ્રધાન જેટલી પણ સ્તબ્ધ છે. ૧૩ હજાર કરોડ બેંકમાંથી સરકી જાય તે પણ કોઈ ગોળીબાર વીના કે મારધાડ વીના તે આશ્ચર્યની વાત છે.

આર્થિક નિષ્ણાતો પણ માથુ ખંજવાળે એવો કિસ્સો છે. નિરવ મોદી જેવાઓનું કશું થઈ શકે એમ નથી. વડાપ્રધાન મોદીએ ખરી ચોકીદારી કરવાની જરૃર છે. નથી ઘૂસણખોરો રોકાતા, નથી કૌભાંડીઓ રોકાતા એ કેવું?

હાથમાંથી બાજી સરકે તે પહેલાં જાગો... મોદી... જાગો.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments