Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

સાવધાન... કુંડળી નહિ, કાયા મેળાપ! : લગ્નમાં ક્વોલિટી, પર્સનાલિટી કે બ્યુટી સાથે સેક્સ્યુઆલિટીનું મેચિંગ કેમ નહિ?

મેરેજ માટે મનમેળ અને તનમેળની સાથે યૌનમેળની પ્રાચીન ભારતીય પરંપરાને આધુનિક સ્વરૃપે અપનાવો તો ઘણાં કજોડાં અને લગ્ન વિચ્છેદ અટકી જાય!

'શુભ મંગલ સાવધાન' ફિલ્મે આપણે ત્યાં ભાગ્યે જ જેની ચર્ચા થાય છે, એ વિષયને હળવી શૈલીમાં 'ઉઘાડો' કર્યો છે. પણ એડલ્ટ કોમેડી વલ્ગર ન બને એવા ફેમિલી એન્ટરટેઇનરના મોડમાં! સેક્સ છે તો જ ફેમિલી છે. બધા જ બ્રહ્મચારી હોત તો સંસારત્યાગીઓના ભક્તો ય ક્યાંથી આવત?

આ ક્લાઇમેક્સની બાબતમાં લોચો ધરાવતી (શ્લેષ અભિપ્રેત!) ફિલ્મ ગળે ઉતરે એવા પેકેજીન્ગના ડોઝમાં આંગળી મૂકી છે. આપણે ત્યાં ઝટ તૂટતા યુવા લગ્નોમાં આ ય કારણ હોઈ શકે. પુરુષમાં પત્નીને સંતોષ આપવાનું પુરુષાતન ન હોય કે શીઘ્ર પતન કે ફિલ્મમાં બતાવે છે એવી ઇરેક્ટલ ડિસફંક્શનની સમસ્યા હોય.

શારીરિક ઉણપ કે પછી પરફોર્મન્સ એન્ગ્ઝાયટી અને કોઈ જોઈ જશેના મેન્ટલ સ્ટ્રેસના લીધે બરાબર ઉત્થાન ન થાય. પણ બાળલગ્નો પર સિરીયલ બને, પણ આવા અસલી લગ્નોને સ્પર્શતા વિષયની (અગેઇન, પન ઇન્ટેન્ડેડ) ચર્ચા ય પોતાની આબરૃની બીકે ચિંતકો કરે નહીં, ને સમાજ તો સમસ્યા ઉકેલવાને બદલે છૂપાવવામાં પાવરધો છે.

માટે બંધ બારણાના આવા કેટલાય કારણો જાહેરમાં આવતા નથી. મનમેળ નહોતો કે ફાવ્યું નહી ને છૂટા પડી ગયા એમાં વૈદ કે વકીલનું પેટ ખોલો તો ખરેખર શું મેળ નહોતો ને શું ફાવ્યું નહિ, એના એક્સરેટેડ જવાબો ય હોઈ શકે. જલ્દી ડિવોર્સ થાય માટે ક્યારેક ના હોય એવા આરોપો કોર્ટમાં મૂકીને જાહેર બદનામી થાય છે.

પણ ખરેખર આવું હોય ત્યાં ઘણાં પરિવારો બાંધી મુઠ્ઠી લાખની રાખી દે છે. ઘણીવાર ધરાર ગે કે લેસ્બીયન હોય એવા છોકરા છોકરીને પરણાવી દેવાય છે. સમાજમાં આબરૃ રાખવા નપુંસક પુરુષના લગ્ન કરાવીને પત્નીને મહાભારતની જેમ નિયોગથી ખાનગી સંતાન પ્રાપ્તિ માટેના વિચિત્ર કારસાઓ પણ થાય છે. પણ ખુલીને કોઈ આ અંગે બોલી શકે એવું ડિજીટલ ઇન્ડિયા આપણું મોડર્ન નથી થયું.

એવું જ આ ફિલ્મની રિલીઝ ટાણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પતિ અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ સ્વરાજ કૌશલે મેરિટલ રેપ પર નિવેદન કરી 'આ બૈલ મુઝે માર'નો અનુભવ કરી લીધો. કૌશલજીએ સરકારનો બચાવ કરતા કહ્યું કે ટ્રિપલ તલાકના પ્રોગ્રેસિવ કાનૂન બાદ લગ્નમાં પતિ જબરદસ્તીથી પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે ('અગ્નિ સાક્ષી' ફિલ્મનો નાના- મનીષાનો સીન કે 'પાર્ચ્ડ' ફિલ્મનો સીન યાદ છે?) એને બળાત્કાર ગણવાની જોગવાઈ ન હોવી જોઈએ નહિ તો કેટલાય લગ્નોમાં વાવાઝોડું આવી જશે.

આ મામલો પેચીદો છે. પશ્ચિમમાં ગોઠવેલા એરેન્જ્ડ મેરેજ ભાગ્યે જ હોય છે. પણ આપણે ત્યાં મોટે ભાગે આજે ય એ જ સેફ પ્રપોઝલ ગણાય છે. વળી, હજુ ય કાનુની પ્રતિબંધ ના હોવા છતાં સામાજિક મર્યાદાના નામે લગ્ન પહેલાના સેક્સની વાત તો ફિલ્મો કે સાહિત્યમાં આવે ત્યાં ય (એ માણી લીધા પછી) સૂગાળવા નાકના ટીચકાં ચડી જાય છે.

આધુનિક એવા અન્ય દેશોમાં આ પરિબળો નથી. પણ આપણે ત્યાં આજે ય મેરેજ એ સેક્સ માટેનું લાયસન્સ ગણાય છે. પ્રચલિત માન્યતા ને સામાજિક ઢાંચો જોતાં થોડું તથ્ય ધરાવતી હોય એવી એ છે કે ઘરમાં પત્ની પણ સતત સહશયનનો ઇન્કાર કરે તો પુરુષ ક્યાં જાય? લફરાં કરે?સામે પક્ષે એ ય ખરું કે શરીર સ્ત્રીનું છે, તો એના ભોગવટાનો અધિકાર પણ નારીનો જ હોય.

એ ખરીદાયેલી ગુલામડી છે? એને ય એના મૂડ, એની પીડા કે શારીરિક તકલીફો ન હોય? પણ વળી આપણે ત્યાં ઘણીવાર ધાર્મિક કારણોથી કે અમુક પ્રકારના ઉછેરને લીધે સ્ત્રી ફ્રીજીડ થઈ જાય છે. અને ગાંધીજી જેવા ગાંડા કાઢી સંતાનપ્રાપ્તિ સિવાયના દેહસંબંધ ખાલી મજા માટે હોય, એ તો પાપ ગણીને કોઈ બાબાના ચરણોમાં આળોટી પડે છે.

મેરિટલ રેપ તો પુરુષ સામે હોર્ની બનેલી પત્ની ય કરી જ શકે ને! ને પુરુષ અરસિક નીકળે ને પત્ની શોખીન રંગીન હોય તો? મામલો કાયદા કરતા વધુ પરસ્પરની સમજણનો અને એકબીજાને ચાહતા હોઈએ તો એને આનંદ આપવા માટે થોડું એડજસ્ટ કરવાનો છે.

તો પછી? સાચે જ ભોગવિલાસમાં રસ હોય એવા પતિ ને પત્ની મળી જાય ને ભક્તિમાં રસ હોય એવા યુગલની જોડી બની જાય તો ભયો ભયો! આજકાલ દરેક વર્ગના આગેવાનો, હિતચિંતકો, વડીલો ઝટ તૂટતાં લગ્નોની બહુ ફિકર કરે છે. પણ આ રિલેશનમાં સેક્સનું લેસન પોતે જ ભણી નથી શક્યા, માટે શરમને લીધે આ મુખ્ય કારણ બાબતે મૌન રાખે છે. ઘણાં તો બધી જવાબદારી સ્ત્રીની જ હોય એમ એને જ શિખામણો દેવા વળગી જાય છે.

એક્ચ્યુઅલી, ઇરોટિકલી ઇન્ટેલીજન્ટ થઈને ય આ ગૂંચવાડા સુલઝાવી શકાય એમ છે. જસ્ટ જો ભારતીય સંસ્કૃતિ એટલે માત્ર મોક્ષચિંતન એવું માનવાને બદલે સાચે જ આપણા વારસા તરફ નજર નાખીએ તો! લાઇફ પાર્ટનરની પસંદગી માટે બ્રહ્મચારી બાવાઓને પૂછતો ભારતીય સમાજ સેક્સ્યુઆલિટી મેચિંગની પ્રાચીન પરંપરા ભૂલી ગયો છે! ભૂલકણા તો આપણે એવા કે વર્ષો પહેલા રસિક સંસ્કૃત ગ્રંથોનો દોહન કરી આ જ કટારમાં આ લખવૈયાએ લેખ લખેલો એ ય ભૂલી જ ગયા હશે, તો એ ફ્લેશબેકમાં જઈએ.
    
ધર્મ, અર્થ અને મોક્ષના પુરુષાર્થ સાથે જ કામને મૂકનારા ભારત વર્ષની આ પ્રાચીન ભાષા સંસ્કૃતમાં કહેવાયું છે સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વનું મૂળભૂત, અંતિમ (ફાઇનલ) કારણરૃપ તત્ત્વ હોય તો એ મૈથુન છે. ભારતીય તત્ત્વચિંતનમાં પણ શિવશક્તિ / પુરુષ- પ્રકૃતિના આ અણુઓ એકાકાર થવાના યોગને જ જીવનનો કોસ્મિક 'લય' કહેવાયો છે!

આ લય તૂટે, તે જ પ્રલય! વાલ્મિકિ પણ ઋષિમાંથી કવિ મિથુનમસ્ત ક્રૌચપંખીના યુગલને ખંડિત થતા જોવાની પીડામાંથી જ થયા છે! કેમ? કારણ કે મૈથુનથી જ અતિશય દુર્લભ એવી બ્રહ્મજ્ઞાાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે! ભારતીય તંત્ર તો કહે જ છે કે, સમય અને અહમ શૂન્ય થઈ જાય એવી અવર્ણનીય આનંદની ક્ષણ સેક્સ્યુઅલ ઓર્ગેઝમમાં પ્રાપ્ત થાય છે. આ જ અદ્વૈતની ઓળખ છે. સૌથી મોટો ચૈતસિક જાદુ છે!

અને મેરેજ લાઇફ એના માટેનું જ પરમેનન્ટ સોશ્યલ લાયસન્સ માનો, તો કમનસીબે આપણે ત્યાં થતા ગોઠવાયેલા લગ્નો તો શું પ્રેમલગ્નોમાં પણ ઘણી વખત આ બાબત જ અવગણવામાં આવે છે. સરસ લાગતી જોડી અચાનક ડિવોર્સ લઈ લે છે. સામાજિક, આર્થિક, વૈચારિક રીતે ઉંમર- દેખાવમાં પણ પરફેક્ટ કપલ લાગતા યુગલના સંસારમાં નરી આંખે ન દેખાય એવી તિરાડો હોય છે. છૂપા અસંતોષ હોય છે.

રિમેમ્બર, વાત લવની નથી. ફિઝીકલ 'લવમેકિંગ'ની છે. બાયોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ 'મિસમેચ' ન થાય તેની સાવધાનીની છે. સવારના બ્રેકફાસ્ટ ટેબલ પર હોય તેવું જ ટયુનિંગ રાતના બેડરૃમમાં પણ રહેવું જોઈએ ને!

લગ્ન ગાળામાં મૂરતિયો કે વધૂ સિલેક્ટ કરવા માટે પાંચ જગ્યાએ અભિપ્રાયો પૂછાવતા, દસ જગ્યાએ ગ્રહોના મેળાપ કરાવી દોકડા મેળવતા, ખાનદાનના બેન્ક સ્ટેટમેન્ટ અને ગાડી- બંગલાની વિગતોથી લઈને જાનૈયાઓની સંખ્યા અને કેટરિંગનું મેનુ ડિસ્કસ કરતો સમાજ મેરેજના ભપકામાં આધુનિક થયો છે, પણ હજુ આ મુદ્દે સાવ પાણીપોચો છે! બરાબર છે કે, લગ્ન ભારતમાં બે વ્યક્તિઓનો નહિ, બે પરિવારનો પણ સંબંધ છે. પણ બે વ્યક્તિના જીવનમાં તનના ઐક્યનો પણ અવસર છે જ ને!

આનો અર્થ એવો નથી કે, વર- કન્યાના બાયોડેટામાં ૩૬-૨૪-૩૬ જેવા બેઉના વાઇટલ સ્ટેસ્ટિક્સ લખી નાખવાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય.. તો તો દરેક ફિલ્મસ્ટાર્સ અને મોડલની મેરેજ લાઇફ અફલાતુન ચાલવી જ જોઈએ ને! અને આમ પણ પ્રભુએ સ્વર્ગમાં ગોઠવેલા દિવ્ય આત્માઓના મિલનની વાતો કરતો આ સમાજ ભારતીય સમાજ પાછો છોકરા ગોઠવતાં પહેલા છોકરા- છોકરી જોવા તો પહોંચી જ જાય છે ને! તે એમાં જોવે છે શું?! ઘરેણાનું જડતર? વસ્ત્રોનું વણાટકામ? સેન્ડલ- શૂઝની બ્રાન્ડસ? જી ના, શરીર, દેખાવ, ચહેરો. લૂક. બ્યુટી. હાઇટ. બોડી. પર્સનાલિટી એન્ડ અફ કોર્સ વળાંકોના ઘટ - પુષ્ટ વાઇટલ સ્ટેટસ!

વાત સેક્સની નથી. વાત છે સેક્સ જેનું એક્સપ્રેશન છે, એ સેક્સ્યુઆલિટીની! કામક્રીડા કરતાં કામવૃત્તિની! સેક્સ બે સાથળ વચ્ચે નહિ પણ બે કાન વચ્ચે હોય છે, એ જગજાહેર સત્યને સમજીને મેચમેકિંગને ફિટ એન્ડ ફાઇન કરવાની નૂતન ક્રાંતિની શરુઆત છે!

એકચ્યુઅલી, નૂતન- નવીન નહિ પણ પ્રાચીન- પુરાતન! જી હા, સેક્સોલોજીનું શાસ્ત્ર પશ્ચિમમાં તો માંડ ૧૯મી સદીથી વિકસ્યું. પણ ફોરેન સાઇકિયાટ્રિસ્ટ જે અવનવા રિસર્ચ પછી સમજે છે, એ ભારતીય ઋષિઓએ તો સદીઓ અગાઉ સમજીને સ્વીકારેલું! મેરેજમાં લવ હોય કે એ એરેન્જડ, બધા એકબીજાને જોઇને 'તનમેળ' અને સ્વભાવ, પરિવાર, ગમા-અણગમા, પરિસ્થિતિ વગેરેને સમજવાના - ગુણ - દોષ સ્વીકારવાના 'મનમેળ'ની વાતો કરે છે. પણ એટલા જ જરૃરી એવા 'યૌનમેળ' (સેકસ્યુઅલ મેચમેકિંગ)ની ચિંતા કોઈ કરતું નથી. અને સરવાળે પછી દાંપત્યમાં નથી ભોગ રહેતો, નથી યોગ રહેતો... રહે છે મૂંઝવણ સંતાપ, કજીયાકંકાસ, લફરાં અને અતૃપ્ત હતાશાનો રોગ!

આ સંતુલન પણ સંવનનથી પારખવાનું રહે છે. નહિ તો લાકડો માંકડા વળગાડયા જેવા 'કજોડાં' રચાય છે. આ 'કજોડાં' જોઇને, વાત કરીને ઓળખાતા નથી. અને પહેલાં એકાદ વરસ તો શારિરીક આવેગો અને સ્વપ્નીલ આકર્ષણથી બધું જ રોઝી રોઝી લાગે છે. પછી આ કાંટા ભોંકાય છે!

સેંકડો વર્ષો પહેલા કદાચ આ ચિંતા 'કામસૂત્ર'ના રચયિતા એવા મુનિ વાત્સ્યાયને થઇ. અને શુષ્ક વાસ્તવિક્તાને પણ કળાત્મક રીતે રજુ કરવાની તો સંસ્કૃત સર્જકોની મોહક છટા રહી છે, જ્યારે આ તો રસિકતાની જ રજુઆત! વાત્સ્યાયન (અને 'અનંગરંગ' ગ્રંથના રચયિતા કલ્યાણમલ્લ) ઋષિએ ગંભીરતાપૂર્વક યૌનમેળની વાતનું સીસ્ટમેટિક એનાલિસિસ કર્યું. સાયન્સ અને મેથેમેટિક્સના કોઈ ચેપ્ટરની જેમ કોષ્ટકો બનાવ્યા. અને જગતભરને એક એક્સક્લુઝિવ કોન્સેપ્ટ આપ્યો ઉંમરના ભેદને બદલે ઉમંગના ભરમ ઉકેલતો!

વાત્સ્યાયને પહેલો ક્રાઇટેરિયા (માપદંડ) લીધો જનનાંગોની સાઇઝનો. પીનસ અને વજાઇના (લિંગ-યોનિ)ને 'યંત્ર' કહી એના માપ મુજબ નર-નારી ત્રણ-ત્રણ પ્રકારમાં વહેંચી દીધા છે. સાવ નાનું અવયવ ધરાવતો પુરૃષ 'શશ'(સસલો), મધ્યમ અવયવ 'વૃષ' (આખલો) અને અસામાન્ય મોટું અવયવ ધરાવતો પુરૃષ 'અશ્વ' (ઘોડો)! એવી જ રીતે પહોળાઈ-ઉંડાઈ પરથી નાનું પ્રજનન અવયવ ધરાવતી સ્ત્રી 'મૃગી' (હરણી), મધ્યમ સાઇઝની સ્ત્રી 'વડવા' (ઘોડી) અને અસામાન્ય વિશાળ અવયવ (લાગતા વળગતા ટૂચકાઓ યાદ કરીને મલકાઈ લેવાની છૂટ છે!) ધરાવતી સ્ત્રીને 'હસ્તિની' (હાથણી)ના નામે ઓળખાવી છે!

પછી તો આવા સ્ત્રી-પુરૃષના શારિરીક લક્ષણોની પણ જૂના ગ્રંથોમાં ઉત્તેજક ચર્ચાઓ છે. પુરૃષમાં તેજસ્વી લલાટ. પાતળા હોઠ, પ્રભાવી ચાલ, પહોળા ખભા, કેશવાળી છાતી, પાતળા-પેટ અને કમર, પાણીદાર આંખો, રક્તિમ (લાલાશવાળી) હથેળી, ચુસ્ત પગ, માંસલ બલિષ્ઠ ભુજા જેવા લક્ષણોના ક્રમિક તબક્કા છે. તો સ્ત્રીના વર્ણનમાં તો સ્વાભાવિકપણે પુરૃષ લેખક વધુ જ ખીલવાનો!

સેમ્પલ: 'અંબુજમંજુગન્ધિ મદનસ્યન્દમ્' યાને કમળ (અંબુજ) જેવી સ્વીટ (મંજુ) મદન (કામદેવ) સ્યન્દમ્ (જળ) ધરાવતી યાને જનનાંગોમાં સુગંધી ભીનાશ ધરાવતી સ્ત્રી! પીન પયોધર, ધન નિતંબ, ઉંડી નાભિ, પાતળું પેટ, સુકુમાર ત્વચા, ભરાવદાર ઓષ્ઠ ઇત્યાદિ ધરાવતી ચલમના (ચંચળ મનવાળી) અને કાંતાનુરાન્વિતા (પ્રિય પ્રત્યે પ્રેમ ધરાવતી) નારીનાલેવલ મુજબના લેબલિંગ થયા છે.

બેક ટુ સેકસ્યુઆલિટી ફ્રીકવન્સી સેટિંગ. વાત્સાયન મુનિ કહે છે કે સરખું માપ ધરાવતા નર-નારી મતલબ શશ-મૃગી, વૃષ-વડવા વગેરેનો સમાગમ 'સમરત' છે. ઇકવલ છે, અને ક્રોસ મેચિંગ થાય તો શશ-વડવા, કે વૃષ-મૃગી 'વિષમરત' છે, અને એમાં ય શશ-હસ્તિની કે અશ્વ-મૃગીમાં તો લાંબુ અંતર રહી જતાં એ કનિષ્ઠ કજોડા થયા! ફિઝીકલી જ બંનેની વેવલેન્થ મળે જ નહીં!

અલબત્ત, એ સમયના ધોરણો મુજબ અંગોના માપ ઇંચમાં નહિં - આંગળામાં છે! જૂના જમાનાના શસ્ત્રોના વર્ણન જેવી આ ફેન્ટેસી ગણાય. અને આ શીર્ષકો જે - તે પ્રાણીઓના નામ સાથે છે, તેનો મતલબ એવો તો એ જમાનામાં પણ નહોતો કરવાનો કે અવયવો જે તે પશુની સાઇઝના સસ્તી પાર્નોગ્રાફિક ફિલ્મો જેવા 'અ-માનવીય' હશે!

બધું જ જુનું શબ્દશ: સ્વીકારી લેવું હોય તો ટાઈમ મશીનમાં બેસીને એ જમાનામાં જતું રહેવું પડે. ઇસ્લામિક ત્રાસવાદીઓ આ જ ગલતી કરે છે. આજે સાયન્સે જાતીય અંગોની સાઇઝ કરતાં સ્ટ્રેન્થનું મહત્ત્વ સેક્સમાં વધુ છે એ સાબિત કર્યું છે! (ને આટલી સીધી સાદીવાત સમજવા માટે વિજ્ઞાાનની જરૃર નથી!) યોનિમાર્ગના પ્રથમ બે ઇંચમાં જ કામ સંવેદનતંતુઓ છે, એવું શોધવાના લેબોરેટરી ઇક્વિપમેન્ટસ-વાત્સ્યાયન પાસે નહોતા.

નેચરલી, આપણી તો પ્રેરણા ભારતીય કામશાસ્ત્રનો પ્રાચીન કોનસેપ્ટ છે. એનું અર્થઘટન અર્વાચીન સમજદારી અને જાણકારી ઉમેરીને કરવાનું છે. પણ સાઇઝ તો યૌનમેળનો એક માપદંડ છે. સેક્સોલોજીસ્ટને કપલ્સમાં જે વધુ સમસ્યાનો સામનો કરવાનો આવે છે, તે સમાગમના 'ટાઈમ-એલિમેન્ટ' મુજબ પણ વાત્સ્યાયને પ્રકાર પાડયા છે.

સ્ત્રીને અનુભવાતી ચરમસીમા (ઓર્ગેઝમ) અને પુરૃષના સ્ખલનના સમય ઘણી વખતે તાસીર મુજબ વધતા-ઓછા હોય છે. (જે કોઈ બીમારી નથી!) કોઇને શીઘ્રપતન થાય, કોઇને થોડા સમય પછી તો કોઈ (બડભાગી)ને વગર વાયેગ્રાએ લાંબા સમય પછી થાય! એવું જ પ્રાકૃતિક રીતે જ મલ્ટીપલ ઓર્ગેઝમ અનુભવવાની ગિફ્ટ લઇને આવતી સ્ત્રીઓનું!

રાબેતા મુજબ સંગીતમય સંસ્કૃત નામો અહીં પણ છે - ઝડપથી પરાકાષ્ઠાએ પહોંચી જાય એ નર-નારી 'લઘુદ્રવ'/દ્રવા, પછી 'મધ્યમદ્રવ' અને છેલ્લે 'ચિરદ્રવ'. અહીં જોડકાં ઇન્ટરેસ્ટિંગ બને છે. નેચરલી 'સમ-રત' (કામદેવની પત્ની રતિના નામ પરથી સેક્સને રતિક્રીડા પણ કહે છે) કોમ્બિનેશન્સ મગજમાં આવી જાય તે ઇઝી છે. શીઘ્રસ્ખલિત સામે શીઘ્રઉત્તેજીત એન્ડ સો ઓન.

એવું જ વિષમ-રતનું છે. પણ મજા અહીં એ છે કે 'ઉચ્ચરત' મૈથુનની અહીં ક્રોસમેચિંગમાં સંભાવના છે! ઝડપથી ઓર્ગેઝમ પર પહોંચી જતી સ્ત્રીનું લાંબા સમય સુધી સ્ખલનનું સ્તંભન કરી શક્તા પુરૃષ સાથે સાયુજ્ય થાય તો એને ઉપરાછાપરી પારાકાષ્ઠા અનુભવવાની તક મળે!

જો કે, એક જ ક્ષણે મેલ-ફિમેલ બંનેને ઓર્ગેઝમનો એક્સપિરિયન્સ થાય એવું કંઇ દર વખતે બને નહિ. અને એટલા માટે જ વાત્સ્યાયનના જમાનામાં પણ ફોર-પ્લે અને આફટર પ્લેનું મહત્ત્વ રહેતું! સેક્સ્યુઆલિટી મેચમેકિંગનો ખરો માસ્ટર સ્ટ્રોક હવે આવે છે. પહેલાં બંને પ્રકારો (અવયવ, તૃપ્તિ) ઘણાં અંશે ફિઝીકલ છે. વળી, મેડિકલ હેલ્પ વિના એમાં મોટેભાગે કુદરતે ગોઠવેલી કરામત સ્વીકારવાની છે. ચમત્કારિક ફેરફારને અવકાશ નથી.

પણ વાત્સ્યાયનનો આ ક્રાઇટેરિયા આજના જમાનામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ સાયકોલોજીકલ છે. ખરા અર્થમાં સ્વભાવગત છે. થોડા એડજસ્ટમેન્ટ અને પ્રેક્ટિસ પછી અગાઉના 'વિષમરત' કે કનિષ્ઠ કજોડાં યુગલો આરામથી ટયુનિંગ મેળવી શકે છે પણ આ માપદંડમાં જો ગરબડ થઇ તો એ પરમેનન્ટ છે. અને એ છે કામવેગ. કામેચ્છા. સેક્સ પ્રત્યેનંટ આકર્ષણ. સેક્સનું જીવનમાં મહત્ત્વ. સેક્સની અગત્યતા મુજબ અપાતી પ્રાયોરિટી. સેક્સ અંગેના વિચારો!

મુનિશ્રી નર-નારીને એમની સેક્સ પ્રત્યેની રૃચિ મુજબ આ ત્રણમાં વહેંચે છે. ચંડવેગી (પ્રબળ કામવાસના ધરાવતા, એના વિચારોમાં ખોવાયેલા રહેતા અને એને જીવનનો શ્રેષ્ઠ આનંદ માનતા નર-નારી), મધ્યવેગી (જસ્ટ બેલેન્સ્ડ, સેક્સનો અસ્વીકાર નહીં પણ ખાસ કંઇ આકર્ષણ નહિં.

એની બહુ ચર્ચા-ફેન્ટેસી-એક્સપેરિમેન્ટ ન ગમે સમયાંતરે શરમાઈને જુવાની મુજબ થોડી મજા માણે બસ!) અને મંદવેગી (ભારતમાં ધાર્મિકતાના અતિરેકને લીધે જેમનું ઘોડાપુર જોવા મળે છે એવા સંતાનોત્પત્તિ સિવાય સેક્સને પાપ માનનારા ડફોળ શિરોમણિઓ, ભક્તજનો, સંયમ-મર્યાદાના બોરિંગ-વાયડા વડીલ જેવાં પંતુજી-મણિબહેનો!)

સ્વભાવિક રીતે ચંડવેગી પુરૃષ સાથે ચંડવેગી સ્ત્રીનું જો યુગલત્વ સર્જાય... અહાહાહા! લાઇફ ઇઝ રોકિંગ ક્રેકિંગ! ઔર જીને કો ક્યા ચાહિયે! ખરા અર્થમાં સમ+ભોગ! સદેહે, સજોડે ઘરમાં જ મોક્ષપ્રાપ્તિ થવા લાગે પછી ચૈતન્યના સાક્ષાત્કાર માટે કિતાબો કે કીર્તનના શરણે શું સમય વેડફવો! પણ ભારતમાં મોટેભાગે અહીં જ મિસફિટ કપલના ગુંચવાડા સર્જાતા હોય છે!

પછી ન કહેવાય, ન સહેવાય! ભક્તાણી બની ગયેલી શુષ્ક પત્નીઓ પતિ સામે બરફની પાટ બનેલી મંદવેગી હોય, અને પતિમાં રહેલો પુરૃષ પછી પતંગિયું બની જાય! અને કામવેગ કંઇ પુરૃષોની 'મોનોપોલી' નથી. ચંડવેગી સ્ત્રીઓની હાલત કફોડી થાય, કારણ કે પોતાની સહજ તાસીર કે પસંદ બતાવવા જાય તો સમાજ કે વર જ એને જાતભાતની વિચિત્રતાઓથી વગર વાંકે 'ચાલુ' કે 'હલકી' ગણે!

માટે કદ કે કાલભેદ તો ઠીક પણ વેગને પારખી 'સમતુલ્યા' આવેગ ધરાવતી જોડલીઓ જ રચાય તો એમના માટે લગ્ન બંધન ન રહેતાં, જશ્ન બની જાય!
બાય ધ વે, કામુકતાના આ પગથિયામાં તો યોગ્ય સમજ અને રસ કેળવીને માણસ ફેરફાર પણ કરી શકે છે. શશમાંથી અશ્વ કે હસ્તિનીમાંથી મૃગ થવું સહેલું નથી, પણ ચંડવેગીમાંથી મંદ કે મંદમાંથી ચંડ બની શકાય છે! જોઇએ, થોડીક નિખાલસતા અને ઝાઝી તરંગી માનસિકતા! ફેન્ટેસી મીટ્સ ફન!

કાશ, વેડિંગ રિંગ પહેલાં સંસ્કારો વ્યવહારોનો જ નહિં, આ બાબતનો પણ વધુ 'ખુલ્લા' પડયા વિના (વાત્સ્યાયનની ટર્મિનોલોજીની ઓથે) એકબીજાનો નિકટ પરિચય પહેલે બાતો બાતો મેં ઔર ફિર રાતો રોતો મેં આપી શકાતો હોત! તો યાદ રહેત કે પતિ-પત્નીએ લગ્નમાં પહેલાં તો મધુર સંભાષણ કેળવવાનું છે. મતલબ કોમ્યુનિકેશન. તો પરસ્પરના પ્રેમને લીધે નાની-મોટી ખામીઓ કે કુદરતી મેન્યુફેકચરિંગ મર્યાદાઓ ય ફરિયાદ વિના સ્વીકારાઈ જાય. અને એ લવ જ લો (કાનૂન) કરતા મજબૂત સ્નેહબંધન છે દાંપત્યજીવનનું!

ફાસ્ટ ફોરવર્ડ :

સુહાગરાતે વર-વધૂ બંને 'વર્જીનિટી' (અખંડ કૌમાર્ય)નો દાવો કરતાં હતાં. બીજે દિવસે સવારે...

પત્ની : જો આ તમારો પહેલો અનુભવ હોય તો તમે આટલી સરસ રીતે પરફોર્મ કેવી રીતે કરી શક્યા?

પતિ : જો આ તારો પહેલો અનુભવ હોય તો તને કેમ ખબર પડી કે મેં ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું !?

 

Post Comments