Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

આધુનિક ગેઝેટનો વધુ પડતો વપરાશ એટલે ગંભીર બીમારીઓને આમંત્રણ

લાંબાગાળા સુધી ટીવી જોનારાઓ પણ આ બીમારીમાંથી પસાર થાય છે. આવા ઉપકરણો શરીરમાં એલર્ટનેસ લાવે છે. જેના કારણે ઊંઘની પ્રક્રિયાને અસર થાય તે સ્વાભાવિક છે.

થોડાં વરસ પૂર્વે જેના નામ  આપણે સાંભળ્યા નહોતાં એવા આધુનિક ગેઝેટ સેલ્ફોન, લેપટોપ, આઇપોડ વગેરે આજે આપણા જીવનનો અંતરંગ હિસ્સો બની ગયા છે. તમે જ કહો કે સ્માર્ટફોન વગરના એક દિવસની પણ કલ્પના કરી શકાય.

આમ જુઓ તો ટેકનોલોજી આશીર્વાદરૃપ છે. અગાઉના રાજા-મહારાજાઓને પણ નહોતી મળતી એ સુવિધાઓ અત્યારે ટેકનોલોજીને કારણે સામાન્ય માણસોને પ્રાપ્ય બની રહી છે, પરંતુ જો વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કરવામાં આવે તો આ જ ટેકનોલોજી અભિશાપ બની શકે છે. અને બની રહી છે.

વુલ્ફાંગ ઝેક્સ નામના જર્મનીના ફિલસૂફ આધુનિક ટેક્નોલોજીએ  ઊભી કરેલી  ભ્રમજાળની આરપાર ખૂબ તીક્ષ્ણતાથી જોઈ શકે છ.

વુલ્ફાંગ ઝેક્સ કહે છે કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર માણસ એક મસમોટા તંત્ર સાથે પોતાની જાતને જોડે છે. આ તંત્ર માણસના સમાજનું સ્વરૃપ નક્કી કરે છે. આધુનિક ટેક્નોલોજી વાપરવી એટલે આપણા આખાય સમાજની નવરચના કરવી. આધુનિક ટેક્નોલોજી ભલે ઉપર ઉપરથી  નિર્દોષ અને નિરુપદ્રવી લાગતી હોય, તે તમારા આખાય જીવનને સ્પર્શે છે. જીવનને તે નવો ઘાટ  આપે છે. તે આપણને પોતાના ઢાંચામાં ઢાળતી જાય છે. માણસ તે વાપરતો નથી, ટેક્નોલોજી માણસને વાપરતી થઈ જાય છે, માણસ તેના હાથની કઠપૂતળી બની જાય છે. 

ટેક્નોલોજી માણસનું માનસ ઘડે છે, તેનો જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખે છે. એ તમારી ઊર્મિઓ અને લાગણીઓનેય પોતાનો સાંસ્કૃતિક ઓપ આપે છે. એ માત્ર ઓજાર નથી, જીવનદ્રષ્ટિ છે. માણસના માનસ ઉપર એ એવી ઘીસીઓ પાડે છે, જેને ભૂંસવી અઘરી છે. ટેક્નોલોજીની તાત્કાલિક ઝાકઝમાળ માણસને આંજી નાખે છે, પરંતુ સમાજને ખબર નથી પડતી કે તેની કેટલીક ભારે કિંમત ચૂકવવી પડે છે.

ઓછા શબ્દોમાં કહેવું હોય તો આજના તમામ આધુનિક ઉપકરણોનો લાભ ખાટવા જતા આપણે અનેક વ્યાધિને નોતરીએ છીએ.

ટીનેજરો જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે તે ટેબ્લેટ, સ્માર્ટફોન કે અલ્ટ્રાબુક 'ગેઝેટ' તરીકે પણ ઓળખાય છે.  ડિજિટલ કેમેરા અને લેપટોપ જેવી વસ્તુઓ તો આજની પેઢી માટે સામાન્ય બની ગઇ છે.  આ ગેઝેટના કારણે આ લોકોનું જીવન વધુ સગવડિયું બની ગયું છે. પરંતુ કોઇએ એ ભૂલવું ન જોઇએ કે આ આરામની ભારે કિંમત ચુકવવી પડે છે.

આઇપોડને લીધે બહેરાશ, ટેબલેટને લીધે ડોકનો દુ:ખાવો, લેપટોપને લીધે સાથળ દાઝી જવા,   સ્માર્ટફોનને લીધે ચ્હેરા પર કરચલી પડવી અને સેલફોનનાં ચળકતાં સ્ક્રીનને લીધે આંખો ખરાબ થવાના કેસ ભયસૂચક હદે વધી રહ્યા છે.

કેટલાક 'ફિટનેસ ફ્રીક' સવારે જીમમાં જઈને ફુલ વોલ્યુમ પર લેડી ગાગાના ગીતો સાંભળે છે. ટ્રેડમીલ પર દોડતી વખતે કાનમાં ઇયરફોન ખોસેલા હોય છે. રસ્તા પર ચાલતા-ચાલતા કે બીજી કોઇ પ્રવૃત્તિ કરતા અથવા નવરાબેઠા આઇપોડ સાંભળવાની આદત આજકાલ ફેશન બની ગઈ છે, પરંતુ લાંબા સમય સુધી આરીતે હેડફોન પર ઉંચા અવાજે સંગીત સાંભળવાને લીધે કાનમાં બહેરાશ આવી શકે છે. દુનિયાભરના ઘોંઘાટને ઝીલીને ઇજાગ્રસ્ત થઈ ગયેલી શ્રવણેન્દ્રીયો કાયમ માટે સુમસામ બની શકે છે.

આજના તમામ ગેઝેટની લોકોના આરોગ્ય પર માઠી અસર થાય છે. આવા ગેઝેટનો વધુ પડતો ઉપયોગ આરોગ્યને નુકસાન કરે છે અને ભયંકર બીમારીઓને નોતરે છે. 'ટેક્સ્ટર્સ નેક' એ મોબાઇલ ફોન, લેપટોપ અને ટેબ્લેટ જેવી વસ્તુઓ સાથે સંકળાયેલી વ્યાધિ છે. ગળાના અતિશય દુખાવાને નોતરતી આ બીમારી ગંભીર બની શકે છે. વધુમાં લોહીના પરિભ્રમણને અસર કરે છે. જેની અસર ટેનિસ એલ્બો સુધી પહોંચે અને કોણીના ઉપરના ભાગે સોજો આવી શકે છે.

ડૉક્ટરો કહે છે કે ખાસ કરીને યુવાઓમાં આ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. લેપટોપ કે કોમ્પ્યુટર પર લાંબાસમય સુધી કામ કરતાં લોકોને પીઠનો દુખાવો ઉપડી શકે છે. જો તેમની બેસવાની સ્ટાઇલ બરોબર ન હોય તો તેમની કરોડરજ્જુ તેમ જ પીઠ અને ખભાના સ્નાયુને અસર કરે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે લેપટોપનો ઉપયોગ કરતાં ૮૦ ટકા લોકો સામે મગજની બીમારીનો ખતરો રહે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન (ઇએમઆર) કોઇપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો એક અનન્ય ભાગ છે. મોબાઇલ ફોનના રેડિયેશન અને ફોનના ટાવરો લોકોને દેખાતા હોય છે. ઇએમઆર બ્રેઇન ટયુમર્સ, બાળપણમાં લુકેમિયા અને જીનને નુકસાન જેવી ગંભીર બીમારીઓને નોંતરે છે.

અકળામણ, ગુસ્સો, ચિંતા જેવાં સામાન્યપણે ધ્યાનમાં આવતાં બીમારીના લક્ષણો તમારા શરીરને ગ્રસિત કરે છે. કેટલાક એવો ભ્રમ રાખે છે કે મને એ બીમારી નથી. પરંતુ તમે કોઇ દિવસ ધ્યાન આપ્યું છે કે યાદ રાખવાની કોશિશ કરી છે કે જ્યારે તમારો ફોન રણકે છે ત્યારે તમે આમાંના કોઇ લક્ષણોમાંથી પસાર થાવ છો કે નહિ.

જેમનું જીવન આવા ગેઝેટની આસપાસ જ ફરે છે તેમને પૂછો રાતની ઉંઘ હરામ થઇ જાય છે. ઓછી ઊંઘ પણ બીમારીને આમંત્રણ જ આપે છે. લાંબાગાળા સુધી ટીવી જોનારાઓ પણ આ બીમારીમાંથી પસાર થાય છે. આવા ઉપકરણો શરીરમાં એલર્ટનેસ લાવે છે. જેના કારણે ઊંઘની પ્રક્રિયાને અસર થાય તે સ્વાભાવિક છે.

આવા ગેઝેટના રંગ અને તેમાંથી નીકળતા કિરણો આંખને અસર કરે છે. એલસીડી સ્ક્રીન્સ તમને સીઆરટી સ્ક્રીન્સ કરતાં વધુ માકફ આવે છે.

ગુડગાંવમાં આવેલી કોલમ્બિયા એશિયા હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઇએનટી અને કોક્લિઅર ઇમ્પ્લાન્ટ સર્જન ડો. સોમેશ્વર સિંહના મત પ્રામાણે ઉંચા અવાજે સંગીત સાંભળવાને લીધે કાન દુ:ખવા સહિત અનેક પ્રકારની બિમારી થઈ શકે છે, પરંતુ આઇપોડ અને બહેરાશ વચ્ચે કોઇ સીધો સંબંધ નથી.

આઇપોડ વપરાશકારોના કાનની સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હોય છે. આથી એ રોજ બે કલાક સાંભળવામાં આવે તો પણ બહેરાશ આવવાની શક્યતા ઉભી થતી નથી. હા, કાનમાં ધાક પડી જવાની સમસ્યા જરૃર ઉભી થઈ શકે છે.એની કોઇ સારવાર નથી, પરંતુ આ સમસ્યા ભાગ્યે જ કાયમી રહે છે. બાકી મોટા ભાગના કેસોમાં તેની અસર હંગામી હોય છે.

એક નિષ્ણાત ઈ.એન.ટી. તબીબે જણાવ્યા પ્રમાણે લાંબાગાળા સુધી ઇયરફોનના વપરાશને લીધે કાનમાં મીણનું પ્રમાણ ભયજનક હદે વધી શકે છે. તેના કારણે શ્રવણશક્તિ સાવ ઓછી થઈ જાય છે. આ મીણને સર્જરી દ્વારા દૂર કરવું પડે છે.

હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થ દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં એક સર્વે રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે આઇપેડ એટલે કે ટબ્લેટ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાને કારણે ગરદનના સ્નાયુમાં દુ:ખાવો થઈ શકે છે. ડેસ્કટોપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે સીધું જોવો છો. જ્યારે લેપટોપનો વપરાશ કરતી વખતે તમે ગરદન ઝૂકાવીને જૂઓ છો.  લાંબા સમય સુધી આરીતે જોતા રહેવાથી ડોકના સાંધામાં દુ:ખાવો થવા લાગે છે. માથાના પાછળના ભાગમાં, ખભ્ભામાં તથા બાવડામાં પણ પીડા થાય છે.

અન્ય એક તબીબે જણાવ્યું હતું કે 'અગાઉ આ પ્રકારની સમસ્યા ૪૦ વર્ષ પછીના લોકોમાં જોવા મળતી હતી, પરંતુ હવે ૨૦ વર્ષના લોકોમાં પણ એનું પ્રામણ વધી રહ્યું છે.'

લાંબા સમય સુધી લેપટોપને ખોળામાં રાખીને કામ કરાવાથી સાથળની ચામડી દાઝી જવાના પણ અનેક બનાવો નોંધાયા છે. લેપટોપમાંથી સતત ગરમી નીકળતી હોય છે. એને ખોળામાં રાખવાથી સાથળની ચામડીને ગરમી લાગે છે. ઉલ્લેખનીય છે કે લેપટોપના વપરાશ વખતે ૫૨ ડીગ્રી સેલ્સિયસ જેટલી ઉંચી ગરમી રહેલી હોય છે.તેના લીધે સાથળની ચામડી દાઝી જાય છે.

તબીબોના દાવા પ્રમાણે લેપટોપના વધુ પડતા વપરાશને લીધે શુક્રાણુ ઘટી જવાનો પણ ખતરો રહે છે, જોકે હજી આ દિશામાં પૂરતું સંશોધન થયું નથી અને નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. આથી આ વિશે ખાતરીપૂર્વક કહેવું મૂશ્કેલ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે લેપટોપને લીધે ત્વચાને લાંબાગાળે નુકસાન થાય છે.

થોડા સમય પૂર્વે થયેલા એક સ્ટડીમાં જણાવવામાં આવ્યા અનુસાર સતત સ્માર્ટફોનની સ્ક્રીન સામે જોતા રહેવાથી ત્વચામાં કરચલી પડી શકે છે. સ્માર્ટફોનમાં જોતા હોય ત્યારે જડબું નીચે રહે છે અને તેના લીધે ચ્હેરાના નીચેના ભાગની ચામડીમાં સળ પડી જાય છે.('સ્માર્ટફોન તમારા જડબા ઢીલા કરી શકે છે' એવો આર્ટીકલ થોડાં સમય પૂર્વે જ ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયો હતો.) નવી દિલ્હીના 'સ્કિન અલાઇવ' ક્લિનિકના કન્સલ્ટન્ટ ડર્મીટોલોજીસ્ટ અને ડિરેક્ટર ડો. ચિરંજીવ છાબ્રાએ કહ્યું હતું કે 'મોબાઇલના વધારે પડતા વપરાશને લીધે આંખની આસપાસની ચામડીમાં કરચલી પડી જવાની દહેશત રહે છે.'

તમારી આસપાસ અત્યારે કેટલી સ્ક્રીન રહેલી છે? એક તો કોમ્પ્યુટર  સ્ક્રીન, જેના પર તમે ટાઇપ કરી રહ્યા છો, એક સ્માર્ટફોન સ્ક્રીન અને એક આઇપોડ ટચપેડ. આ ત્રણ સ્ક્રીનને અત્યારે આપણે ધ્યાનમાં લઈએ. ટીવી સ્ક્રીન કે ટેબ્લેટ સ્ક્રીનને ગણતરીમાં લઈ રહ્યા નથી. જો તેની ગણના કરવામાં આવે તો પાંચ સ્ક્રીન થાય. મુંબઈની એક હોસ્પિટલના ઓથેલ્મોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર કહે છે કે 'સ્ક્રીનનું રેડિયેશન આંખ માટે હાનિકારક નથી, પરંતુ એને થકવી જરૃર નાખે છે. આંખ ખેંચાવી, આંખમાં ખંજવાળ આવવી, આંખ સુકાઈ જવી વગેરે જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.'

તેમણે આંખની સલામતી માટે ભલામણ કરી છે કે અંધારામાં સ્ક્રીન સામે જોવાનું ટાળવું જોઇએ તથા સતત દોઢ કલાક સુધી સ્ક્રીન સામે જોયા બાદ એક મિનિટ સુધી આંખ બંધ રાખવી જોઇએ. બધી વાતનો સાર એ છે કે અતિની ગતિ સારી નહીં એ ન્યાય આધુનિક ગેઝેટ્સને પણ લાગુ પડે છે.
 

Post Comments